સમાચાર છે કે રાહુલ ગાંધી એક શાક મારકેટમાં શાક લેવાં માટે પહોંચી ગયા ! ત્યાં શુ શું થયું હશે ?...
***
ચાર પાંચ કાર્યકરો શાક મારકેટ આવીને એક શાકવાળાને કહી રહ્યા છે :
‘સાંભળો, થોડી વારમાં અહીં રાહુલ ગાંધી આવવાના છે. તમે તૈયાર રહેજો હોં !’
‘હેં ?’ શાકવાળો ગભરાઈ જાય છે. ‘તો તો અહીં ધક્કામુક્કી થશે ! ભૈશાબ મને પોલીસ કેસનું લફરું ના જોઈએ હોં !’
‘અરે ધક્કામુક્કી તો સંસદ ભવનમાં થાય ! આ તો શાક મારકેટ છે ! અહીં થોડી થાય ?’
શાકવાળો હજી ગુંચવાડામાં છે ત્યાં તો સામાટા છ સાત જણા કેમેરા લઈને આવી પહોંચે છે, શાકવાળો કહે છે :
‘આલેલે ! મારા ફોટા પડશે ? વિડીયો ઉતારશે ? બધું ટીવીમાં આવશે ? અરે, પહેલાં કહેવું હતું ને ? સરસ કપડાં પહેરીને આવ્યો હોત ! દાઢી-બાઢી કરાવી હોત…’
‘ના ના ! એવું કશું કરવાનું નથી. અહીં તો એવું દેખાવું જોઈએ કે શાકભાજીવાળા બિચારા કેટલા ગરીબ છે !’
‘અચ્છા ? એટલે રાહુલજી રોજ અહીંથી શાક મંગાવશે ? ડબલ ભાવે ?’
‘ના ભઈ ! અચ્છા સાંભળો, રાહુલજી ભાવનું પૂછે તો કિલો અને ડઝન… એવું બધું ના કહેતા. બસ, સિમ્પલ રીતે કહેવાનું કે એક કેળું ત્રણ રૂપિયાનું છે.’
‘અને ટીંડોળાનો ભાવ પૂછે તો ? એક ટીંડોળું કેટલાનું કહેવાનું ? એમાં તો કિલોનો ભાવ જ કહેવો પડે ને ? અથવા ૫૦૦ ગ્રામનો…’
‘તમે યાર, સમજતા નથી. રાહુલજી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણ્યા છે ને, એટલે એમને ગણિત જરા ઓછું ફાવે છે.’
‘એ હા હોં !’ શાકવાળો હસવા લાગે છે. ‘કેમકે અભણ તો મોદીજી જ છે ને !’
હવે કાર્યકરો ગુંચવાઈ રહ્યા છે ! એક કાર્યકર બીજાને કહે છે ‘આ શાકવાળો નહીં ચાલે… કોઈ બીજાને શોધો.’
ત્યાં તો શાકવાળો કહે છે ‘સાંભળો, રાહુલજી અહીં આવીને ટીંડોળા લેશે પછી તો ખાતરી આપશે ને કે એ ટીંડોળાની ફેકટરી લગાડશે ?’
આ સાંભળીને કેમેરાવાળા અને કાર્યકરોમાં ઘૂસપૂસ શરૂ થઈ જાય છે. એવામાં એક સ્થાનિક નેતા જેવો કાર્યકર આવીને કહે છે :
‘અરે તમે લોકો અહીં છો ? ભઈ, ત્યાં શાક મારકેટના પેલા છેડે એક એકટરને શાકવાળો બનાવીને રેડી રાખ્યો છે ! ત્યાં જવાનું હતું…’
આખું ટોળું એ તરફ ધસી જાય છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment