શિયાળામાં રજાઈ-શાયરીઓ !

આવા મસ્ત શિયાળામાં પ્રિયતમા પછી (અથવા પ્રિયતમા સિવાય) જો કોઈ ચીજ સૌથી વધુ વ્હાલી લાગતી હોય તો તે છે… રજાઈ !

ગોદડી, ગોદડું, ધાબળો જેવા વિવિધ નામે ઓળખાતી આજકાલની આ શયન-સખી માટે પ્રસ્તુત છે થોડી પેરોડી શાયરીઓ…

*** 

(‘મેમરી’ શાયરી)
આપણે એકાંતમાં
ક્યારે ભેગાં, ક્યાં થયાં ?
યાદ છે… એક જ રજાઈ
આપણી વચ્ચે હતી !

*** 

(‘સેપરેશન’ શાયરી)
વીતાવી મેં વિરહની રાત
ધ્રુજતા દાંત ગણી ગણી
કરું શું, મારી પાસે
તારી રજાઈ હતી નહીં !

*** 

(‘હોરર’ શાયરી)
હશે કારણ કોઈ બીજું
કે હું થથરી ગયો હોઈશ
ભૂતોથી ડરતો નથી
રજાઈમાં ખસી ગયો હોઈશ !

*** 

(‘સિક્રેટ’ શાયરી)
જીવનનો અર્થ દોસ્ત
કાનમાં કહું તને…
એક પ્રેમ, બીજી રજાઈ
આ બે જ શોધ છે !

*** 

(‘પનીશમેન્ટ’ શાયરી)
રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
તાપણું ઠર્યું, બારણું પોલું
હું રજાઈની જેલનો કેદી
તડકાઓના જામીન શોધું !

*** 

(‘પોસ્ટ-મોર્ટમ’ શાયરી)
અંગ અક્કડ, શ્વાસ ઠંડા
એટલે થઈ ગયાં હશે
સોડ તાણી લાંબી, પણ
રજાઈમાં બે કાણાં હશે !

*** 

(‘શ્રધ્ધાંજલિ’ શાયરી)
અમારા દોસ્તોનો જરા
આ પ્યાર જોઈ લો…
જનાજો નીકળ્યો ત્યારે
આવી ગયા છે ધાબળો દેવા !

*** 

(‘ગુડનાઈટ’ શાયરી)
બે અમારી વેંત સજનવા
બે તમારી વેંત સજનવા
વચ્ચેથી ગાયબ, પછી તો
રજાઈમાં આખું વિશ્વ, સજનવા !

*** 

(‘ફોરકાસ્ટ’ શાયરી)
ફરી દિલમાં બેકરારી છે
ચોટ ખાવાની ઇંતેજારી છે
આબુમાં ડિગ્રી માઈનસ ચાર
અહીં સ્ટોકમાં બાટલી ખાલી છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments