હાઈરાઈઝ એપાર્ટમેન્ટનું વોટ્સએપ !

તમે પોળમાં રહો છો ? ચાલીમાં ? ટેનામેન્ટવાળી સોસાયટીમાં ? તો સુખી છો !

કેમકે જો ઊંચા ઊંચા ટાવરવાળા મોંઘા એપાર્ટમેન્ટોમાં રહેતા હો અને એના વોટ્સએપ ગ્રુપમાં હો તો…

*** 

એક તો સવાસોથી દોઢસો જેટલા ફેમિલીમાંથી તમે માંડ દસ-બારને ઓળખો છો. એટલે ગ્રુપમાં જે ૩૧ ‘અગ્રવાલ’ છે, ૪૮ ‘પટેલ’ છે, અને ૬૫ જેટલા ‘નોન-ગુજરાતી’ છે એમાંથી એકેયના ફ્લેટ નંબર સાથે એમના ફેસ મેચ કરી શકતા નથી.

*** 

એમાંય, જે લોકો સોસાયટીના છેલ્લા ઇલેક્શનમાં હાર્યા છે એમનો કકળાટ સતત ચાલુ જ હોય છે… 

‘બી’ બ્લોકનો કચરો હંમેશા કેમ મોડો સાફ થાય છે ?'
‘એ’ બ્લોકમાં ચેરમેન-સેક્રેટરી રહે છે એટલે બધું મેન્ટેનન્સ ત્યાં જ કરવાનું છે ? મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટર સાથે શું સાંઠ-ગાંઠ છે ?'

તમને થાય કે યાર, આ વોટ્સએપ ગ્રુપ છે કે સંસદ ભવન ?

*** 

ઝગડા તો અલગ જ લેવલના હોય છે 
‘મિસિસ ફલાણીએ મારી કામવાળી છીનવી લીધી છે…’ ‘

'મિસ્ટર ફલાણા રોજ માત્ર ટુવાલ પહેરીને બાલ્કનીમાં બ્રશ કેમ કરે છે ? મારી વાઈફને એ જરાય પસંદ નથી…’ 

‘શરમ કરો, દોઢ કરોડનો ફ્લેટ ખરીદ્યો છે છતાં બાલ્કનીમાં ચણિયા સૂકવો છો.. ?’

*** 

કંપ્લેનો પણ ઊંચા લેવલની હોય છે ! ‘અમે છેલ્લા ચાર વરસથી સ્વિમિંગ પૂલનો યુઝ જ નથી કર્યો. તો એટલા પૈસા મેન્ટેનન્સમાંથી પાછા કેમ ના મળે ?’ 

સામે બીજી ફરિયાદ હોય કે ‘સોસાયટીના જિમનો યુઝ ફક્ત પંદર જણા કરે છે. તો શું એમની બોડી મેન્ટેન રાખવા માટે જ અમે મેન્ટેનન્સ ભરીએ છીએ ?’

*** 

જેમણે ‘પપી’ અને ‘ડોગી’ પાળ્યાં છે એમનું અલગ જ તૂત છે… ‘એપાર્ટમેન્ટમાં ગંદા સ્ટ્રીટ ડોગ્સને ખાવાનું કોણ આપે છે ?’ 

‘ફલાણી મેડમનો વાઘ જેવો ડોગ જોઈને મારી બેબીને રોજ પીપી થઈ જાય છે, એના માટે શું કરવાનું છે ?’ 

'ફલાણા નંબરનો ડોગી રોજ લિફ્ટમાં જ પોટી કરે છે, એનો દંડ થવો જોઈએ !’

*** 

આવી તડાફડીમાં બેઝમેન્ટની લિફ્ટમાં ફસાયેલા એકાદ સિનિયર સિટીઝનના મેસેજ ઉપર કોઈનું ધ્યાન જ નથી પડતું કે...

'હું ભૂલી ગયો છું કે હું કયા બ્લોકમાં, કયા માળે, કયા નંબરના ફ્લેટમાં રહું છું ? મારા મોબાઈલમાં ટાવર પણ પકડાતો નથી… પ્લીઝ હેલ્પ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments