૨૦૨૪ના અજીબોગરીબ એવોર્ડ્ઝ !

૨૦૨૪ની અમુક ઘટનાઓ એવી છે કે જેને કોઈ સ્ટાન્ડર્ડ કેટેગરીમાં ગોઠવી જ ના શકાય ! એટલે જ પ્રસ્તુત છે ૨૦૨૪ના અજીબો ગરીબો એવોર્ડ્ઝ…

*** 

ઇયર’ ઓફ ધ યર
‘ઇયર’ એટલે કાન ! ડોનાલ્ડ ટ્રમ્પનો એ ગોળી વડે વીંધાયેલો કાન ! લાગે છે કે એના કારણે ટ્રમ્પના કાનમાં એવી ખાસ પ્રકારની બહેરાશ આવી ગઈ છે કે હવે એ કોઈનું કશું સાંભળવા જ તૈયાર નથી !

*** 

ફીગર’ ઓફ ધ યર
અહીં મહિલાના આકારની નહીં, આંકડાની વાત થાય છે ! આ વરસે એક આંકડો બહુ ચગ્યો… અને ચગ્યા પછી એટલો જ પછાડાયો.. ભૈશાબ, શેરબજારની વાત પણ નથી ! એ આંકડો છે… ૪૦૦ પાર !

*** 

પગે કૂહાડો’ ઓફ ધ યર
૨૦૨૪ના વરસમાં કૂહાડો પોતાના જ પગ ઉપર મારવાની બે પ્રખ્યાત ઘટના બની ! એક બાંગ્લાદેશમાં, જ્યાં શેખ હસીનાને શૂર ચડ્યું તો પોતાના રાજકીય વ્હાલાઓ માટે સરકારી નોકરીઓમાં ૩૦ ટકા અનામત જાહેર કરી દીધી ! 

બીજી ઘટના દક્ષિણ કોરિયામાં બની, જ્યાં દેશના પ્રમુખને શૂર ચડ્યું કે ‘માર્શલ લો’ ઠોકી દો ! રિઝલ્ટ… પોતાના પગ ઉપર જ કૂહાડો !

*** 

ફોટો-સ્ટોરી’ ઓફ ધ યર
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાનો એક ફોટો જોઈને વાર્તા આવી કે એમનું લગ્ન તૂટી જશે ! બીજો ફોટો જોઈને નવી વાર્તા.. ‘લગ્નમાં મોટું ભંગાણ’… ત્રીજો ફોટો.. ‘લગ્ન બચી ગયું…’ ચોથો ફોટો… ‘લગ્ન ડગુમગુ’… પાંચમો ફોટો ‘છૂટાછેડા થઈ ગયા ?’… છઠ્ઠો ફોટો… ‘સંધાઈ ગયું લાગે છે !’ 

ભૈશાબ, આખી વારતા માત્ર ફોટાઓને આધારે ?

*** 

કપલ’ ઓફ ધ યર
જેમનાં લગ્નની ઈવેન્ટો જ છ-છ મહિના લગી ચાલી ! એકાદ નાનકડા દેશના આખા વરસના જીડીપી જેટલો તો ખર્ચ થઈ ગયો ! જેમાં સૌથી વધારે પૈસા લઈને નાચ-ગાન કરનારા પાસે પહેરવા લાયક પુરતાં કપડાં પણ નહોતાં !

*** 

ડિમેન્શિયા’ ઓફ ધ યર
હલો, યાદ છે કે ભૂલી ગયા ? આ વરસની શરૂઆતમાં ૨૦ જાન્યુઆરીએ એક ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી… રાજકારણીઓ તો ભૂલી જ ગયા પણ ધર્માત્માઓ પણ યાદ નથી કરાવી રહ્યા !

***

- મન્નુ શેખચલ્લી

Comments