ઘણીવાર સમાચારો બહુ ‘હેવી’ હોય છે પરંતુ તેને ‘ડાયજેસ્ટ’ કરવા માટે ઉપર ‘મમરો’ મુકવાની જરૂર હોય છે ! જેમ કે…
***
સમાચાર :
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોણ બનશે એ નક્કી કરવામાં ૧૧ દિવસ થયા.
મમરો :
એનું કારણ એ હોઈ શકે કે તેના માટે બેલેટ પેપરથી મતદાન થયું હશે, એટલે ગણવામાં આટલી વાર લાગી !
***
સમાચાર :
દ. કોરિયામાં પ્રેસિડેન્ટે માર્શલ-લો લગાવ્યો અને માત્ર છ કલાકમાં પાછો ખેંચી લીધો.
મમરો :
આને માર્શલ ‘વાપસ-લો’ કહેવાય !
***
સમાચાર :
અભિનેતા વિક્રાંત મેસીએ ખુલાસો કર્યો છે કે તે ‘રિટાયર નથી થવાનો, તે માત્ર થોડો ‘બ્રેક’ લેવા માગે છે.’
મમરો :
કાશ… તુષાર કપૂર, અર્જુન રામપાલ, અભિષેક બચ્ચન અને ઐશ્ર્વર્યા રાય પણ આવો ખુલાસો કરે કે એમણે ‘બ્રેક’ નથી લીધો, એ હવે ‘રિટાયર’ થઈ ગયાં છે ! (કેમકે પ્રેક્ષકોમાં હજી એમનો ખૌફ છે.
***
સમાચાર :
જો બાઈડને એના પોતાના દિકરાને ભ્રષ્ટચાર કેસમાં ‘માફ’ કરી દીધો !
મમરો :
એ હિસાબે સોનિયાજી કેટલાં મહાન કેવાય ? ૨૮ ચૂંટણીઓ હારવા છતાં એમણે પોતાના દિકરાને માફી નથી આપી !
***
સમાચાર :
કોંગ્રેસના સાંસદોએ ‘મોદી-અદાણી એક હૈં’વાળાં સુત્રો વડે વિરોધ પ્રદર્શન કર્યું.
મમરો :
યાર, આ લોકોને હજી કેમ સમજ નથી પડતી ? મોદીજી દોઢ મહિના પહેલાં જ કહી ચૂક્યા છે : ‘એક હૈં તો સેફ હૈં !’
***
સમાચાર :
ટ્રમ્પે ટકોર કરી છે કે કેનેડા અમેરિકાનું એકાવનમું રાજ્ય બનીને અમેરિકામાં જોડાઈ શકે છે.
મમરો :
આહાહા… જો એમ થાય તો ભારતીય નાગરિકોની ઘૂસણખોરી અડધી થઈ જાય ! કેમકે અત્યારે તો પહેલાં કેનેડામાં, અને પછી ત્યાંથી અમેરિકામાં, એમ ડબલ-ડબલ ઘૂસણખોરી કરવી પડે છે ને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment