બેસ્ટ નેતા, બેસ્ટ અભિનેતા (બંનેનો સરવાળો કરો એટલે પરસન ઓફ ધ યર) જેવા એવોર્ડ્ઝ તો તમને જોવા સાંભળવા મળતા જ રહેશે પણ અમે કંઈ જુદા જ એવોર્ડ આપી રહ્યા છીએ…
***
બેસ્ટ લીંપણ : ૨૦૨૪
કોલકતાની આરજી કર હોસ્પિટલમાં થયેલા બળાત્કાર હત્યા કેસમાં સૌએ ભેગા મળીને રાજ્ય સરકાર, પોલીસ, સીબીઆઈ, હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ, મિડીયા… સૌએ ભેગા મળીને જે ધૂળ ઉપર લીંપણ કર્યું છે એ ખરેખર એવોર્ડને લાયક છે !
***
બેસ્ટ વૈજ્ઞાનિક : ૨૦૨૪
દેશના એક મહાનુભાવે ભલભલા વૈજ્ઞાનિકોને છક્કડ ખવડાવે એવી શોધ કરતાં જાહેર કર્યું હતું કે ‘હું નોન-બાયોલોજીકલ છું !’
***
બેસ્ટ પેશન્ટ : ૨૦૨૪
એક દરદી જે બ્લડ-પ્રેશર, શુગર, ચેસ્ટ પેઈન, માલ-ન્યુટ્રિશન અને અનિંદ્રા જેવી બિમારી સામે ઝઝૂમી રહ્યો હોય… અને જેલમાંથી બહાર આવતાંની સાથે જ કોઈ દાકતરી સારવાર વિના સંપૂર્ણપણે તંદુરસ્ત બની જાય… એ કેજરીવાલને અર્પણ છે આ એવોર્ડ !
***
બેસ્ટ ટ્યુબલાઈટ : ૨૦૨૪
અતુલ સુભાષ નામના એક માણસે આત્મહત્યા શું કરી… એના ચોવીસ જ કલાકમાં પોલીસતંત્ર, ન્યાયતંત્ર, ન્યાયાધીશો, કાયદાનાં નિષ્ણાતો, મહિલા આયોગ, નારીવાદીઓ… સૌને છેલ્લા ૨૦ વરસથી ચાલ્યા આવતા અમુક કાયદાઓનો અમલ શી રીતે થવો જોઈએ તેનું ‘જ્ઞાન’ થવા લાગ્યું !
***
બેસ્ટ હોરર ગપ્પાં : ૨૦૨૪
તમારી ભેંસો લઈ લેશે… તમારાં ઘરેણાં લઈ લેશે… તમારી જમીન મિલકત ચોક્કસ કોમને આપી દેશે… દેશનું બંધારણ બદલી નાંખશે… હવે પછી ચૂંટણીઓ જ નહીં થાય.. આવી હોરર ફિલ્મને ટક્કર મારે એવી વાતો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી વખતે ફેલાવવામાં આવી હતી ને ? બોલો એકેય સાચી પડી ?
***
બેસ્ટ ઓરીજીનલ : ૨૦૨૪
ગુજરાતમાં જેટલા પણ ‘ઓરીજીનલ’ ઓફીસરો, પોલીસો, કોલેજો, યુનિવર્સિટીઓ, વકીલો, જજો, સીબીઆઈ ઓફિસરો, વૈજ્ઞાનિકો, ટોલનાકાં, સરકારી, કચેરીઓ વગેરે હાલમાં છે તે એવોર્ડને લાયક છે ! કેમકે નકલીઓનો રાફડો ફાટ્યો છે !
હેપ્પી ૨૦૨૫
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment