બે સ્ટુપિડ ગાયન-કથાઓ !

મનિયાએ નવો સ્માર્ટ ફોન લીધો. પણ એમાં નવું સિમ-કાર્ડ નંખાવ્યા પછી મનિયાનું આખું વર્તન જ વિચિત્ર થઈ ગયું !

મનિયો જ્યારે જુઓ ત્યારે ફોનને હાથ વડે એકદમ ઊંચો રાખીને જ વાપરતો હતો ! 

એ ઘરમાં બેઠો હોય, પાનના ગલ્લે ઊભો હોય, બસમાં જતો હોય કે ઈવન રસ્તે ચાલતો ચાલતો ફોન વડે કોઈની સાથે વાત કરતો હોય તો પણ ફોન એણે હાથ વડે એકદમ ઊંચો જ રાખ્યો હોય !

એટલું જ નહીં, એ હંમેશાં વિડીયો કોલ જ કરે ! ક્યારેય સીધો સાદો કોલ તો કરવાનો જ નહીં ! એ તો ઠીક સામેથી કોઈ સાદો કોલ કરે તો પણ મનિયો કટ કરી નાંખે અને પછી સામો વિડીયો કોલ કરે !

એ પણ હાથ તો ઊંચો જ રાખીને !

કોઈએ પૂછ્યું ‘અલ્યા મનિયા. તું કેમ આવું કરે છે ?’

મનિયો કહે ‘મારું સિમ-કાર્ડ જિયોનું છેને, એટલે… ‘ના મુંહ છૂપા કે જિયો, ઔર ના સર ઝૂકા કે જિયો !’

*** 

એક પ્રાથમિક શાળામાંથી બધાને પિકનિક પર લઈ ગયા.
પરંતુ રસ્તામાં જ અમુક ગુન્ડાઓએ આખી બસનું અપહરણ કરી નાંખ્યું !

છોકરાંઓ ગુન્ડા આગળ કાગારોળ કરવા માંડ્યા કે ‘પ્લીઝ… પ્લીઝ… અમને છોડી મુકો ને ?’

તો ગુન્ડાએ કહ્યું ‘એક શરત ઉપર ! જો તમારા સર મારા પગ આગળ ઝૂકીને માફી માગે તો જ… નહીંતર હું તમારા સરનું માથું કાપી નાંખીશ !’

છોકરાંઓએ અંદરોઅંદર ડિક્સક કરીને પછી ગુન્ડાને કહ્યું ‘તમે સરનું માથું કાપી નાંખો !’

સર ચોંકી ગયા ! ‘અલ્યા, આવું કેમ બોલો છો ?’

જવાબમાં છોકરાંઓ કહે છે ‘સર, તમે જ અમને શીખવાડ્યું છે કે… અપની આઝાદી કો હમ હરગિઝ મિટા સકતે નહીં, ‘સર’ કટા સકતે હૈં લેકિન ‘સર’ ઝૂકા સકતે નહીં !’

***

(આ કથાઓનો બોધ એટલો જ કે ફિલ્મી ગાયનોને બહુ સિરીયસલી લેવાં નહીં. કેમકે એક ગાયનમાં કહે છે કે ‘ઠંડે ઠંડે પાની સે નહાના ચાહિયે, ગાના આયે યા ના આયે, ગાના ચાહિયે…’ બોલો.)

***

- મન્નુ શેખચલ્લી

Comments