જે રીતે ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષની નાની ઉંમરના બાળકો માટે મોબાઈલ (કે લેપટોપ)માં સોશિયલ મિડીયા ઉપર પ્રતિબંધ લગાડી દીધો…
… એવું જો ભારતમાં થાય તો ? કલ્પના જ ધ્રુજાવનારી છે…
***
સૌથી પહેલાં તો આખેઆખી પેઢીઓનાં બાળકો કૂપોષણથી પીડાતાં હશે ! કેમકે મમ્મીઓ યુ-ટ્યુબમાંથી કાર્ટૂન અને ગાયનના વિડીયો બતાડ્યા વિના બાળકોને ‘ખવડાવશે’ શી રીતે ? (મિશન ઇમ્પોસિબલ.)
***
નાનાં બાળકોને મામૂલી રમકડાં તો ફાવશે જ નહીં ? ઘેર ઘેર બાળકો રડારોડ મચાવીને રમકડાંને બદલે મોબાઈલની જીદ કરતાં હશે ! (ઘર ઘર કી કહાની)
***
એ તો ઠીક, મોબાઈલ નહીં મળે તો ઘરમાં તોડફોડ કરી મુકશે… શેની ? અરે રમકડાંની !! (ટોય સ્ટોરી-સિક્સ)
***
અને તોડફોડ કરી રહેલાં બાળકોને શાંત પાડવા માટે એમને આપશો શું ? મોબાઈલ તો આપી જ નહીં શકાય ! (બંધે હાથ)
***
આમાં ને આમાં ચાઈલ્ડ સાઈકોલોજીસ્ટોને તો કમાણી જ કમાણી થઈ જશે ! કેમકે બાળકોને લાગશે કે મા-બાપ ‘ભેદભાવ’ કરી રહ્યા છે… ‘કૃરતા’ આચરી રહ્યા છે… ‘છેતરપિંડી’ કરી રહ્યા છે…
કેમકે મા-બાપો પોતે તો સોશિયલ મિડીયામાં ત્રણ ત્રણ કલાક સુધી ઘૂસેલાં રહે છે ! (હેટ સ્ટોરી-સેવન)
***
૯, ૧૦ અને ૧૧ ધોરણનાં સ્ટુડન્ટો તો હડતાલ પાડીને રસ્તા ઉપર ઉતરી આવશે… (સબ કુછ જલાકર રાખ કર દૂંગા)
***
એવા એવા કિસ્સાઓ છાશવારે સાંભળવા મળશે કે મા-બાપનાં સ્માર્ટ ફોન ચોરીને છોકરો/છોકરી ઘરથી ભાગી ગયાં ! (મૈં આઝાદ હું)
***
છેવટે મોબાઈલ બનાવનારી કંપનીઓ સોશિયલ મિડીયા વિનાના ફોનો બજારમાં મુકશે….
પણ હલો, એનાથી પ્રોબ્લેમો ઓર વધશે ! કેમકે સ્કુલોવાળા કહેશે કે અમુક જ બ્રાન્ડનો ફોન, અમુક જ દુકાનેથી ખરીદવો પડશે ! (શરીફ બદમાશ)
***
એવા ‘એજ્યુકેશનલ ફોન’ની કિંમત ‘એડલ્ટ ફોન’ કરતાં બમણી હશે ! કેમ, અત્યારે પણ કેજીની ફી કોલેજની ફી કરતાં બમણી છે જ ને ! (લૂટેરે, કમીને, હરામખોર..)
***
અને ૧૭ વર્ષની ઉંમરે જ્યારે એ ફોન તમે વેચવા જશો તો ૫૦૦ રૂપિયા પણ નહીં આવે ! કેમકે એમાં ‘લેટેસ્ટ સિલેબસ’વાળા ફોન આવી ગયા હશે ! (સ્કેમ ૨૦૨૫)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment