૨૦૨૪ના આખા વરસમાં અમુક શબ્દો એવા હતા જેની જબરદસ્ત અસર હતી ! આવો, યાદ કરીએ…
***
નંબર વન : ‘ખટાખટ… ખટાખટ…’
આ એક જ શબ્દો બબ્બે ચાર-ચાર વાર બોલાયા એમાં તો કરોડો લોકો એ સ્કીમમાં ભરાઈ પડ્યા ! (એ ખટાખટ સ્કીમનાં તો ફોર્મ પણ બહાર પડેલાં, બોલો.) છતાં એ સ્કીમવાળા હજી છુટ્ટા ફરે છે….
***
નંબર ટુ : ‘બંધારણ’
એક લાલ કલરની ખિસ્સા સાઈઝની ચોપડી બતાડીને લાખો વોટ ખિસ્સામાં લઈ લીધા ! આ વરસે તો આ શબ્દના નામ ઉપર એક રાષ્ટ્રિય દિવસ પણ જાહેર થઈ ગયો !
***
નંબર થ્રી : ‘ઈડી’
મોદીજી એમ માનતા હતા કે જેની પાછળ ‘ઈડી’ લાગશે એ બધા ભૂતકાળ બની જશે ! પરંતુ અહીં અંગ્રેજી વ્યાકરણ અને ભારતીય રાજકારણના નિયમો સરખા ન નીકળ્યા !
***
નંબર ફોર : ‘વોશિંગ મશીન’
ત્રીજા નંબરના શબ્દનો તોડ ચોથા નંબરના શબ્દમાં જ નીકળ્યો ! આ વોશિંગ મશીનમાં પ્રવેશ લેતાંની સાથે જ ભલભલા ભ્રષ્ટાચારીઓ પહેલાં ‘બે-દાગ’ અને પછી ‘બે-ફામ’ બની ગયા !
***
નંબર ફાઈવ : ‘ઈવીએમ’
ભારત તો ઠીક, છેક અમેરિકામાં બેઠેલા એલન મસ્ક બોલી ઊઠ્યા કે ‘ઈવીએમ ભરોસાપાત્ર નથી !’ જોવાની વાત એ છે કે જ્યાં જ્યાં વિપક્ષ જીતે છે ત્યાં તે ‘ભરોસાપાત્ર’ હતું !
***
નંબર સિક્સ : 'એક્ઝિટ પોલ'
એરકંડિશન્ડ ઓફિસોમાં બેસીને જમીની વાસ્તવિકતાના આંકડા બહાર પાડવામાં કોણ કેટલી હદે ખોટા પડશે... એની જ હરિફાઈ હતી ! સટ્ટા બજારમાં લોકો કમાણીની લાલચે રુપિયા લગાડે છે પણ એક્ઝિટ પોલમાં કોના રુપિયા લાગે છે ?
***
નંબર સેવન : ‘નકલી’
નકલી સ્કૂલ, નકલી યુનિવર્સિટી, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી, નકલી ઈડી, નકલી પોલીસ, નકલી ખેડૂત અને નકલી નોટો… (અનુપમ ખેરના ફોટાવાળી)… ગુજરાતે બહુ કોશિશ કરી પણ નેશનલ લેવલે ‘નકલી’ને સાતમો રેન્ક જ મળ્યો ! અફસોસ….
***
નંબર એઈટ : ‘બુલડોઝર’
યુપીના એક બાબા સાથે જે યંત્રનું નામ જોડાયું છે એ મકાન-તોડ યંત્રને લીધે તો સુપ્રીમ કોર્ટની પણ ઊંઘ ઊડી ગઈ છે !
***
નંબર નાઈન : ‘લિકર’
યાર, જેના લીધે બિચારા ગુજરાતીઓ ‘આઝાદી’નો અનુભવ કરે છે એ જ ચીજે બિચારા કેજરીવાલને ૧૭૬ દિવસ માટે ‘જેલ’માં મોકલી દીધા !
***
નંબર ટેન : ‘અદાણી’
શેરબજારના ખેલાડીઓથી લઈને રાહુલ ગાંધી સુધીના લોકો જેને ‘હુકમનું પાનું’ માને છે એ શબ્દ અમેરિકન કોર્ટ સુધી પહોંચી ગયો… ૨૦૨૪માં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment