શિયાળાની યોગ-મુદ્રાઓ !

હાલમાં જે કડકડતી ઠંડી ચાલી રહી છે. એમાં તમે યોગાસનો કરો કે ના કરો, અમુક લોકો એની મેળે ‘યોગ-મુદ્રા’માં આવી જાય છે ! જુઓ…

*** 

પરચૂરણ ગણક મુદ્રા
ખભા ઊંચા થઈ ગયા હોય, બંને હાથ પેન્ટના ખિસ્સામાં હોય અને ભાઈ સવાર સવારના અડધો કલાકથી બસની રાહ જોતા ઊભા હોય (અથવા સુલભ શૌચાલયની લાઈનમાં ઊભા હોય) ત્યારે ખિસ્સામાં જાણે આંગણીઓ વડે પરચૂરણ ગણતા હોય… એવા ‘પોઝ’ને પરચૂરણ ગણક મુદ્રા કહે છે !

*** 

બગલ-બાલ ગણક મુદ્રા
ઠંડીમાં માણસ અદબ વાળીને ઊભો હોય એ તો સમજ્યા, પણ અમુક લોકો તો સવારના ચાલવા નીકળ્યા હોય ત્યારે પોતે કેટલા ડગલાં ચાલ્યાં તેનો સ્કોર જાણે બગલના વાળ ગણીને રાખવાનો હોય એ રીતે બને હાથ બગલમાં ખોસી રાખે છે ! જોજો તમે…

*** 

ગોલ પ્રતિરોધક મુદ્રા
ફૂટબોલમાં જ્યારે ‘ફ્રી-કીક’ આપવામાં આવે છે ત્યારે સામેવાળા પ્લેયરો કેવા બંને હાથ વડે ચડ્ડી ઢાંકીને ઊભા હોય છે ? બસ, એ જ રીતે જાણે ઠંડી પણ ફૂટબોલની જેમ ત્રાટકવાની હોય, તેમ, માત્ર ઊભા ઊભા જ નહીં, અમુક લોકો તો સોફામાં બેઠા હોય ત્યારે પણ બંને હાથ વડે ગોલ બચાવીને બેઠા હોય છે !
બોલો.

*** 

પાંચ વત્તા પાંચ મુદ્રા
તમે કોંગ્રેસના કાર્યકર હો કે ના હો… પણ જ્યારે તમે તાપણા સામે બેઠા હો ત્યારે તમારા બંને હાથ વારંવાર આ મુદ્રામાં આવીને ગોઠવાઈ જતા હોય છે !

*** 

ગર્ભાવસ્થા મુદ્રા
જ્યારે કડકડતી ઠંડી રાતમાં ઓઢવાનું પુરતું ના હોય, અથવા વહેલી સવારે પથારી છોડવાનું મન ન થતું હોય ત્યારે બિચારો પુખ્તવયનો માનવી પણ જાણે માના પેટમાં હોય એ રીતે ટુંટીયું વળી ગયો હોય છે !

*** 

ચિલમ-ફૂંક મુદ્રા
ખાસ કરીને જ્યારે સવારનું ધુમ્મસ છવાયેલું હોય અને હાથની આંગળીઓ ફરી જતી લાગે ત્યારે ભલભલા સંસારી લોકો પણ બાવાની જેમ મોં પાસે મુઠ્ઠીઓ લાવીને ચિલમ ફૂંકવાના પોઝમાં આવી જાય છે ! ખાસ જોજો તમે…

***

- મન્નુ શેખચલ્લી

Comments