આજે થર્ટી-ફર્સ્ટ છે ! દેશની શહેરી પબ્લિકને, અને ખાસ કરીને ગુજરાતી શહેરી યંગસ્ટરોને, આજની રાત્રે દારૂ પીને ‘ધમ્માલ’ મચાવતાં ‘ટલ્લી’ થઈ જવાનું સાર્વજનિક બહાનું મળી જાય છે… પરંતુ એમને થોડા સવાલો પૂછવા છે.
***
સવાલ એ છે કે હિન્દુ નવું વર્ષ, ઇસ્લામિક નવું વર્ષ, પારસી નવું વર્ષ, જૈન નવું વર્ષ, સિંધી નવું વર્ષ કે બૌધ્ધ નવું વર્ષ ક્યારેય દારૂ પીને છાકટા થવાથી ઉજવાતું નથી તો આ ખ્રિસ્તી નવું વર્ષ શા માટે એ રીતે ઉજવો છો ? (તમે તો ખ્રિસ્તી છો જ નહીં !)
***
યંગસ્ટરોને પૂછવાનું કે ૨૦૨૪ની સાલમાં તમે એવી તે શું ધાડ મારી છે કે તમે એને દારૂ પીને, ડાન્સો કરીને, જાહેરમાં ધમાલ કરીને ઉજવવાના છો ?
- શું આ તમારું નવું ફાઇનાન્શીયલ યર છે ? કેમકે હજી તો તમે બાપકમાઈ ઉડાવી રહ્યા છો.
- શું આ તમારું નવું એજ્યુકેશન યર છે ? કેમકે એ તો જુન-જુલાઈમાં શરૂ થાય છે.
- શું આ તમારું નવું ટેલેન્ટ યર છે ? કેમ કે અહીં તો તમે બે જ ટેલેન્ટ દેખાડી રહ્યા છો, પીવાની અને ધમાલ કરવાની !
- તો પછી આ ‘સેલિબ્રેશન’ શાનું છે ? જરાય સમજ્યા વિના વિદેશી કલ્ચરને અપનાવતા રહેવાની ગુલામી મેન્ટાલિટીનું ?
***
સાચું કહેજો. જો ખ્રિસ્તીનું નવું વર્ષ બાઈબલનો પાઠ કરીને, ઇશ્વરની પૂજા કરીને તથા ગરીબોને દાન કરીને ઉજવાતું હોત તો શું તમે આ રીતે ઉજવતા હોત ? (બાય ધ વે, ખ્રિસ્તીઓ તો એ રીતે ઉજવે જ છે.)
***
અચ્છા, જે લોકો તમને પૂછે છે કે જન્માષ્ટમીની રાતે જુગાર રમવાનો શું મહિમા છે ? અથવા શિવરાત્રીમાં ભાંગ પીવાનો શું મહિમા છે ? તો તમે એમને કદી પૂછ્યું કે થર્ટી ફર્સ્ટની નાઈટે આ રીતે દારૂ પીને ધમાલ મચાવવાનો શું મહિમા છે ?!
***
બાકી, જો આમ જ થર્ટી ફર્સ્ટ ઉજવવાના હો તો કમ સે કમ તમારા મોબાઈલની બેટરી ફૂલ ચાર્જ રાખજો ! કેમકે પોલીસ સ્ટેશનના લોક-અપમાં આખી રાતનો ટાઈમ-પાસ શી રીતે કરશો?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment