ત્રણ બાળકો પેદા કરશો ?

આરએસએસના વડા શ્રી મોહન ભાગવતે સલાહ આપી છે કે મા-બાપે ત્રણ-ત્રણ બાળકો પેદા કરવાં જોઈએ.
આમાં પ્રોબ્લેમ શું છે, ખબર છે ?

*** 

સૌથી મોટો પ્રોબ્લેમ તો સ્કુલ અને કોલેજોની ફી છે, સાહેબ !
જેટલી સ્પીડે સોનાના ભાવ નથી વધતા એટલી સ્પીડે તો સ્કૂલોની ફી વધી રહી છે ! 
સન ૨૦૦૦માં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૪૦૦ રૂપિયા હતો, આજે ૭૮,૫૦૦ થઈ ગયો છે, પણ…

સાહેબ, સન ૨૦૦૦માં સ્કૂલની ફી ૧૫૦૦ હતી, આજે ૮૦ હજારથી સવા લાખનો ભાવ ચાલે છે ! (એ પણ એક જ સેમેસ્ટરના )

*** 

આજે કેજીનાં બે વરસ, હાયર સેકેન્ડરીનાં બાર વરસ અને કોલેજના ચાર વરસ પછી એક સંતાન મા-બાપને બેથી અઢી કરોડનું પડશે !

આટલો વધારો તો સેન્સેક્સમાં પણ થવાના ચાન્સ નથી ! આમાં તો સંતાન પેદા કરવા માટે ‘સેક્સ’ પણ મોંઘુ પડે !

*** 

સિમ્પલ રીતે કહીએ તો વસ્તી નિયંત્રણ માટે સરકારની જ આ પોલીસી છે કે ભણતરને જ મોંઘુ રાખો !

*** 

તમને શું લાગે છે, આજે સરકારી સ્કૂલોમાં સાવ રેઢિયાળ શિક્ષણ શા માટે રાખ્યું છે ? અરે ભઈ, વસ્તી નિયંત્રણ માટે !

*** 

પ્રાયવેટ સ્કૂલોમાં લાખોની ફી ભરવા છતાં બાળકને વધારાના ટ્યૂશન ક્લાસિસમાં કેમ મુકવા પડે છે ? અરે ભઈ, વસ્તી નિયંત્રણ માટે !

જેથી મમ્મીઓ પોતાના બાળકને ડબલ ડબલ હોમવર્ક કરાવવાના ટેન્શનમાં જ રહે ! આમાં થાય શું… મમ્મી બિચારી થાકી જાય ! એટલે સરવાળે… વસ્તી નિયંત્રણ !

*** 

છતાં ધારો કે સરકાર કોઈ રીતે ભણતરની ફી અડધી કરી નાંખે તો પછી પેદા થનારા એકસ્ટ્રા સંતાનો માટે વધારાની સ્કુલ-વાનો, વધારાની સ્કુલો, વધારાની કોલેજો, વધારાની સ્કુટીઓ-બાઈકો અને ‘બાયકો’ (યાને કે પત્નીઓ) આવ્યા પછી વધારાનાં રહેઠાણો લાવીશું ક્યાંથી ?

- ચીનની જમીન કબજે કરીને ?

*** 

બાકી જે પ્રજાની વસ્તી ઓછી હોય તેનો નાશ થાય છે ? એવું જ હોત તો મુઠ્ઠીભર અંગ્રેજોએ ભારત ઉપર ૨૦૦ વરસ રાજ શી રીતે કર્યું ? (અને મુગલોએ ૩૦૦ વરસ.)

***

- મન્નુ શેખચલ્લી

Comments