ગુલાબી ઠંડીના ગુલાબી સવાલો !

શિયાળાની ઠંડીના ગુજરાતીમાં ત્રણ પ્રકાર છે : ‘ગુલાબી’ ઠંડી, ‘કડકડતી’ ઠંડી અને ‘થીજાવી નાંખતી’ ઠંડી…

હાલમાં જે ‘ડીપ ગુલાબી’ ઠંડી ચાલી રહી છે એમાં અમુક ‘લાઈટ ગુલાબી’ પ્રશ્નો છે !

*** 

સૌથી પહેલાં તો શિયાળામાં લગાડવા માટે જે ક્રીમ આવે છે એને ‘કોલ્ડ ક્રીમ’ કેમ કહે છે ? યાર, ‘વોર્મ ક્રીમ’ નથી તમારી પાસે ?

*** 

બીજું, જાહેર હિતમાં એક સવાલ થાય છે કે માત્ર શિયાળા પુરતી ગુજરાતમાં દારૂબંધીને ‘હળવી’ ના કરી શકાય ?
(કમ સે કમ ભાવ તો હળવા કરો?)

*** 

અમુક સમસ્યાઓ ઝીણી છે પણ વિચિત્ર છે. જેમ કે સાલું, લાંબી બાંયનું સ્વેટર પહેર્યા પછી સૌથી મોટી તકલીફ એ છે કે અંદર જે શર્ટની બાંયો વિચિત્ર રીતે ખેંચાઈ જાય છે તેને સરખી શી રીતે કરવી ?

*** 

અડધી બાંયનું સ્વેટર ફીટોફીટ સાઈઝનું હોય તો બગલમાં ચપટી આવી જાય છે ! અને જો મોટી સાઇઝનું હોય તો બગલમાંથી ઠંડી હવા અંદર ઘૂસી જાય છે !

*** 

માથે પહેરવાના ટોપા અને ટોપીઓથી છોકરાઓની હેર-સ્ટાઈલની પથારી ફરી જાય છે ! સવારે કોલેજ જતી વખતે ટોપી પહેર્યા વિના છૂટકો નથી અને બપોરે ક્લાસમાં ગરમી લાગે ત્યારે ટોપી કાઢીએ તો વાળ ટીવીના એન્ટેનાની જેમ વાંકાચૂકા થઈને ઊભા હોય છે !

*** 

જોકે છોકરીઓ માટે ‘ફાટેલાં સ્વેટરો’ની ફેશન નથી નીકળી એ સારું છે !

*** 

સવારે નહાતાં પહેલાં કપડાં કાઢતી વખતે ધ્રુજારી છૂટે છે, એ તો સમજયા, પણ યાર ગરમ પાણીથી નહાયા પછી જ્યારે બાથરૂમમાંથી બહાર નીકળીએ છીએ ત્યારે પણ ધ્રુજારી છૂટે છે… એનું શું કરવાનું ?

*** 

જ્યારે ઠંડી વધી જાય છે ત્યારે મોડી રાતે જો પેશાબ લાગે છે તો શેક્સપિયરના હેમ્લેટ જેવી દશા થાય છે ! ‘ટુ બિ, ઓર નોટ ટુ બિ ઇન બેડ ?’

(બીજા શબ્દોમાં કહીએ તો ‘ટુ પી… ઓર નોટ ટુ પી?’)

*** 

અને છેલ્લે… પેલા વેસ્ટર્ન ટોઈલેટમાં જે પિચકારી છૂટે છે એમાં ‘હુંફાળા’ પાણીનો ઓપ્શન કેમ નથી હોતો ?

***

- મન્નુ શેખચલ્લી

Comments