આમ જોવા જાવ તો આજકાલ તમને ઠેરઠેર કાર્ટૂનો જોવા મળશે…
બુઢિયા ટોપી પહેરીને ભરબપોરનો તડકો ખાઈ રહેલા કાકા…
માત્ર આંખો ખુલ્લી રહે એ રીતનાં ગરમ કપડાં પહેરીને પેન્ટના બંને ખિસ્સામાં હાથ નાંખીને ધ્રુજતાં ધ્રુજતાં મોર્નિંગ વોક માટે નીકળેલા દાદા…
૮૦ વરસની ઉંમરે માથે ગુલાબી સ્કાર્ફ બાંધીને શાક લેવા નીકળેલાં માજી….
જોગિંગ કરવાથી લાગેલી ભૂખ મટાડવા ગરમાગરમ ગાંઠીયા ખાઈ રહેલા જાડીયા અંકલ…
પરંતુ અમુક ‘સિચ્યુએશનો’ પણ પરફેક્ટ કાર્ટૂન માટે જ સર્જાતી હોય છે ! જુઓ….
***
એક વિસ્તારના જાહેર શૌચાલયની બહાર સવારના પહોરમાં લાંબી લાઈન લાગી છે ! લોકો સ્વેટર, મફલર, શાલ વગેરે સાથે આવી ઠંડીમાં શેની રાહ જોતા ઊભા છે… કેમ ?
કારણ કે શૌચાલયની બહાર પાટિયું માર્યું છે : ‘નળમાંથી ગરમ પાણી આવે છે. એકસ્ટ્રા ચાર્જ માત્ર બે રૂપિયા…’
***
એક શાનદાર બંગલામાં ઇન્કમટેક્સની રેડ પડી છે. ડઝનબંધ કાળા કોટવાળા ઓફિસરો ઘડીકમાં દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ તો ઘડીકમાં પોતપોતાની કાંડા ઘડિયાળમાં ટાઈમ જોઈને ધૂવાંપૂવાં થઈ રહ્યા છે.
હિરોઈન સેક્રેટરી બાથરૂમના દરવાજા બહાર ઊભો છે. એ કહે છે :
‘સાહેબો, હું સાચું જ કહું છું. મેડમ બાથરૂમમાં જ ગયાં છે. પણ શું છે કે છેલ્લા બે કલાકથી નહાવાની હિંમત નથી કરી રહ્યાં…’
***
લગ્ન મંડપનું દૃશ્ય… વરપક્ષ તથા કન્યાપક્ષ બંને તરફના લોકો સખત ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. અમુક બાળકો તો મમ્મીની શાલ ઓઢીને ઊંઘી ગયાં છે… બેન્ડવાજાંવાળા કંટાળીને નીચે બેસી ગયા છે…
અંદર મંડપમાં લગ્નની વેદી સામે બેઠેલા ગોર મહારાજને કન્યાના પિતા કહે છે :
‘પંડિતજી, તમારી દક્ષિણા ડબલ કરી આપીશું પણ હવે અહીં અગ્નિ તાપવાને બદલે ઝટ વિધિ પતાવો !’
***
બે હવાલદારો લથડિયાં ખાઈ રહ્યા છે. બંનેના હાથમાં એક એક બાટલી છે. એમાંથી એક હવાલદાર ફોનમાં રિપોર્ટ આપી રહ્યો છે :
‘સાહેબ, ઇન્ફર્મેશન તો સાચી હતી… પણ રેડ માર્યા પછી ખબર પડી કે અહીં દસ નહીં, માત્ર આઠ જ બાટલીઓ હતી !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment