રાજ્યે રાજ્યે ઠંડી ભિન્ના !

ઉત્તર ભારતમાં કોલ્ડ-વેવ ચાલી રહ્યું છે, પરંતુ દેશમાં જે રાજકીય ગરમી છે એના કારણે અલગ અલગ રાજ્યોમાં ઠંડીની જુદી જુદી અસર થઈ રહી છે ! જુઓ…

*** 

મણિપુરમાં…
રાતના સમયે એક કીટલી પાસે આઠ-દસ યુવાનો ગરમ કાળો પીતા બેઠા છે. એવામાં એક યુવાન કહે છે :
‘યાર, બહુ ઠંડી લાગે છે. ચાલોને, એકાદ બસ સળગાવી દઈએ !’

*** 

કાશ્મીરમાં…
બોર્ડરથી આ બાજુ ઘુસણખોરી કરીને જંગલમાં ફસાઈ ગયેલા બે આતંકવાદીઓ વરસતા બરફમાં એક ઝાડ નીચે ઠુઠવાતા બેઠા છે. એક આતંકવાદી ધાબળામાંથી સહેજ મોં બહાર કાઢતા બળાપો કાઢે છે :

‘મૈંને કમાન્ડર સા’બ કો પહલે હી બોલા થા, દો-દો કંબલ ઔર દે દિજીયે… મગર વો બોલે, કિ ઉસ કે લિયે વર્લ્ડ બેંક સે નયા લોન લેના પડેગા !’

*** 

દિલ્હીમાં…
કોંગ્રેસ કાર્યાલયના ચોગાનમાં આઠ દસ કાર્યકરો તાપણું કરીને બેઠા છે. પણ હવે એ તાપણું પણ સળગીને ઠરી જવાની તૈયારીમાં છે.

એવામાં એક કાર્યકર કહે છે : ‘યાર પેલાં મોદી-અદાણી વિરુદ્ધનાં પોસ્ટરો પડ્યાં છે, એ લઈ આવો ને ? ઇન્ડિયા ગઠબંધનમાં નહીં, તો કમ સે કમ, આપણા તાપણામાં તો ગરમી આવશે ?’

*** 

પશ્ર્ચિમ બંગાળમાં…
ધોળે દહાડે, ભર બપોરે એક ભાજપી નેતા ગળે મફળર, માથે ટોપી અને શરીરે ધાબળો ઓઢીને ઠૂંઠવાતા બેસી રહ્યા છે.
એમના પત્ની કહે છે : 

‘ક્યારના ઘરમાં બેસીને ઉહુહુહુ… ઉહુહુહુ… કર્યા કરો છો એના કરતાં બહાર જઈને બાંગ્લાદેશમાં થતા હિન્દુ-અત્યાચાર સામે બે-ચાર ભાષણો ઠોકી આવો ને… આપોઆપ શરીરમાં ગરમી આવી જશે !’

*** 

અને અમદાવાદમાં….
ચાર અમદાવાદી ઘરના ખૂણે દારૂ પીતા બેઠા છે. એમાંનો એક છાપું બતાડીને કહે છે :

‘જોયું ? આબુમાં ૧.૪ ડીગ્રી ઠંડી છે ! ત્યાં બરફ પડી રહ્યો છે ! સારું થયુને, કે આપણે આબુની ટ્રીપ કેન્સલ કરી… નહીંતર દારૂનો ખર્ચો ડબલ ન થઈ જાત ?’

***
- મન્નુ શેખચલ્લી

Comments