બેસણામાં તમે માર્ક કરજો...!

બેસણું એ ગંભીર પ્રસંગ છે. છતાં આવા પ્રસંગે તમને અમુક વિચિત્ર નમૂના જોવા મળશે…

*** 

અમુક તો એન્ટ્રી જ એવી રીતે મારશે કે જાણે પોતે મોટા વીઆઈપી હોય… સદ્‌ગતના ફોટા પાસે પહોંચતાં પહેલાં જાણે ચૂંટણીનું ભાષણ કરવા આવ્યા હોય તેમ ચારે બાજુ નમસ્કાર કરતાં કરતાં આવશે !

*** 

તો વળી અમુક બિચારા રોતલ મોં કરીને ફોટા આગળ આંખો મીંચીને ક્યાંય લગી એવા ઊભા રહેશે કે પાછળ પંદર-વીસ જણાની લાઈન લાગી જશે.

*** 

અમુક એવા હોય છે કે ત્યાં મુકેલી થાળીમાંથી જ ગુલાબની પાંદડીઓ ફોટા પર ચડાવવાની છે, છતાંય એમાંથી ‘સારામાંની’ પાંદડીઓ એવી રીતે પસંદ કરતા હશે, જાણે લારીમાંથી શાક વીણવાનું હોય !

*** 

અમુક તો વળી થાળીમાં ૧૦૦ની નોટ મુકીને ૯૦ રૂપિયા છૂટા લઈ લેશે. કોઈનું ધ્યાન પડે તો કહેશે : ‘શું કરીએ, પાછું રીક્ષામાં જવાનું ને ? એ લોકો છૂટા માગે છે…’

*** 

અચ્છા, તમે માર્ક કરજો, અમુક લોકો તો એકબીજાને એટલા ઉમળકાથી મળે છે કે જાણે લગ્ન-પ્રસંગે મળતા હોય !

*** 

અમુક લોકોને માત્ર એટલું જ જાણવામાં રસ હોય છે કે ‘વડીલ કેવી રીતે ગયા ?’

એ તો ઠીક, અમુક લોકો ‘વડીલ કેવી રીતે ગયા’ એની સ્ટોરી એટલી ડિટેલમાં કહેવા માંડે છે કે બિચારો પૂછનારો પસ્તાય છે કે ‘ક્યાં આવું પૂછી નાંખ્યું ?’

અને અમુક એવા હોય છે કે ‘વડીલ કેવી રીતે ગયા ?’ એવું પૂછ્યા પછી સામેવાળાની વાત વચમાંથી જ કાપી નાંખીને પોતે ચાલુ પડી જાય છે : ‘અરે બોસ, મારા કાકા વખતે તો જબરું થયેલું…’

*** 

જોકે અમુક લોકોને વડીલ શી રીતે ગયા એમાં રસ જ નથી હોતો. આવા લોકો જરા દૂર બેસીને એવી ચર્ચામાં ડૂબેલા હોય છે કે વડીલની કઈ પ્રોપર્ટીઓઓ કોના કોના ભાગે ગઈ ?

*** 

મહિલાઓમાં વળી જુદું જ હોય છે ! અહીં ભલે સત્તર જાતની વાતો થાય, પણ મનમાં તો એ જ ચાલતું હોય છે કે ‘ફલાણીનો સાડલો બહુ મોંઘામાંનો લાગતો હતો…’ અને ‘ફલાણી ચોથીવાર એકનો એક સફેદ કુરતો પહેરીને આવી છે ! બોલો.’

***

- મન્નુ શેખચલ્લી

Comments