યંગ જનરેશનનાં 'ઓફલાઈન' પુસ્તકો !

આજનાં યંગસ્ટરો બુકના નામે માત્ર ‘ફેસબુક’ વાંચે છે એમને માટે આજકાલ જે પુસ્તકમેળા ચાલી રહ્યા છે, એમાં તો બધાં ‘ઓફ-લાઈન’ પુસ્તકો જ છે !

એક યંગસ્ટરે આ ઓફ-લાઈન ચોપડીઓની થોડી ખામીઓ શોધી કાઢી છે ! સાંભળો…

*** 

વ્યુઝ’ નથી બતાડતી…
અંકલ, આ તમારી જે બુક્સ હોય છે ને, એમાં યુ-ટ્યુબની જેમ ‘વ્યુઝ’ કેટલા થયા એ નથી જોવા મળતું ! … કે કેટલા રિડર્સ ઓલરેડી આ બુક ‘જોઈ’ ગયા છે !

*** 

રિ-વ્યુઝ’ બી નથી હોતા…
જે રીતે કોઈ મુવી જોવા જઈએ કે રેસ્ટોરન્ટમાં ખાવા જઈએ તો એના ‘રિવ્યુ’ તો જોવા જ પડે ને ? એ રીતે તમારાં આ ‘ઓફ-લાઈન’ ચોપડાંનાં રિવ્યુઝ બી નથી હોતા ! આઈ મિન, બુક કેવી છે એ જાણવા માટે આખી ‘વાંચવી’ પડે ? ધેટ્સ ટુ મચ !

*** 

લાઈક, શેર, સબ-સ્ક્રાઈબ નથી…
અંકલ, આખી બુકમાં ‘લાઈક’નું બટન જ નથી હોતું ! અને બોસ, ‘શેર’ કરવી હોય તો સાલી આખેઆખી બુક કુરિયર કરવી પડે ? અને અંકલ, તમારી આ ચોપડીઓની કોઈ ‘લિન્ક’ નથી હોતી ?

(મેં કહ્યું, બેટા, જે લેખકને ઇનામ જોઈતું હોય એને જ ‘લિન્ક’ની જરૂર પડે છે.)

*** 

પ્રોમોઝ’ પણ નથી આવતા…
રિયલી અંકલ, જો કોઈ પુસ્તકનો પ્રોમો જ ના આવતો હોય તો હાઉ ડુ વિ નો કે ધેટ બુક ઈઝ કમિંગ સૂન ? જે રીતે ‘કોલ્ડ પ્લે’ કોન્સર્ટ ટિકીટો ઓલરેડી સોલ્ડ-આઉટ થઈ જાય છે એ રીતે કમ સે કમ એકાદ બુક તો હશે ને, જે પ્રિન્ટ થાય એ પહેલાં જ ‘બુક માય બુક’માં ગાંડા જેવા ભાવે ‘બુક’ થતી હોય ?

*** 

મોટીવેશન’ નથી હોતું…
લાઈક, ફોર એક્ઝામ્પલ, મોબાઈલમાં કંઈક લાંબુ લાંબુ વાંચવાનું હોય તો વારંવાર ‘રીડ મોર રીડ મોર’ આવે છે ને… એવું મોટિવેશન !

*** 

એક્સપ્લેનેશન’ની લિન્ક નથી…
જેમકે ઓન-લાઈન વાંચતા હોઈએ તો અમુક અઘરા શબ્દો બ્લુ કલરમાં હોય છે. એને ટચ કરો એટલે એનું મિનિંગ ડિટેલમાં જાણવા મળે. આવું કવિતાની ચોપડીઓમાં તો રાખો ? (દરેક લાઈન બ્લુ કલરમાં છાપવી પડે, બકા.)

*** 

કોમેન્ટ ક્યાં કરવાની ?
મિન્સ કે, ભલે પુસ્તક ના વાંચીએ, તો બી કોમેન્ટ કરી હોય તો બીજા લોકોને લાગે કે બોસ, વાંચી છે હોં !

***

- મન્નુ શેખચલ્લી

Comments

  1. Very humorous! Humour with the bitter reality of the present generation.

    ReplyDelete

Post a Comment