ન્યૂઝ, કોમેન્ટ અને પંચાત !

આજકાલ મેઇન સ્ટ્રીમ મિડીયા અને સોશિયલ મિડીયામાં જે ન્યુઝ, કોમેન્ટ અને પંચાતો ચાલે છે એની ઉપર જ કોમેન્ટ અને પંચાતો કરવાનું મન થઈ જાય છે ! જેમકે…

*** 

ન્યુઝ :
અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાય અને આરાધ્ય એકસાથે જાહેરમાં જોવા મળ્યા… એમના લગ્નજીવનમાં ભંગાણની શંકાઓ દૂર થઈ…

પંચાત :
પહેલી વાત તો એ છે કે ભૈશાબ, આ કંઈ ન્યુઝ છે ? આ તો પંચાત છે ! અને યાર, કોઈ એકલું દેખાય, કોઈ બેકલું દેખાય એના ઉપરથી જ નક્કી કરવાનું છે કે એમનું લગ્નજીવન કેવું છે ?

*** 

ન્યુઝ :
બેંગલોરના કોમ્પ્યુટર ટેકી અતુલ સુભાષે સવા કલાકનો વિડીયો અને ૪૦ પાનાંની આત્મહત્યાની કેફિયત બહાર આવ્યા પછી એની પત્ની, સાસુ અને સાળાની ધરપકડ થઈ.

કોમેન્ટ :
આ છે દેશનું ન્યાયંતત્ર… ઘોડા નાસી જાય પછી જ તબેલાને તાળાં મારવા નીકળે છે !

*** 

ન્યુઝ :
છેલ્લા એક વરસમાં હિન્દુઓ સામે હુમલાની પાકિસ્તાનમાં ૧૨૨ અને બાંગ્લાદેશમાં ૨૦૦૦ ઘટનાઓ બની.

કોમેન્ટ :
(૧) સાથે સાથે કેનેડા અને અમેરિકા જેવા મહાન દેશોમાં આવી કેટલી ઘટના બની ?

(૨) ભારતમાં પણ હિન્દુઓ અને લઘુમતીઓ ઉપર હુમલાની કેટલી ઘટનાઓ બની ? કોઈ એવા આંકડા આપશે ?

*** 

ન્યુઝ :
પ્રિયંકા ગાંધી સંસદમાં ‘પેલેસ્ટાઈન’ તથા ‘બાંગ્લાદેશના હિન્દુઓ તથા ખ્રિસ્તીઓ’ જેવાં લખાણ સાથેની બેગ સાથે દેખાયાં.

પંચાત :
બેગની ઉપર નહીં, અંદર શું છે, એ ચેક કરો ને ? એમ કર્યું હોત તો પેલા મનુ સિંધવીની બેન્ચ પરથી મળેલું ૧૦ હજારનું બંડલ ક્યાંથી આવ્યું એ જાણી શક્યા હોત ને !

*** 

ન્યુઝ :
સસંદમાં આંબેડકરનું અપમાન. પ્રાંગણમાં સાંસદ કચડાયા… બહુ મોટો હોબાળો…

પંચાત :
દેશમાં દલિતોનું કેટલું અપમાન થાય છે ? અને દલિતો ક્યાં ક્યાં કચડાય છે ? … કાશ એ મુદ્દે પણ હોબાળા થતા હોત…

***

- મન્નુ શેખચલ્લી

Comments