રિસેપ્શનોમાં નવી સિસ્ટમો લાવો !

જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે તેમ તેમ લગ્નોમાં પણ નવા રીવાજો લાવવાની જરૂર ઊભી થઈ રહી છે. અમારાં કેટલાંક સજેશનો…

*** 

ટોકન સિસ્ટમ…
રિસેપ્શનમાં સ્ટેજ ઉપર જઈને ફોટા પડાવવા માટે જે લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે એના બદલે ‘ટોકન’ સિસ્ટમ રાખો ને ? નંબર ડિસ્પ્લે થાય ત્યારે જ ઊભા થવાનું ! બેન્કની જેમ…

*** 

પ્રાયોરીટી’ સિસ્ટમ…
આ કડકડતી ઠંડીમાં જે કન્યાઓ અને બહેનો સ્લીવલેસ તથા બેક-લેસ વેશભૂષામા આવે છે એમની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી ‘પ્રાયોરીટી’ના ધોરણે વહેલી પતાવી દેવી ! જેથી તેઓ નિરાંત શાલ ઓઢીને ફરી શકે…

*** 

કંપ્લેન બોક્સ’ સિસ્ટમ…
‘ફલાણી વાનગી કંઈ ખાસ નહોતી’ ‘ઢીકણી વાનગી સાવ મોળી હતી..’ ‘આઈસ્ક્રીમ ઠંડો નહોતો’ ‘સુપ ગરમ નહોતો’ ‘મરચાં તીખાં નહોતાં’ ‘ઢોંસાવાળો સાવ ઢીલો હતો’… અને ‘ફલાણી વાનગીનું કાઉન્ટર તો મને જડ્યું જ નહીં…’

આવી ફરિયાદો માટે મંડપની બહાર જતાં પહેલાં એક ‘કંપ્લેન બોક્સ’ રાખો…

*** 

લોટરી’ સિસ્ટમ
ખાસ કરીને અમુક ખાસ વાનગીઓનાં ‘લાઈવ’ કાઉન્ટરો ઉપર જે પડાપડી અને ધક્કા-ધક્કી થાય છે તેને એવોઈડ કવા માટે ‘લોટરી’ સિસ્ટમ રાખો ! જેને ‘લાગે’ તેને પહેલાં મળે… આઈપીઓના એલોટમેન્ટ જેવું !

*** 

પોસ્ટર’ સિસ્ટમ…
ખાધા પછી જ્યા એંઠી ડીશો મુકવાની હોય છે ત્યાં મોટાં મોટાં પોસ્ટર મુકાવો… ‘અન્નનો બગાડ એ બહુ મોટું પાપ છે !’

*** 

સીસીટીવી’ સિસ્ટમ…
એ જ ઠેકાણે સીસીટીવી પણ મુકાવો ! અને એનું ‘લાઈવ પ્રસારણ’ પણ ચાલુ રાખો… જેથી ખબર પડે કે કોણે કેટલો બગાડ કર્યો છે !

*** 

ગિફ્ટ વાઉચર’ સિસ્ટમ
યાર, સામટાં છ-છ કુકરો, બાર-બાર ક્રોકરી સેટ, અઢાર અઢાર વૉલ ક્લોક અને એકાદ-બે વાંચી જ ન શકાય એવી ચાંપલી ચોપડીઓનું શું કરવાનું ? એના કરતાં ડાયરેક્ટ ગિફ્ટ વાઉચરો આપી દો ને… એમાંથી મસ્ત નવું છપ્પન ઇંચનું સ્માર્ટ ટીવી આવી જાય ! શું કહો છો...

***

- મન્નુ શેખચલ્લી

Comments