બોલીવુડની હાઈલાઈટ્સ ૨૦૨૪ !

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ બહુ જ મહત્વનું કહેવાય ! કેમકે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બોલીવૂડની એક ફિલ્મ આખેઆખી જોઈ ! અને બોલીવૂડના એક આખા ખાનદાનને જાતે મળ્યા !

આ સિવાય પણ બોલીવૂડની અવળચંડી હાઈલાઈટ્સ છે અમારી પાસે…

*** 

બેડ ન્યુઝ’ ઓફ ૨૦૨૪
લગભગ ૩૫૦ કરોડના ખર્ચે બનેલી ‘બડે મિયાં છોટે મિયાં’એ લગભગ ૨૫૦ કરોડની ખોટ ખાધી, એટલું જ નહીં, પ્રોડ્યુસરે ડિરેક્ટર પર કેસ કર્યો, ડિરેક્ટરે પ્રોડ્યુસર પર કેસ કર્યો, કલાકારોએ યુનિયનમાં ફરિયાદ કરી, અક્ષય કુમારે બાકીના પૈસા ‘માફ’ કર્યા… પણ જે બિચારા પ્રેક્ષકોએ ટિકીટના પૈસા ખર્ચ્યા હતા એમને કોઈએ માફ ના કર્યા !

*** 

સરફિરા’ ઓફ ૨૦૨૪
લોરેન્સ બિશ્નોઈ ! જેલમાં બેઠેલા આ માણસની ખોપડી છટકી, એમાં તો ભલભલા જાંબાઝ સુપરસ્ટારો વીસ વીસ બોડીગાર્ડ્ઝ રાખતા થઈ ગયા !

*** 

ઘૂસપૈઠીયા’ ઓફ ૨૦૨૪
‘પુષ્પા-ટુ’, ‘કલ્કિ’, ‘દેવરા’, ‘વેટ્ટિયન’ જેવી સાઉથની ફિલ્મો હિન્દી પ્રેક્ષકોના દિલમાં ઘૂસ મારી ગઈ અને લગભગ ૧૦૦૦ કરોડ ખેંચી ગઈ !

*** 

દોસ્તાના’ ઓફ ૨૦૨૪
કરણ જોહરના ખાસ દોસ્ત આદર પૂનાવાલા (કોરાનાની રસી બનાવનાર) ધર્મ પ્રોડક્શનને ડૂબતું બચાવવા માટે દોડી આવ્યા અને ૫૦ ટકા શેર ૧૦૦૦ કરોડમાં ખરીદી લીધા ! બોલો.

*** 

ઝિરો સે રિ-સ્ટાર્ટ’ ઓફ ૨૦૨૪
નવી ફિલ્મો ધડાધડ ફ્લોપ જવા માંડી ત્યારે બોલીવૂડને પોતાની જુની ફિલ્મ યાદ આવી… દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, જબ વિ મેટ, વીરઝારા, કરન અર્જુન અને તુમ્બાડ, લૈલા મજનુ જેવી ફ્લેશ-બેક ફિલ્મો થિયેટરોમાં રિલીઝ કરાવી.

*** 

મહારાજા’ ઓફ ૨૦૨૪
સલમાન, શાહરુખ, અક્ષય, અજય જેવા સુપરસ્ટારો એક તો તોતિંગ ફી માગે છે, ઉપરથી એમના ‘સ્ટાફ’ને લાખો રૂપિયા ચુકવવા પડે છે ! આ મહારાજાઓના જી-હજુરીયાઓએ થોડો ગણગણાટ કર્યો, પણ હવે ચૂપ છે !

*** 

ચંદુ ચેમ્પિયન’ ઑફ ૨૦૨૪
‘સાબરમતી રિપોર્ટ’ નામની એક ફિલ્મને સામાન્ય પ્રેક્ષકો કરતાં ‘વીઆઈપી’ પ્રેક્ષકો વધારે મળ્યા ! બોલો, કેવું કહેવાય, નહીં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments