આજકાલ સિનીયર સિટીઝન હોવું એ કંઈ સોશીયલ સ્ટેટસ ગણાય છે. ખાસ કરીને સિનિયર સિટીઝનોના વોટ્સ-એપ ગ્રુપમાં !
આ વડીલોની દશા પણ અનોખી છે ! સાંભળો એક વડીલના મોઢે…
***
જમાનો ખરાબ છે… હું એક ‘એન્ટિક શોપ’માં ગયો હતો. તો એ લોકો મને બહાર નીકળવા નહોતા દેતા !
પછી મેં કહ્યું કે મને એવી બિમારી છે કે મારો પેશાબ ગમે ત્યારે છૂટી જાય છે, ત્યારે એમણે મને ‘ક્લીન-ચિટ’ આપી.
***
મેં એક મોલમાં જઈને પૂછ્યું કે તમારી પાસે એડલ્ટ સાઇઝના ડાઈપર્સ છે ? તો એણે મને પૂછ્યું કે ‘અહીં પહેરશો કે ઘરે લઈ જવાં છે ?’
***
આ ઉંમરે મને ડેટિંગ કરવાનો શોખ થયો. મેં મારી ઉંમરના લોકો માટેનું ડેટિંગ એપ પણ શોધી કાઢ્યું છે. એનું નામ છે ‘કાર્બન ડેટિંગ’ !
***
મારા ચશ્મા તૂટી ગયા હતા. હું નવા ચશ્મા માટે નંબર કઢાવવા ગયો. ડોક્ટરે મારી સામે બોર્ડ ધરીને અક્ષરો, શબ્દો અને વાક્યો વાંચવા કહ્યું.
ડઝન વાર વંચાવ્યા છતાં, અને ડઝન ટાઈપના કાચ બદલ્યા છતાં ડોક્ટર મારી આંખના નંબર શોધી શક્યો નહીં. છેવટે એણે મારી તકલીફ શોધી કાઢે. એણે કહ્યું : ‘વડીલ, પહેલાં તમારું દાંતનું ચોકઠું પહેરો, પછી વાંચો…’
***
મારી યાદશક્તિ નબળી પડતી જાય છે. મેં ક્યાંક વાંચ્યું કે એને ‘અલ્ઝાઈમર’ કહે છે. હું એના ઇલાજ માટે ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે મને દવા લખી આપી. પછી ૫૦૦ રૂપિયા કન્સલટેશન ફી માગી.
મેં કહ્યું ‘શેની ફી ? અને હલો, મેં તમને ક્યાંક જોયા છે !’
***
મારો એક મિત્ર છે એની કીડનીઓ ખરાબ થઈ ગઈ છે. હાર્ટમાં ત્રણ સ્ટેન્ટ નંખાવેલાં છે, ફેફસામાં ઇન્ફેકશન છે, ઘુંટણ નકામા થઈ ગયાં છે, લીવર પણ ડેમેજ છે… એ મને કહે છે ‘દોસ્ત, મરતાં પહેલાં મારે દેહદાન કરવું છે. કોઈ સારી હોસ્પિટલ સજેસ્ટ કર ને.’
મેં એને કબાડીનું સરનામું આપ્યું તો હવે એ મારી જોડે બોલતો જ નથી ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment