જે દેશ ઓલિમ્પિક્સમાં માંડ અડધો ડઝન મેડલ જીતી શકે છે એ જ દેશ જો આખેઆખી ઓલિમ્પિક ગેઇમ્સની યજમાનગિરી માટે પણ તૈયાર હોય… ત્યાં ‘ખેલાડી’ઓના પણ કેવા ‘ખેલ’ ચાલતા હોય !
પ્રસ્તુત છે ૨૦૨૪ના ‘ખેલાડી’ એવોર્ડ્ઝ !
***
બેસ્ટ ખેલાડી ઓફ ૨૦૨૪
વિનેશ ફોગાત ! કેમકે દુનિયાના કુશ્તીબાજો સામે ટક્કર લેવી સહેલી છે પણ ભારતના કુટિલ નેતાઓ, ભ્રષ્ટ રાજકીય પાર્ટીઓ, આળસુ સરકારી અફસર અને વાંકદેખા મિડીયા સામે ટક્કર લઈને ચૂંટણી જીતવી એ કંઈ જેવી તેવી સિધ્ધિ નથી !
***
બેસ્ટ સમરસોલ્ટ ઓફ ૨૦૨૪
સમરસોલ્ટ એટલે ગુલાંટ ! હજી જુન મહિનામાં ટી-૨૦નો વર્લ્ડકપ જીતાડીને આસમાનમાં ઉડતા રોહિત શર્મા ડિસેમ્બર સુધીમાં તો શ્રીલંકા, ન્યુઝિલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે શરમજનક રીતે હારીને કિસ્મતની ગુંલાટ ખાઈ ચૂક્યા છે ! અન-બિલિવેબલ, નો ?
***
‘અદ્રશ્ય’ ખેલાડી ઓફ ૨૦૨૪
૨૦૨૩ના વર્લ્ડકપમાં ખતરનાક બોલિંગ વડે ભારતને ફાઈનલમાં પહોંચાડનાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ૨૦૨૪ના આખા વરસ દરમ્યાન ‘અદ્રશ્ય’ જ રાખવામાં આવ્યા છે ! એ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તરખાટ મચાવે છે છતાં સિલેક્ટરોને લાગે છે કે તે ‘ફીટ’ નથી ! અન-બિલીવેબલ નો ?
***
‘શતરંજ કે ખિલાડી’ ઓફ ૨૦૨૪
બિચારો ગુકેશ તો હમણાં જ આવ્યો, પણ છેલ્લાં બે વરસથી ભારતીય કુશ્તી ફેડરેશનના કર્તાહર્તા બ્રિજભુષણ સિંહ છેક જાન્યુઆરી-૨૦૨૩થી ભારતના કુશ્તીબાજો સામે જે રાજકીય શતરંજ ખેલતા રહ્યા, તે એવોર્ડને લાયક છે !
***
વર્લ્ડ ‘જુતાં’ રેકોર્ડ ઓફ ૨૦૨૪
ક્રિકેટનો વર્લ્ડકપ જીત્યા પછી મુંબઈમાં ભારતીય ટીમનું માત્ર ૧૧ કિ.મી. અંતરનું સરઘસ પુરા સાડા ત્રણ કલાકે વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યુ. એ દરમ્યાન ઉમટેલી ભીડનાં જે ચંપલ, બૂટ, જુતાં વગેરે સડક ઉપર રખડતાં રહી ગયાં હતાં…તેને ઉપાડી જવા માટે બબ્બે ટ્રકની જરૂર પડી હતી ! અન-બિલિવેબલ નો ?
***
‘ટપ્પી’ ઓફ ૨૦૨૪
વર્લ્ડ લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે છેક મેલબોર્નમાં બનાવેલી સ્ટીમરમાં મંગાવેલી, હેલિકોપ્ટર વડે ઉતારેલી ન્યુયોર્કની જે પીચ હતી એ આટલી રેઢિયાળ શી રીતે નીકળી ? હજી ટપ્પી પડતી નથી…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment