એનઆરઆઈઓ ભલે પધાર્યા !

ડિસેમ્બર એટલે એનઆરઆઈની સિઝન ! વિદેશમાં વસતા આપણાં મિત્રો, સગા વ્હાલાં વગેરે યાયાવર પક્ષીઓની જેમ આ મહિનામાં જ ભારતમાં આવતા હોય છે. જોકે એમનાં ખાસ લક્ષણો છે…

*** 

એક તો સતત કહેતા હોય કે ‘અમને તો ડિસેમ્બર સિવાય રજાઓ જ ના મળે ને…’

બીજી બાજુ ફરિયાદ કરતા હોય કે, ‘સાલું, ડિસેમ્બરમાં વિમાનની ટિકીટો બહુ મોંઘી થઈ જાય છે હોં ?’

- તો ભૈશાબ, ઉનાળામાં આવો ને ? એ વખતે અમને ય રજાઓ હોય અને તમને ય સસ્તું પડે !

*** 

અચ્છા, એક બાજુ આપણા ઘરનું પાણી યે નહીં પીએ ! (સાથે મિનરલ વોટરની બોટલો લઈને આવશે.) કેમ ? તો કહે, માંદા પડી જવાય !

ચાલો સમજ્યા, પણ પછી અહીં લગ્નમાં રિસેપ્શનમાં કે માણેકચોકમાં જઈને ભેળપુરી, ચાટ-પુરી, રસ-પુરી, ઉંધીયું… બધું ધનાધન ઝાપટી જશે !

*** 

પોલિટીક્સની વાત નીકળશે તો આપણા મોદી, શાહ, મમતા, રાહુલ, અખિલેશ, નિતીશ, ચંદ્રાબાબુ, ફડનવીસ, પવાર… અરે કંગના રાણાવત સુધીના ડઝનબંધ લોકોની ડિટેલમાં પંચાત કરશે…

પણ અમેરિકાના પોલિટીક્સની વાત પૂછો તો ટ્રમ્પ, બાઈડન અને કમલા સિવાય બીજાં ચાર નામો પણ ખબર નહીં હોય !

*** 

વિદેશમાં આફૂસ કેરી, દેશી મરીમસાલા, સરગવાની શીંગ જેવા શાકભાજી, ઇન્ડિયન રેસ્ટોરન્ટનું ભોજન, અરે, ઇવન સુખડ-ચંદનની અગરબત્તી, કાંજીવરમ સાડીઓ, ચણિયા ચોળી વગેરે કેટલું મોંઘું મળે એના ભાવ ડોલરમાં (અને ગુણાકાર કરીને રૂપિયામાં) કેટલા ઊંચા છે એ જરૂર કહેશે…

પણ ત્યાં ‘સસ્તું’ શું મળે છે, એ ક્યારેય નહીં કહે !

*** 

એમને ભારત માટે, ભારતીય સંસ્કૃતિ માટે, ભારતના પ્રોગ્રેસ માટે ખૂબ જ ગૌરવ છે. પણ…

તમે એક ટ્રાય કરી જોજો, એમને કહેજો કે ‘વિરાટ કોહલી હવે એના આખા ફેમિલી સાથે ભારત છોડીને લંડનમાં સેટલ થઈ જવાનો છે !’

- આ વખતે એમનાં રિ-એકશન શું આવે છે એ જોજો !

***

- મન્નુ શેખચલ્લી

Comments