પારડીવાલા વર્સિસ મોહનિયું માંકડું !

નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ 

અમારા કિલ્લા પારડી ગામના મશહૂર અને અંગ્રેજોના જમાનાના બાહોશ વકીલ એદલજી સોરાબજી પારડીવાલાના કિસ્સા તો અગાઉ તમે વાંચી જ ચૂક્યા છો.

રિટાયર થયા પછી કિલ્લા પારડી ગામમાં એ સરસ મજાની બંગલી બાંધીને તેમાં ઝુલતી ખુરશી ઉપર બેઠાં બેઠાં પોતાની હોંશિયારીના કિસ્સા સંભળાવતા રહેતા હતા.

પારડીવાલાથી ભલભલા અંગ્રેજ જજ સાહેબો પણ ફફડતા હતા (એવું પારડીવાલા કહેતા હતા) અને પારડીવાલા એવું પણ કહેતા હતા કે ‘ડીકરા, કરમસદવાલા એક વલ્લભભાઈ નામના વકીલને મેં જ એડવાઇસ આપેલી કે તારી ધજમજેની પ્રેક્ટીસ છોડીને તું સાને વાસ્તે પેલા પોતડીવાલા ડોસલાની પાછળ પાગલ થિયો ચ ? આય ફ્રીદમ બ્રિદમની ફાઈત કરવામાં તુને બે પૈસાની બી કમાની થાસે નંઈ. એના કરતાં માય ફ્રેન્ડ, ટેક માય એડવાઈસ, કમ ટુ બોમ્બે હાઈકોર્ટ ! બે જ વરસમાં તારો પાલી હિલ પર મોત્તો મજેનો બંગલો હોસે… પન તે નીં માનિયો !’

જોકે મોદી સાહેબે સરદાર વલ્લભભાઈના પૂતળા માટે લોખંડ ઉઘરાવવાનું શરૂ કરેલું એનાં વરસો પહેલાં જ પારડીવાલા ચાલી ગયેલા. આ એદલજી સોરાબજી પારડીવાલાનો એક અજીબોગરીબ કિસ્સો એવો છે કે જેમાં એમણે એક વાંદરા સામે કેસ ઠોકેલો !

વાત એમ હતી કે વલસાડથી નજીક આવેલા એક વડોઈ નામના ગામમાં જીવણભાઈ સુખાભાઈની સરસ મઝાની ચીકુની વાડીઓ હતી. દરેક સિઝનમાં ચીકુનો મબલખ પાક ઉતરે. જેના ટોપલે ટોપલા ભરીને જીવણ સુખો વરસાડ રેલ્વે સ્ટેશનેથી મુંબઈના ફ્રૂટ મારકેટમાં પારસલ વડે રવાના કરે. ત્યાં જે ભાવ પડે તે મુજબના રૂપિયા જીવણ સુખાને ઘેરબેઠાં પહોંચતા થઈ જાય.

પરંતુ આ સરસ મજાની ઘરબેઠી કમાણીમાં પંચર પડવાનું શરૂ થયું. વાત એમ હતી કે એમની ચીકુની વાડીમાં એક માંકડુ પેધું પડય્ હતું. આ માંકડુ એટલે કંઈ સીધુંસાદું વાંદરું નહીં, પણ નાસિક ત્રંબકેશ્વર બાજુ જે લાલ મોઢાવાળા વાંદરા થાય છે એમાંની આ ઓલાદ હતી.

એ માંકડાનું નામ પણ ધજમજેનું હતું  ‘મોહનિયો’... વડોઈ ગામનો જગલો ભૂરિયો (એની આંખો માંજરી હતી) જ્યારે એકવાર મહાલક્ષ્મીની જાતરાએ ગયેલો ત્યારે ત્યાંના મેળામાં આ ‘મોહનિયો’ ખેલ કરતો હતો. 

ડુગડુગી વગાડનારો એનો માલિક કહે કે ‘બોલ મોહનિયા, તું પણવાનો કે ?? (પરણવાનો કે) તો આ માંકડું માથું હલાવીને હા પાડે. ‘તારી બૈરી કુવેથી પાણી કેમ કરીને ભરી લાવ હે ?’ તો મોહનિયો માથે એલ્યુમિનિયમનું વાસણ લઈને લટકાળી ચાલ ચાલી બતાડે. ‘તારી બૈરી તારા લગનમાં કેમ કરીને નાચવાની ?’ એટલે મોહનિયો ઘુંઘરું બાંધેલા પગ સાથે ડાન્સ કરીને બતાડે… વગેરે.

થયું એવું કે એ મેળામાં મોહનિયાનો માલિક બિમાર પડીને મરી ગયો. તે વખતે આ લાલ મોઢાવાળા માંકડાને સુમસામ બેઠેલું જોઈને જગલો તેને પોતાની સાથે લઈ આવેલો.

આ જગલો આમ પણ છૂટક મજુરી જ કરી ખાતો હતો. તેના બદલે આ રેડી-મેઈડ માંકડું મળી ગયું એટલે તેણે માંકડાને થોડા નવા ખેલ શીખવાડી દીધા. હવામાં ગુલાંટો મારવી, પૂંછડીના આધારે લાકડી પર લટકવું, તમાશો જોવા ઊભેલી પબ્લિકમાંથી કોઈની પાઘડી ખેંચી લાવવી…. વગેરે.

જગલો રોજ વલસાડ ટાઉનમાં જઈને આવા ખેલ બતાડીને રૂપિયા રળી ખાતો. પોતાના રોટલામાંથી મોહનિયાને પણ ખવડાવતો. પણ માંકડાની જાત કોને કીધી ? વલસાડની બજારમાં પણ મોહનિયું જગલાના ખભેથી કૂદકો મારીને ક્યાંકથી જામફળ, બોર, કેળાં વગેરે ચોરી લાવતું.

આમાં ને આમાં એક દહાડો તેની નજરમાં પેલા જીવણ સુખાની ચીકુની વાડી વસી ગઈ ! એ હવે પેંધુ પડ્યું. આ વાંદરા અને માંકડાની ખાસિયત એ હોય છે કે તે ખાય ઓછું અને બગાડે વધારે ! ચીકુ પાકું છે કે કાચું, તેની સમજ તો પડે નહીં, એટલે ઝાડ ઉપરથી તોડે, એકાદ બટકું ભરે અને ફેંકી દે ! એમાંય એક ડાળીથી બીજી ડાળીએ ઠેકડા મારવામાં પાકાં થઈ ગયેલાં ડઝનબંધ ચીકુ ખરી પડે !

જીવણ સુખાએ પોતાના નોકરોને દોડાવીને મોહનિયાને પકડવાની બહુ કોશિશ કરી પણ આ તો ‘ટ્રેઇન્ડ’ માંકડું ! એમ કંઈ હાથમાં આવે? જીવણલાલે જગલા ભૂરિયાને ફરિયાદ કરી. પણ જગલો તો સાવ નામક્કર ગયો ! કહે કે તારી વાડી, તું જાણે ! હચવાતી નીં ઓય તો વેચી લાખનીં ?

જીવણલાલ આ જ પરેશાનીમાં હતા ત્યાં જોગાનુજોગ એમનો ભેટો આપણા બાહોશ વકીલ પારડીવાલા સાથે થઈ ગયો.

પારડીવાલાએ કહ્યું. ‘આતલી અમસ્તી વાતમાં સું ટેન્સન લેઈને ફરિયા કરસ ? આય કેસ તું મને હેન્દલ કરવા દેવ. હું કોરટમાં એવો સોલ્લીડ કેસ ઠોકસ કે તુને દસ હજ્જાર રૂપિયાની નુકસાની અપાવસ.’

‘દહ હજ્જાર ?’ જીવણભાઈની આંખો ચમકી. ‘એટલી તો આખી સિઝનની આવક બી નીં મલે !’

‘તને સું લાગસ, આય પારડીવાલો કાંય મામૂલી વકીલ છેય ? બસ, મારી ફીસ બે હજ્જાર લેવસ.’

આ બે હજારનો આંકડો સાંભળીને જીવણલાલની દાનત ફરી ગઈ. એમણે બીજો કોઈ વકીલ રોકીને કેસ ફટકાર્યો.

હવે જ્યારે આપણા પારડીવાલાને આની ખબર પડી ત્યારે એમની કમાન છટકી. ‘એ બે બદામનો ચીકુવાલો સમજે ચ સું ? મારી એડવાઈસ મફતમાં લેઈને બીજા વકીલનું પૂંછરું પકરવા ચાઈલો ? તું બી ડિકરા, યાદ કરસ…’

પારડીવાલાએ શું કર્યું ? એમણે પેલા જગલાને પકડ્યો ! પહેલાં તો એને બીવડાવ્યો : ‘ડિકરા, તારી ઉપર દસ હજ્જારનો દાવો થોકાયેલો છેવ. તું કોઈ ચંબૂક વકીલમાં ભરાયો તો મરતાં લગી રૂપિયા ચૂકવહે તો બી પૂરા નીં થવા… ડિકરા, આય પારડીવાલો જ તને બચાવસ ! ખાલી એક હજાર રૂપિયા લેવસ, ઓકે ?’

જગલાએ ડરીને હા પાડી દીધી. આમાં આપણા બાહોશ વકીલ પારડીવાલાને તો રિવેન્જ જ લેવો હતો ને ! એમણે કોર્ટમાં સાવ અણધારી દલીલો કરી કે….

‘નામદાર જજ સાહેબને માલમ થાય કે ચીકુની ચોરીમાં મારા અસીલની કોઈ સામેલગિરી, ઉસ્કેરણી કે જવાબદારી છેવ જ નીં ! બિકોઝ માય ક્લાયન્ટ મિસ્તર જગલા ભૂરિયા ઇઝ નોટ ધ ઓવ્નર ઓફ સેઇડ મંકી, બટ હિ ઇઝ ધ પાર્ટનર ! જગલો ભગલો કાંઈ એ મોહનિયા નામના માંકડાનો માલિક છેવ જ નીં ! એ તો એનો બિઝનેસ પાર્તનર છેવ !’

સામેવાળો વકીલ તો આ દલીલથી છક્કડ ખાઈ ગયો !

પારડીવાલા બોલ્યા : ‘મારા કાબેલ દોસ્તને મારે પૂછવાનું કે જો એવણનો પાર્તનર કાલે ઊથીને કોઈનું મર્દર કરી લાખશે, તો સું એના સબબ મારા કાબિલ દોસ્ત જેલમાં જાસે કે ?’

ટુંકમાં, પારડીવાલાએ સાબિત કરી બતાડ્યું કે જેની ઉપર ચોરીનો આરોપ મુકાયો છે તે જગલો ભૂરિયો આખી વાતમાં ‘ઇન્વોલ્વડ’ જ નથી ! તેથી આખો કેસ રદબાતલ કરવાને લાયક છે.

જજ સાહેબે પારડીવાલાની દલીલ માનીને કેસ ખારીજ કરી નાંખ્યો !

આમ, પારડીવાલાએ પોતાનો ‘ઇગો’ તો સંતોષી લીધો પણ પેલી હજાર રૂપિયાની ‘ફી’નું શું ? બિચારો જગલો ભૂરિયો તો ફસકી પડ્યો : ‘સાયેબ, અ’જ્જાર રૂપિયા તો મેં કેમ કેમ કરીને આપવાનો ? તમુંને જોવે તો પચ્ચા ખણ (લગભગ) રૂપિયા આપું !’

હવે પારડીવાલાની કમાન ફરી છટકી ! ‘સાલા, તું મને કંઈ બબૂચક સમજે ચ ? તારી પચ્ચા રૂપૈડીના વાસ્તે મેં કોરટમાં આર્ગ્યુમેન્ત કીધા ચ ? ડિકરા, તુ બી મને યાદ કરસ..’

પારડીવાલાએ હવે શું કર્યું ? એમણે ફરી જીવણલાલને પકડ્યા : ‘જોયુ ? મારી સાંમ્મું પડવામાં સું મલિયું તમુંને ? અ’વે મારી વાત સાંભલો. હું તમુંને પુરા દસ હજ્જાર રૂપિયા અપાવસ ! હંદ્રેદ પરસેન્ટ ગેરંટી આપું ચ !’

પારડીવાલાએ કેસ લડવાનો ચાર્જ શું નક્કી કર્યો ? એ તો પારડીવાલાએ કદી કોઈને કીધું જ નહીં, પરંતુ કોર્ટમાં એમણે કેસ શી રીતે કર્યો ?

એમણે પેલા ‘મોહનિયા’ ઉપર કેસ કર્યો !

‘ઇટ વોઝ મોસ્ટ યુનિક કેસ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કોર્ટ્સ !’ પારડીવાલા એમની બંગલીમાં બેઠા બેઠા એમના ઓડિયન્સ આગળ ડંફાશ મારતા કે, ‘તમુંને નવાઈ લાગસ, પન બ્રિટીશ જર્નલ ઓફ લિગલ મેતર્સની અંદર આય કેસને પ્રોમિનન્સની સાથે સામેલ કરેલો ચ ! લંદન સ્કૂલ ઓફ લોમાં તેનું જાડું સરખું, ધજમજેનું ચોપડું લાયબ્રેરીમાં મુકેલું ચ !’

પારડીવાલાએ સાચું બોલતા હોય કે ખોટું એ તો ખોદાયજી જાણે, પણ પેલા કેસમાં શું થયું ?

તો મિત્રો, પારડીવાલાએ તો પેલા ‘મોહનિયાં’ માંકડાને બા-કાયદે આરોપીના પિંજરામાં ઊભો રખાવીને, તેણે ‘પ્રિ-મેડિટેટેડ’ ચોરીઓ કરી છે તેના ‘પુરાવા’ રૂપે સેંકડોની સંખ્યામાં એંઠા-અડધા ખવાયેલા ચીકુ રજુ કર્યા ! 

એ ઉપરાંત ‘બદ-ઈરાદાપૂર્વક’ વાડીના મોલનો બગાડ કરવાના પુરાવા રૂપે ઢગલાબંધ સડેલા ચીકુ કોર્ટમાં રજુ કર્યા ! 

એટલું જ નહીં ચોરીઓના ‘ચશ્મદીદ ગવાહ’ રૂપે વાડીના નોકરો તેમજ ગામ લોકોને સાક્ષીના પિંજરામાં બોલાવીને સામે આરોપીના પિંજરામાં ઊભા રાખેલા. ‘મોહનિયા’ની ઓળખ પણ કરાવી બતાડી !

હવે તમે જ કહો, આટલો જડબેસલાક કેસ હોય તો જજસાહેબનો છૂટકો છે કે કંઈ ભલતો ચૂકાદો આપે ?

જજસાહેબે આરોપી ‘મોહનિયા’ને બે વરસની કેદની સજા અને ૨૫૦ રૂપિયાનો દંડ ફટકાર્યો ! જો દંડ ન ભરે તો વધુ છ મહિનાની કેદ ફરમાવી !

‘જજમેન્ત ના દા’રે તો કોરટના કમ્પાઉન્ડમાં લોકોનું મોત્તું તોલું જોયેલું કે ? તમારા આ પારડીવાલાએ હિસ્ત્રી ક્રિએત કરી લાખેલી, સમજિયા ?’

પારડીવાલા આવી ડંફાશ વરસો સુધી મારતા રહેલા, પણ પછી પેલા મોહન-માંકડાનું શું થયું ?

તો વાત એમ બની કે એક દિવસ એ માંકડું જેલની દિવાલ કૂદીને ભાગી ગયું ! એ પછી ન તો એ કિલ્લા પારડીમાં દેખાયું, ન તો વલસાડમાં કે ન તો વડોઈ ગામની ચીકુની વાડીમાં !

***

- મન્નુ શેખચલ્લી 

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Congratulations. Unique Parsi Language. Unique case.

    ReplyDelete
  2. Oh yes.મોહનીયું છટકીને નાસિક તરફ જોવા મલ્લુ ,એવા છેલ્લા હમાચાર જગો જાંબુવાડી વારો સાઇબાબાના દર્શને ગેયલો તે લાવલો.!!

    ReplyDelete

Post a Comment