મિ. ટ્રમ્પને જણાવવાનું કે...

અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી આપી છે કે ‘મારા શપથ ગ્રહણ પહેલાં ઇઝરાયેલના બંધકોને છોડવામાં નહીં આવે તો હું મધ્ય પૂર્વમાં વિનાશ લાવીશ !’
આ સિવાય પણ બીજાં નિવેદનો છે…

*** 

ટ્રમ્પે કહ્યું છે કે જો ‘બ્રિક્સ’ના દેશો ડોલરને સમાંતર કોઈ નવું આંતરરાષ્ટ્રિય ચલણ લાવવાની હલચલ કરશે તો હું એ તમામ દેશોના માલ ઉપર ૧૦૦ ટકા આયાત ટેરિફ ઝીંકી દઈશ…

*** 

ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ‘હું સત્તા ગ્રહણ કરું પછી યુક્રેનને એક પણ હથિયાર આપીશ નહીં. યુક્રેને યુધ્ધ ખતમ કરવા માટે હવે થોડ જ દિવસો બચ્યા છે.’

*** 

ટ્રમ્પે જાહેરાત કરી છે કે મેક્સિકો બોર્ડર પરથી ઘૂસી આવતા ઘૂસણખોરોને રોકવા માટેની દિવાલ મારા ૧૦૦ દિવસમાં જ બંધાઈ જશે…

*** 

ટ્રમ્પે અરબપતિ બિઝનેસમેન ઇલોન મસ્ક અને ઉદ્યોગપતિ વિવેક રામાસ્વામીને અમેરિકન સરકારના વહીવટીતંત્રમાં થતા નાણાંના વેડફાટ રોકવાની સમિતિમાં નીમીને જાહેરાત કરી છે કે હવે દેશના ૨૫ ટકા નાણાંનો વ્યય અટકાવી દેવામાં આવશે.

*** 

ટ્રમ્પે એફબીઆઈના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના કાશ પટેલની નીમણૂંક કરતાં મેસેજ આપ્યો છે કે અમેરિકામાં ચાલી રહેલી બેફામ ગુનાખોરી સામે હવે કડક પગલાં લેવામાં આવશે…

*** 

ટ્રમ્પે કેનેડા તથા બ્રાઝિલથી આવનારા માલ સામાન ઉપર ૨૫ ટકા ટેરિફ ઝીંકવાની ચેતવણી આપી છે…

*** 

ટ્રમ્પે ખુલી ચેતવણી આપતાં કહ્યું છે કે ‘અમેરિકામાં જે લોકો ગેરકાયદેસર ઘૂસીને વસવાટ કરી રહ્યા છે તે પોતાનાં બિસ્તરા પોટલા બાંધીને રવાના થવાની તૈયારી રાખે, કેમકે શપથ લેતાં જ હું સૌને વીણીવીણીને રવાના કરવાનો છું…’

*** 

હા ટ્રમ્પ સાહેબ હા…
અમારે તમને એટલું જ યાદ કરાવવું છે કે સાહેબ, ચૂંટણી પતી ગઈ છે ! તમે ચૂંટાઈ ગયા છો ! ૨૦ જાન્યુઆરીએ તમે પ્રેસિડેન્ટ પણ બની જશો…

- એટલે હવે તો આ બધાં ‘વચનો’ આપવાનાં બંધ કરો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments