સોશિયલ મીડિયાના વિચિત્ર ન્યૂઝ !

આજકાલ સોશિયલ મિડીયાના ક્રેઝ માટે આપણે હજી એવા જ ન્યુઝ સાંભળ્યા છે કે ‘સેલ્ફી લેવા જતાં યુવાન કેનાલમાં પડી ગયો…’ અથવા ‘ફેસબુક વડે પ્રેમજાળમાં ફસાવીને યુવતી ૪૦ લાખનું કરી ગઈ -’

પરંતુ આગળ જતાં જમાનો એવો આવવાનો છે કે આપણને આવા ન્યુઝ સાંભળવા મળશે..

*** 

૯૦ વરસના અમેરિકન ડોશીને ગુલાંટો મારતાં જોઈને જોશમાં આવી ગયેલા ૭૦ વરસનાં ગુજરાતી માજી ગુલાંટ મારવા જતાં ડ્રોઈંગરૂમમાં પછડાયા… ચાર હાડકામાં ફ્રેકચર !

*** 

પોતાની ફેસબુકવાળી પ્રેમિકા હકીકતમાં ૫૬ વરસનો પુરુષ નીકળતાં ૨૨ વરસના યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ… ફાયરબ્રિગેડે યુવાનને મોબાઈલ ટાવર ઉપરથી માંડ માંડ સમજાવીને નીચે ઉતાર્યો !

*** 

ઓનલાઈન સર્ચનું તારણ : ‘ઘેરબેઠાં’ બાટલી પહોંચાડવાની સેવા માટેની સર્ચમાં ગુજરાતમાં શિયાળાની સિઝનમાં આવેલો ૨૫ ટકાનો બમ્પર ઉછાળો !

*** 

લખનૌના શાયરનો દાવો : ‘મારી રચેલી ૧૫૧થી વધુ શાયરીઓ સોશિયલ મિડીયામાં ‘ગાલિબ’ અને ‘ગુલઝાર’ના નામે ફરી રહી છે છતાં મને હજી સાહિત્ય અકાદમી તરફથી કોઈ સન્માન મળ્યું નથી !’

*** 

‘સોશિયલ મિડીયામાં વધારે વ્યુ, વધારે લાઈક અને વધારે સબસ્ક્રીપ્શનો શી રીતે મેળવવાં ?’ એ વિષય ઉપર ફ્રી ઓનલાઈન સેમિનાર યોજાશે…

નોંધી લો તારીખ અને સમય…

*** 

ઉપરોક્ત સેમિનારને દસ દિવસ પછી પણ માત્ર ૩૭ વ્યુઝ મળતાં આશ્ચર્ય !

*** 

વિચિત્ર રેકોર્ડ… તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મને સોશિયલ મિડીયામાં જેટલા રિવ્યુઝ મળ્યા હતા તેનાથી અડધા દિવસ પણ એ ફિલ્મ ચાલી નહીં !

*** 

સતત ફ્લોપ થઈ રહેલા ફિલ્મ સ્ટારે પોતાના છૂટાછેડાની અફવા પોતે જ ફેલાવી હોવાનો ઘટસ્ફોટ થતાં સોશિયલ મિડીયામાં ખળભળાટ !

ફેક્ટ ચેક કરતાં ખબર પડી કે એ ફિલ્મ સ્ટારના કદી લગ્ન થયાં જ નહોતાં ! કેમકે એ લગ્નની અફવા પણ તેણે જાતે જ ફેલાવી હતી… બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments