બુફે ડિનરના અઘરા સવાલો !

યાર, સૌથી પહેલાં તો મને એ કહો કે આ અંગ્રેજી શબ્દ ‘બુફે’ના સ્પેલિંગમાં ‘ટી’ અક્ષર શું કરે છે ?

તમે કહેશો કે ‘ટી’ સાયલેન્ટ છે. હું કહું છું મિત્ર ‘ટી’ તો ‘એબસન્ટ’ છે ! કેમકે જમણવારમાં ‘ચા’ તો હોય જ નહીં ને ?

આ સિવાય પણ અમુક અઘરા સવાલો છે. જેમકે…

*** 

જ્યાંથી આપણે માત્ર ખાલી ડીશો જ લેવાની છે એ કાઉન્ટર શા માટે આટલું બધું ભભકાદાર હોય છે ? (અમુક ઠેકાણે તો ત્યાં ફૂવારો હોય છે ! શેના માટે ભઈ ? ખાધા પહેલાં ડીશો ધોવાની છે ?)

અને સાહેબ, સૌથી વધુ સ્ટાફ અહીં કેમ ઊભો રાખ્યો છે ? ડીશો તો જાતે લઈ લઈશું ! અહીંથી બે-ચાર જણાને ત્યાં ભીડવાળા ‘લાઈવ’ કાઉન્ટરો પર મુકો ને ?

*** 

અચ્છા, આ ‘લાઈવ’ કાઉન્ટરો શા માટે હંમેશાં દૂર, ખૂણામાં અને સાવ સંતાડીને રાખ્યાં હોય એ રીતે ગોઠવ્યાં હોય છે ?

સાલું, આપણે ડીશમાં સબ્જી, સલાડ, રોટી, દાલ, રબડી, બફવડાં, આલુ-ચાટ, ઈંદડાં, ખમણ, અથાણાં, પાપડ અને ચટણી ભરીને બેઠા હોઈએ ત્યારે જ આપણને પિત્ઝાનું ‘લાઈવ’ કાઉન્ટર નજરે પડે છે !

હવે, પેટમાં જગ્યા કરવી કે ડીશમાં ?

*** 

બુફેના ઘણા પ્રશ્નો છે પરંતુ અમુક ભોળા લોકો એમ સમજે છે કે ‘પહેલો પ્રશ્ન ફરજિયાત છે’… આમાંને આમાં બિચારાઓ સૂપ અને સ્ટાર્ટરોમાં જ અડધું પેટ ભરી મુકે છે !

*** 

અચ્છા, અમુક ભવ્ય રિસેપ્શનોમાં એક ખૂણે બિચારા ‘લાઈવ મ્યુઝિક’ વગાડનારા બેઠા હોય છે ! આ સિતાર, સંતુર, જલતરંગ કે વાયોલિન જેવાં ક્લાસિક વાજિંત્રો વગાડનારાને સાંભળવાનું છોડો, કોઈ એમની સામે જોતું પણ નથી હોતું !

સવાલ એ છે કે આમ છતાં સળંગ અઢી કલાક સુધી વાજિંત્રો વગાડવાનું ‘મોટિવેશન’ એ લોકો ક્યાંથી લાવે છે ?

*** 

અને છેલ્લો અઘરો સવાલ… આખા ફંકશનમાં પુરેપુરી મેનર્સ સાથે બિહેવ કરનારા લોકો છેલ્લે પાણી પીવા જાય છે ત્યારે જ કેમ આટલી ગંદકી કરી મુકે છે ? વાપરેલા પ્લાસ્ટિકના કપ વ્યવસ્થિત ઠેકાણે ના નાખી શકાય ?

***

- મન્નુ શેખચલ્લી

Comments