કેનેડા રિટર્ન જેક્સનના ભાષા-ફજેતા !

નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ 

‘દેશ ગિયા, પરદેશ ગિયા,
લાઈવા અવ્વળ વાણી,
વોટર-વોટર કરતાં જીવ ગિયા
ને ખાટલા નીચે પાણી !’

આવું જોડકણું મારા દાદા અમને સંભળાવતા. એનો ‘અર્થ-વિસ્તાર’ કરતાં એ કિસ્સો કહેતા કે આપણા ગામડાનો કોઈ દેશી ગામડીયો વિદેશ જઈને પાછો આવ્યો ત્યારે એ અંગ્રેજી બોલતો થઈ ગયો ! એ ભાઈ એકવાર જ્યારે સખત બિમાર પડ્યો ત્યારે બબડે : ‘વોટર… વોટર…’

બિચારા ગામડીયાઓને સમજ ન પડે કે આને શું જોઈએ છે ? આમ ‘વોટર… વોટર…’ કરતાં એ મરી ગયો ! બાકી જો ગુજરાતીમાં બોલ્યો હોત તો એના ખાટલા નીચે જ પાણીનો લોટો ભરેલો પડ્યો હતો !

આવી જ એક ‘અવ્વળ-વાણી’ ટાઈપની આઈટમ અમારા મોગરાવાડી ગામમાં આવેલી. એનું અસલી નામ તો જયકિશન, પણ ધોળિયાઓએ એનું નામ બગાડીને ‘જેક્સન’ કરી નાંખેલું.

આજથી ત્રણ પેઢી પહેલાં અહીંથી જે લોકો મજુરી કરવા માટે કેનેડા ગયેલા એમાંનો આ એક. અહીંની ગામડાની નિશાળમાં માંડ પાંચ ચોપડી સુધી ભણેલો પછી. ત્યાં પંદર-સત્તર વરસ લગી મજુરી જ કરેલી, એટલે ત્યાં પણ અંગ્રેજી ભાષા સાથે પનારો પાડવાનો વારો આવેલો નહીં.

પણ એ જેક્સન સત્તર વરસે થોડા પૈસા ભેગા કરીને અમારા મોગરાવાડી ગામમાં આવ્યો ત્યારે એ પોતાની જાતને ‘સુધરેલો’ અને ‘અંગ્રેજ’ માનતો થઈ ગયેલો. અહીં ઉનાળામાં લોકો પરસેવાથી કંટાળીને બનિયાન પણ કાઢી નાંખે ત્યારે એ ભરબપોરે કાળો સૂટ પહેરીને ફરે ! ઉપરથી માથે બ્રિટીશરો જેવો ટોપો પણ લટકાવી રાખે !

એક તો જેક્સનને પોતાને પાધરું અંગ્રેજી આવડે નહીં, છતાં ગામડામાં અધકચરું ઇંગ્લીશ બોલીને રૂવાબ છાંટવાની કોશિશ કરે, ‘આઈ વોન્ટ વોટર…’ ‘આઇ વોન્ટ બાથ…’ ‘આઈ વોન્ટ બાથ-વોટર…’ આમાં અમારા ગામડીયાને જ્યાં ‘વોટર’ એટલે શું એ જ ખબર ના હોય ત્યાં એને ‘બાથ-વોટર’ ક્યાંથી આપે ?

એમાં વળી એકવાર જેકસનભાઈ એમના સાસરે ગયેલા. ત્યાં જઈને એ અંગ્રેજીમાં ફાડે ‘આઈ વોન્ટ ડીનર’ ‘આઈ વોન્ટ હેન-ડીનર’… 

ભાઈને ખાવી હતી મરઘી. પણ સાસરિયા સમજે નહીં ! ઉપરથી આ ભાઈ અંગ્રેજીમાંથી હાથ ના કાઢે ! એમાં ને એમાં ભાઈ કારેલાનું શાક ખાઈને પાછા આવ્યા ! એ પછી ગામડામાં અંગ્રેજી ફાડવાનું ઓછું કરી નાંખેલું.

છતાં, પોતે ‘સુધરી’ ગયેલો છે એમ માનીને બીજાઓનું ‘ગુજરાતી’ સુધારવાની કોશિશ કરે. ‘તમે લોકો જે બોલતા છે તે બિલકુલ ખોટું બોલતા છે. આપણે ‘અ’ની જગ્યાએ ‘હ’ બોલતા છે તે ખોટું છે..’

આવું સમજાવીને તે ઉદાહરણ આપે : ‘આપણે ‘હળ’નીં કે’વાય. તેનું ખરું નામ ‘સળ’ છે ! આ જે ‘હળપતિ’ કોમ છે તેમને તો પોતાના નામની ખબર જ નીં મલે. એ લોકો ખરેખર તો ‘સળપતિ’ છે !’

‘હિંમત’ને હિંમત નીં, પણ ‘સિંમત’ કે’વાય… ‘હરિલાલ’ તો નામ જ ખોટું ! ખરું નામ તો ‘સરિલાલ’ ! જેકસને ત્યાં સુધી આખી થિયરી ચલાવેલી કે આપણા ભગવાન ‘હનુમાનજી’ નથી પણ ‘સનુમાનજી’ છે ! અને સીતાનું ‘હરણ’નીં, પણ ‘સરણ’ થયેલું !

પોતાની આ ‘સુધરેલી’ ભાષાની સાબિતી આપવા માટે એ વારંવાર કીધા કરે : ‘તમે વારંવાર હુરટ…. હુરટ… બોઈલા કરે પણ ખરેખર તો તેનું નામ સુરત જ છે કે નીં ! બસ, એ જ રીતે…’

આ ‘હ’ની જગ્યાએ ‘સ’ બોલવામાં એકવાર વધારે પડતું સુધરેલું વ્યાકરણ ઘુસાડવા જતા બહુ ઊંચી ઘટના બની ગયેલી.

આપણા જેકસનભાઈ એના સાળાને ઘરે મહેમાન બનીને ગયેલા. અહીં થયું એવું કે બપોરે સરસ મજાનાં રસ-પુરી અને પાતરાં (પત્તરવેલિયાં) ખાધા પછી જેકસનને ચડી ઊંઘ !
એ ‘સુધ્ધ’ ગુજરાતીમાં કહેવા લાગ્યો ‘મારે સુંઘવુ છે !’

જેકસનનો સાળો વિચારમાં પડ્યો કે ‘બનેવીલાલ હું હુંઘવા માગે ?’ એણે પૂછ્યું ‘હું જોઈએ ?’

જેકસનલાલ ફરી ‘સુધ્ધ’ ગુજરાતીમાં બોલ્યા. ‘જોઈએ કંઈ નીં, મારે તો સુંઘવું છે !’

સાળો છીંકણીની ડબ્બી લઈ આવ્યો ! જેકસન કહે ‘આ નીં, મારે તો જાતે જ સુંઘવું છે !’

સાળો કહે ‘બનેવીલાલ, જાતે જ હુંગજો, પણ હું હુંઘવાના તે તો બોલો ? ગુલાબનું ફૂલ હુંઘવાના ? કે ચમેલીનું અત્તર હુંઘવાના ? અને દારૂ ખાલી હુંઘવાના હું લેવા ? પીતાં પીતાં હુંઘિયા કરોંની?’

અમારા સુધરી ગયેલા જેકસનભાઈ કહે ‘સાળાલાલ, તમે સમજિયા નીં, મને સુંઘ આવે છે !’

સાળાલાલ સમજ્યા કે બનેવીલાલને કંઈ ‘સુંઘ આવવાનીં બિમારી લાગે છે ! એટલે કહેવા લાગ્યા ‘ઓહો, સુંઘ આવતી છે ? ડોક્ટરને બોલાવું ?’

‘અરે, સુંઘ એટલે…’ જેકસનભાઈએ વધુ ગુંચવાડો પેદા કર્યો ‘મારે ખાટલામાં સુંઘવું છે !’

હવે તો આખું ઘર વિચારમાં પડ્યું કે મહેમાનને વળી આપણા ઘરના ખાટલામાં એવું તે શું સુંઘવાનું મન થયું હશે ?

જેકસનલાલનો હાથ પકડીને ગોદડું પાથરેલા પલંગ પાસે લઈ જઈને સાળો બોલ્યો : ‘લેવો આ ખાટલો ! અ’વે તમે આમાં હું હુંઘવાના ?’

છેવટે જેકસનકુમારે સુધરેલા ગુજરાતીમાં આડા પડીને ‘સુઘવા’ માંડ્યું અને એમનાં નસકોરાં બોલતાં થયાં… તે વખતે બધાને જ્ઞાન થયું કે બનેવીલાલને તો ‘ઊંઘવું’ હતું !

આ રીતે ‘હેડકી’ને બદલે ‘સેડકી’ ‘હાડ-વૈદ્ય’ને બદલે ‘સાડ-વૈદ્ય’ અને ‘હમણાં’ને બદલે ‘સમણાં’ બોલીને હસવાનું ‘સસવું’ કરી નાંખનારા જેકસનભાઈ પેલી નવસારીવાળી લકઝરી બસમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસે ગયેલા. ત્યાં વળી અલગ જ લેવલના કિસ્સા થયા…

એ તો સારું થયું કે અમારા એંધલ ગામવાળો નંદુકાકો એ વખતે એમની સાથે નહોતો. નહિતર નંદુકાકા એમના ઉત્તર ભારતના પ્રવાસની ડંફાશ મારતા બોલ્યા હોત કે ‘હહરીના જેકસનિયા. તેં હલ્દીઘાટીનું મેદાન જોયેલું કે ? હહરીના આખા મેદાનમાં હળદર જેવી પીરી પીરી માટી ! હારા… હલ્દીઘાટી નીં જોયું, તો હું જોયું ?’ 

ત્યારે જેકસને જરૂર સુધારો કર્યો હોત કે ‘નંદુકાકા, હલ્દીઘાટી નીં કે’વાય. હાચું નામ તો ‘સલદીઘાટી’ છે ! અને પીળી પીળી આવે તે તો ‘સળદર’ !’

એ જેકસન જે ટ્રાવેલ કંપનીની બસમાં ગયેલો તેનું નામ હતું ‘લવલી ટ્રાવેલ્સ’. આમ તો દક્ષિણ ભારતમાં જેકસનનો વટ પડવા લાગેલો. કેમકે તે હંમેશાં અંગ્રેજીમાં જ બોલે : ‘વન કપ ટી…’ ‘વન પ્લેટ ઇડલી’… ‘આઈ વોન્ટ બિલ…’ ‘આઈ વોન્ટ ચેન્જ’… ‘યોર કોકોનટ વોટર વેરી ગુડ…’ ‘યોર ટેમ્પલ વેરી નાઈસ…’

આમાં ક્યારેક સામો જવાબ પણ અંગ્રેજીમાં મળે એટલે જેકસન ફોર્મમાં આવી ગયેલો. બધા આગળ રૂઆબ છાંટે, ‘જોયું ? ઇંગ્લીશ ઇઝ ઇન્ટરનેશનલ લેંગ્વેજ !’

જોકે જેકસનનું આ શોર્ટ-કટ ઇંગ્લીશ એકવાર એને બરોબરનું ભારે પડ્યું ! આ ઘટના બની સાઉથના વૃન્દાવન ગાર્ડન્સમાં.

તમને કદાચ ખબર હોય તો અહીં સાંજે ચારેક વાગે ટુરિસ્ટોનો એટલો બધા ધસારો થાય છે કે સામટી ત્રીસ ચાલીસ લકઝરી બસો એકઠી થઈ જાય છે. આવે વખતે પ્રવાસીઓ ભૂલથી બીજી બસમાં ન ચડી જાય એટલા માટે તયાં પાર્કિંગના હિસાબે બસને નંબર આપવામાં આવે છે. આપણે એ નંબર યાદ રાખવાનો.

હવે થયું એવું કે ‘લવલી ટ્રાવેલ્સ’ની બસનો નંબર હતો એકતાળીસ. જેકસને યાદરાખ્યું : ‘ફોટ્ટી વન.’ બરોબર ? પછી એ તો પોતાની રીતે ગાઈડ લોકોથી છૂટો પડીને ૬૦ એકરમાં પથરાયેલા વિશાળ વૃંદાવન ગાર્ડનમાં ટહેલવા નીકળી પડ્યો.

સાંજના સમયે લાઈટિંગ સાથે પાણીના ફૂવારાનો ડાન્સ-શો થાય… એ સિવાય પણ ચારેબાજુ જોરદાર લાઇટિંગ હોય… આ આખો શો પતતાં પતતાં અંધારું થઈ જાય !

હવે આવા અંધારામાં જેકસનલાલ ભૂલા પડ્યા ! પેલી બાજુ લકઝરી બસો ભરાતી જાય તેમ તેમ ઉપડતી જાય ! આ બાજુ જેકસન હાંફળો ફાંફળો થઈને પોતાની બસ શોધે. પણ જડે જ નહીં ! આખરે તેણે આવતાં જતાં સૌને પૂછવા માંડ્યું ‘ફોટ્ટીવન ? ફોટ્ટીવન ? લવલી ? લવલી ?'

બિચારા જેકસનને ક્યાંથી ખબર હોય કે તમિલ ભાષામાં ‘પોટ્ટીવાન’નો અર્થ ‘દલાલ’ એવો થતો હશે ? એમાંય પાછો જેકસન વારંવાર ‘લવલી… લવલી…’ બોલ્યા કરે !

આ સાંભળીને એક જણે કહ્યું ‘પોટ્ટીવાન ? લવલી ? કમ… કમ…’ એણે જેકસનને એક જીપમાં બેસાડી દીધો ! 

જેકસનને એમ કે આ ભાઈ મને મારી ‘લવલી ટ્રાવેલ્સ’ પાસે પહોંચાડી રહ્યો છે ! ઉપરથી જેકસન પૂછતો જાય ‘લવલી ? યુ નો લવલી ? આઈ વોન્ટ લવલી !’

પેલો દલાલ કહે ‘યસ યસ, વેરી લવલી !’ એ જીપ શહેરમાં જઈને ઊભી રહી એક ખોલી પાસે ! જેકસનને જીપમાંથી ઉતારીને લઈ ગયા અંદર ! 

પછી એને સુંદર કનયાઓ બતાડીને પૂછે છે : ‘લવલીનો ? ફાઈવ હંડ્રેડ રૂપિસ ! વન ઓવર ઓન્લી !’

જેકસનને છેક હવે સમજાયું કે બહુ મોટો લોચો વાગી ગયો છે ! એણે ગુજરાતીમાં દલીલો કરી, અંગ્રેજીમાં ખુલાસાઓ આપી જોયા, પણ પેલા લોકો એમ માને ? છેક વૃન્દાવન ગાર્ડનથી ગ્રાહકને જીપમાં બેસાડીને લાવ્યા તેને મફતમાં જવા દેવાય?

આખરે જેકસનને બહુ માર પડ્યો ! એનું પાકિટ પણ છીનવાઈ ગયું ! છતાં નસીબ જેકસનનાં કે એ વારંવાર ‘આઈ એમ ફ્રોમ ગુજરાત… ફ્રોમ ગુજરાત..’ એવું બોલતો રહેલો એટલે કોઈએ એને ‘ગુજરાત ભવન’ પહોંચાડેલો, જ્યાં ‘લવલી ટ્રાવેલ્સ’નો ઉતારો હતો…

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments