નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
અમારા એંઘલ ગામના નંદુકાકા એટલે પગમાં ભમરો !
એક તો એક જમાનામાં પોતે ગામના પોલીસ-પટેલ (મુખી) રહી ચૂકેલા એટલે આખા પંથકમાં એમનો વટ, ઉપરથી એમના ત્રણ ભાઈઓ ભેગા મળીને ઘણું કમાયેલા એટલે એમના ભાગે માત્ર ‘ફાંકા ફોજદારી’ જ આવેલી !
એ જમાનામાં સંયુક્ત કુટુંબોમાં આવું ઠેકઠેકાણે જોવા મળતું કે કમાવા માટે દોડ્યા કરનારા અલગ હોય અને કુટુંબનો વટ અને વહેવાર જાળવી રાખનારા અલગ હોય. અમારા નંદુકાકાના ભોગે આ ‘વટ એન્ડ વહેવાર’ ડિપાર્ટમેન્ટ આવેલું. એમાં વળી ઉમેરાઈ ફાંકા ફોજદારી, એટલે તો વાત જ શું પૂછવી !
કોઈની ખબર કાઢવાની છે, કોઈના લગનનું લાકડે માંકડું બેસાડવાનું છે, કોઈ પોલીસ-કેસમાં ફસાયો હોય એને છોડાવવાનો છે અને કોઈ માથા ફરેલને સીધો કરવાનો છે… આ તમામ ‘ધરમાદા’નાં કામ ગણીને નંદુકાકો બધે ફરી વળતો.
આ ઉપરાંત એમને રખડપટ્ટીનો ભારે શોખ. એ સમયે લકઝરી બસોમાં ‘જાત્રાઓ’ ઉપડતી. નંદુકાકો એમાં બેસીને બે વાર કાશી-મથુરા, બે વાર બદરી-કેદાર, ત્રણ વાર ત્રંબકેશ્વર, ત્રણ વાર છેક કન્યાકુમારી-રામેશ્વર સુધીનો થપ્પો કરી આવેલા. (આમાં ‘ગોવા’ને પણ તે ‘જાત્રા’માં ગણાવતા ! ત્યાંનો ફેની નામનો કાજુનો દારૂ પણ એમની દાઢે વળગેલો.)
પરંતુ બાંસઠ વરસની ઉંમરે એમના પગનો ભમરો હતો તેની પાંખો ઢીલી પડી ગઈ. કેમકે નંદુકાકાને પગમાં લકવાની અસર નીકળી !
એમાંને એમાં જે ચાર વરસ ઘરમાં ખાટલે બંધાઈ રહેવું પડ્યું એનાથી નંદુકાકો અકળાઈ રહેલો. પણ ડોક્ટરોની દવા, આયુર્વેદિક ઉપચારો અને નોકરોની માલિશને લીધે નંદુકાકા પાછા બેઠા થઈ ગયા ! હવે એ ઝીલ્યા ના ઝલાય…
એમનું મન થાય કે એક નવી જાત્રાના બહાને પગના ભમરાને રખડતો મુકું, પણ દીકરાઓ માને નહીં. ‘બાપા, તું આવા ટાંટિયા લેઈને જાત્રા કરવા નીકઈળો, ને કેથે ગબડી-બબડી પઈડો તો તને હાચવહે કોણ ?’
‘હાચવહે કોણ એટલે ? તમે મારા આવડા મોટા પોયરા કે’દાડે કામમાં આવવાના ? મેં અ’વે કેટલા દા’ડા જીવવાનો ? મારે ઘૈડે ઘડપણ મને જાત્રા હો નીં કરાવવાના ? મરી ગ્યા રે…’
નંદુકાકો ઓટલે બેસીને બળાપા કાઢે પણ મોટા થઈ ગયેલા દીકરાઓ એક તો નોકરી-ધંધે લાગી ગયેલા. આ સિવાય બીજી જફા એ કે નંદુકાકો હવે બધું બેઠેબેઠે માગે !
સવારે પાણીનો લોટો અને દાતણ હાથમાં જોઈએ, પછી મસાલાવાળી ચા સાથે પારસીની દુકાનનાં કકરાં ખારી-બિસ્કીટ જોઈએ, જમવામાં રોટલા ગરમ અને દાળ ઉકળતી જોઈએ. રાત્રે પથારીમાં ચાદર, શાલ અને ગોદડી એમ ત્રણે ચીજો બારેમાસ જોઈએ ! ઉપરથી દહાડાની ત્રણ ટાઈમ દવા લેવાનું તો વહુઓએ જ યાદ રાખવાનું !
હવે તમે જ કહો, નંદુકાકાને જાતરા કરાવવા લઈને જાય કોણ ? પણ નંદુકાકાએ અઢાર પંથકના પાણી પીધેલાં. એ કંઈ એમ હારીને બેસી જાય ?
સૌથી પહેલાં તો એમણે ફળિયાના એક નવરા જુવાનિયાને સાધ્યો. એ છોકરાના બાપ આગળ જીદ કરીને નંદુકાકાએ જ એને મોટરસાઈકલ અપાવેલી. નંદુકાકો દર ત્રીજે દહાડે પેલો જુવાનિયાને કહે :
‘એઈ પકિયા, ચાલ તો આજે ફલાણે ગામ જવાના… બપોરે જહું, ને હાંજે પાછા. તને જોવે તો ચીખલીથી મામણાં (મટન ખીમાના સીક-કબાબ… ચીખલીની પ્રખ્યાત આઈટમ) હો લેતો આવજે !’
ક્યારેક મામણાં, ક્યારેક બાટલી તો ક્યારેક રૂપિયાની લાલચ આપીને નંદુકાકાએ આ એની-ટાઈમ ‘સારથિ’ તૈયાર કરીને રાખેલો. પણ એમની મેઈન તરકીબ શુ હતી ?
જ્યાં ઓળખીતે પાળખીતે જાય ત્યાં ભારતની ‘અજાયબી’ની વાતો બઢાવી ચઢાવીને કહે : ‘તમે ઈલોરાની ગુફાનું કૈલાસ મંદિર જોયેલું કે ? આહાહા… આખ્ખું ને આખ્ખું મંદિર કારા (કાળા) પથ્થરના પહાડમાંથી ઉપરથી કોતરતા-કોતરતા આવેલા ! હહરીના થાંભલાની જગ્યાએ થાંભલો, ને કમાનની ઠેકાણે કમાન કોતરેલી ! હારા… એ નીં જોયું તો હું જોયું ?’
એ જ રીતે કન્યાકુમારીની વાત કરતાં કહે ‘દરિયો દરિયો હું કરિયા કરે તમે ? તાં કનિયાકુમારીમાં તોંણ તોંણ (ત્રણ-ત્રણ) દરિયા એકી હામટા જોવા મલે ! અને તમે જુવે તો અક્કલ કાંમ નં કરે… તંઢે (ત્રણે) દરિયાનાં પાણીનો કલર અલ્લગ ! એક બાજુ બંગાળનો દરિયો, તેનું પાણી ભૂખરું, બીજી બાજુ અરબનો દરિયો. તેનું પાણી લીલું. ને વચમાં જોય તો હિન્દ મહાસાગર… તેનું પાણી ભૂરું કાચ જેવું ! પણ જોવાની વાત હું, ખબર કે ? તંઢે (ત્રણે) પાણી એકબીજામાં ભેગવાઈ ની જાય ! (ભળી ના જાય) જાણે ભગવાને વચમાં બે લીટી દોરી આપેલી ! આફાનું પાણી આફા… ને તીફાનું પાણી તીફા !... હારા… તમે લોકોએ કનિયાકુમારી નીં જોયું તો હું જોયું ?’
નંદુકાકા દરેક સ્થળનાં વર્ણન એવાં જબરદસ્ત ‘ડ્રામેટિક્સ’ સાથે કરે કે સામેવાળો અંજાયા વિના રહે જ નહીં ! દાખલા તરીકે ‘મીનાક્ષી મંદિર એટલે હું ? આપડાં હત્તાવી ગામડાં ભેગાં કરે એટલું તો આ એક જ મંદિરના ચોગાનમાં જ હમાઈ ગિયું !’
‘તિરુપતિ મંદિરમાં હોનું (સોનું) કેટલું ચડે તે જોયેલું કે ? હાંજ પડે પચ્ચા પચ્ચા કિલો હોનું ચડે ! બે રૂપિયા ને પાંચ રૂપિયાના સિક્કા તો મોટા ચાયણાએ કરીને (ચાળણા વડે) છૂટા પાડે ! પાંચ-દહ પૈહાના સિક્કા તો ગણે હો નીં ! વજન કરી કરીને કોથળામાં જ ભરિયા કરે… હારા… તમે તિરુપતિનું મંદિર નીં જોયું તો હું જોયું ?’
આવી અજબ-ગજબની વાતો કરીને છેલ્લે નંદુકાકા મમરો મુકે : ‘નવસારીનો એક લકઝરીવારો મારો ઓળખીતો છે. તે આખા દક્ષિણ ભારતની જાત્રા કરાવતો છે, મેં તો તેમાં જવાનો, તમે હો આવવાના કે ? બસમાં ગુજરાતી રસોડું હો હાથે જ લેઈને ચાલે જો…’
આ ટ્રીક વડે નંદુકાકાએ નવસારીની એક ટ્રાવેલ એજન્સી માટે અન-ઓફિશીયલી એડવાન્સ બુકીંગ કરવા માંડ્યું ! જ્યારે લાગ્યું કે હવે વીસ જેટલી સીટો તો ‘કન્ફર્મ’ છે ત્યારે ‘જાત્રા’ની તારીખ પણ લઈ લીધી.
હવે નંદુકાકાના ઘરમાં ખબર પડી ત્યારે જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય એવું વાતાવરણ થઈ ગયું ! ‘બાપા, તું આટલે આઘે જવાનો તો તને હાચવહે કોણ ?’
જવાબમાં નંદુકાકો ક્લિયર હતો : ‘મને હાચવવાવારા પુરા પંદર છે !’
હવે તમે એ જાત્રાનો સીન જુઓ… એ વખતે સૌ પોતપોતાના બિસ્તરા લઈને જતા. કેમકે રાતવાસો મોટેભાગે ધર્મશાળા કે ગુજરાત ભવન જેવા સ્થળોએ હોય. જેવી બસ ઊભી રહે કે તરત નંદુકાકો તો એક હાથમાં લાકડી લઈને બીજે હાથે વચલી આંગળી વડે માથું ખંજવાળતો ઊભો રહે !
એમનો બિસ્તરો કોણ ઉતારે ? પેલા પંદરમાંથી એક ! પછી એમની પથારી કોણ કરી આપે ? પેલા પંદરમાંથી એક ! અરે, સવારે જાજરુ જવાનું હોય કે બાથરૂમમાં નહાવાનું હોય ત્યાં નંદુકાકાને લાઈનમાં ઊભા જ ન રહેવું પડે ! એમના માટે ‘વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી’ હોય…
એટલું જ નહીં, નંદુકાકાએ લકઝરી બસમાંથી અમુકને લાડથી ‘વહુઓ’ બનાવી રાખેલી ! જેમાંથી કોઈ સવારે લોટો અને દાતણ આપી જાય તો કોઈ ગરમાગરમ રોટલી અને દાળ સાથેનું ભાણું હાથમાં પકડાવી જાય ! જોવાની વાત એ પણ ખરી કે પેલા વીસ જાત્રાળુઓમાંથી કોઈને નંદુકાકાની આ ઊંડી ‘મોડસ ઓપરેન્ડી’ની ગંધ સુધ્ધાં નહોતી આવતી.
એ તો ઠીક, પણ જ્યાં જ્યાં જોવાલાયક સ્થળે જાત્રાળુઓ બસમાંથી ઉતરતા હોય ત્યારે નંદુકાકો કહે ‘આ તો મેં જોયેલું છે. તમે જોઈ આવો. તાં લગી મેં જરીક પગ છૂટો કરતો છું…’
આમ પગ છૂટો કરવા ગયેલો નંદુકાકો શી ખબર કેવાં નવાં ‘એક્સ્પિડીશને’ ઉપડી જતો કે બધા પ્રવાસી પાછા આવીને બસમાં ગોઠવાઈ ગયા હોય છતાં નંદુકાકાનો પત્તો જ ના હોય ! છેવટે દર વખતે પા-અડધો કલાક રાહ જોવડાવ્યા પછી એ ક્યાંકથી પ્રગટ થાય !
ચાલો, એ તો સમજ્યા, પણ બસમાં બેઠા પછી ‘આ નીં જોયું તો દુનિયામાં તમે હું જોયું ?' વાળી જે સૌની ફિલીંગ હોય તેના છોતરાં ઉડાડવાનુ ચાલુ કરે. જેમકે...
‘ઠીક અવે. આ કૈલાસ મંદિરના પથરા જોઈ આઈવા તેમા હું જોયું ? મેં આવેલો તિયારે આ મંદિર જેણે પહાડમાંથી છેક ઉપરથી કોતરીને બનાવેલું, તેની બારમી પેઢીનો કારીગર મને મલેલો ! તેણે મને તેના પરદાદાના પરદાદાએ આ મંદિર કોતરવા હારુ જે નક્સો બનાવેલો, તે મને બતલાવેલો ! … બાકી તમે હું જોયું ?’
તિરુપતિ મંદિર માટે કહે ‘મેં આવેલો તિયારે અંઈ પેલો ફિલમવારો જીતેન્દ્ર મારી હાથે જ મુંડન કરાવવા બેહેલો ! … બાકી તમે હું જોયું ?’
મીનાક્ષી મંદિર માટે કહે ‘મને અંઈના મેઈન પૂજારીએ ખાસ અંદર બોલાવીને મારી ચોટલી ધરીને (પકડીને) ભવિષ્ય ભાખેલું કે નંદુભાઈ, તુમ આવતે જનમ મેં બડા મહાત્મા બનકે જનમ લેવાના હે ! … બાકી મંદિરમાં કંઈ ખાસ જોવા જેવું નીં મલે !’
રામેશ્વર જવા માટે પેલી ટ્રેન દરિયાની વચ્ચેના બ્રિજ પરથી પસાર થતી હોય ત્યારે નંદુકાકો ‘પુરક માહિતી’ આપે : ‘આ પુલ તો અમણાં બઈનો, બાકી મેં આવેલો તિયાર તો લાકડાના વહાણમાં બેહીને જવા પડતું ઉતું ! ઠીક મારા ભાઈ, આ ટ્રેનમાં વહાણ જેવી મઝા કાંથી મલવાની ?’
નંદુકાકો આ રીતે બોલીને પોતાને ઓલમોસ્ટ વાસ્કો ડી ગામા જેવા મહાન પ્રવાસી સાબિત કરીને બાકીના સૌની કિંમત કોડીની કરી નાખે ! કેમકે પાછા આવ્યા પછી 'વટ' તો નંદુકાકાનો જ પડવો જોઇએ ને ?
આ રીતે નંદુકાકાએ લકવામાંથી બેઠા થયા પછી ઘણી જાત્રાઓ કરેલી પણ કન્યાકુમારીની એક ઘટના અમારા એંધલ ગામના લોકો હજી યાદ કરે છે.
બનેલું એવું કે કન્યાકુમારી પહોંચ્યા પછી નંદુકાકા તો રાબેતા મુજબ ક્યાંક ગાયબ થઈ ગયેલા. પરંતુ ખાસ્સો એક કલાક વીતી જવા છતાં એ પ્રગટ થયા નહીં એટલે શોધખોળ ચાલી.
છેવટે નંદુકાકા ક્યાંથી મળ્યા, ખબર છે ? કન્યાકુમારીના પેલા વિવેકાનંદ સ્મારકમાં જે ગોળ ઘુમ્મટવાળો ‘ધ્યાનકક્ષ’ બન્યો છે ને, ત્યાંથી ! એ પણ લગભગ બેભાન અવસ્થામાં !
એમનાં ડોળા અધ્ધર ચડી ગયેલા અને હોઠ ફફડ્યા કરતા હતા કે ‘મને ધરતી પર જવા દેવો… મે એંધલ ગામમાં પાછો જવાનો…’
સાલું, આ વળી શું ? છેવટે જ્યારે નંદુકાકા શાંત પડ્યા અને હોશમાં આવ્યા ત્યારે એમણે વટથી કીધેલું :
‘મેં તો ધ્યાનમાં જ બેહેલો પણ મારો આત્મા સ્વર્ગમાં પહોંચી ગયેલો…! મેં યમરાજાને હો મલીને આઈવો ! … બાકી તમે આ કનિયાકુમારીમાં હું જોયું ?’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Super duper se upar
ReplyDelete