જુના જમાનામાં જ્યારે કોઈ ડોબા-લૂઝર-એવરેજ છોકરાની વાટ લાગતી તો એ પોતાની જાતને કહી શકતો કે ‘ટોપા, નસીબમાં આ જ છે, વૈતરું કર.. વૈતરૂં !’
પણ આજે ? પોઝિટીવીટીનાં પૂર આવ્યાં છે ! અને એમાં જ બિચારા એવરેજ લોકોની વાટ લાગી છે…
***
બધી છોકરીઓ છોકરાઓ જોડે ફોટા પડાવતી હોય… બધા છોકરાઓ સ્ટાઈલમાં હોય.. ત્યારે શું લૂઝરની હિંમત છે કે ફેસબુકમાં લખે કે ‘ફિલીંગ લાઈક શીટ ! નો બડી લવ્ઝ મિ…’
ભૂલેચૂકે આવું લખે ત્યાં તો આખી દુનિયા તૂટી પડે છે : ‘બિ પોઝિટીવ…!’
***
ઉપરથી પેલા મોટીવેશનલ થિન્કીંગવાળા દાટ વાળે છે ! એ લોકો સતત એક જ પિપૂડી વગાડે છે : ‘એવરીબડી ઇઝ સ્પેશીયલ ! ભગવાને દરેકમાં એક ખાસ શક્તિ મુકી છે… તમારે એને શોધી કાઢવાની છે !’
જાણે કે ઉપર બેઠેલો ભગવાન, દુનિયામાં રોજ જે ૧,૩૭,૬૮૯ ડિલીવરીઓ થાય છે એમાં દરેકને માટે ‘યુનિક’ ટેલેન્ટો શોધી શોધીને ફીટ કરવા માટે નવરા બેઠા છે !
***
અને હલો, ‘અંદર’ રહેલી એ શક્તિને શોધવાની શી રીતે ?
આ કંઈ ફૂલ-ટાઈમ પઝલ ગેમ છે ? આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામ છે ? કે પછી સાયન્સનો સિલેબસ બહારનો કોઈ લેબોરેટરીનો પ્રયોગ છે? ત્રાસ છે ભૈશાબ…
***
બોસ, હકીકત એ છે કે ૯૯ ટકા લોકો સ્પેશીયલ નથી હોતા ! પેલા સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે જે તૈમૂર નામનો બાબો જન્મ્યો છે ને, એ સ્પેશીયલ છે !
(સોનિયા ગાંધીના બાબામાં અલગ ટાઈપની સ્પેશીયાલિટી છે.)
***
અને શું બધાએ, ‘સ્પેશીયલ’ કામો જ કરવાનાં છે ? તો પછી ટ્રાફિક હવાલદાર કોણ બનશે ? રીક્ષાઓ અને ટેક્સીઓ કોણ ચલાવશે ? એમેઝોન અને સ્વીગીની ડિલીવરીઓ કોણ કરવા જશે ? અરે, સરકારી ઓફિસોમાં બેઠાં બેઠાં બગાસાં કોણ ખાશે ?
***
આમાં ને આમાં ૧૦૦માંથી ૮૫ જણા જે ‘ઓર્ડિનરી’ છે એ બિચારા ‘નેગેટિવ’ થઈને વિચારી રહ્યા છે કે ‘યાર હું ‘પોઝિટીવ’ કેમ નથી ?’ બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment