નવરાત્રિના નવ ત્રાસ !

આજકાલ નવરાત્રિમાં ગરબા રમવા જાવ તો નવ ત્રાસ છે… 

*** 

ત્રાસ નંબર (૧)
પાર્કિંગ એરિયામાં ચાર ચક્કર માર્યા પછી માંડ એકાદ જગ્યા મળી હોય ત્યાં ગાડી ઘૂસાડીને, પાર્ક કરીને ચાવી કાઢતા હોઈએ ત્યારે જ ‘ઓ… અહીં નહીં… ત્યાં પાર્ક કરો…’ એવું કહેનારા સિક્યોરીટીનો ત્રાસ !

*** 

ત્રાસ નંબર (૨)
‘તું ક્યાં છે ? જોડે કોણ છે ? વિડીયો કોલ કરીને બતાડ…’ એવું વારંવાર ફોન કરી કરીને ચેક કરતી મમ્મીઓનો ત્રાસ !

*** 

ત્રાસ નંબર (૩)
બે એકસ્ટ્રા પાસ શું લઈ આપ્યા હોય, એમાં તો પોતાની બાઈકમાં પેટ્રોલ પુરાવડાવે, બે વાર ગરબામાં નાસ્તો ખાઈ જાય, પાછા વળતાં આઈસ્ક્રીમનું ‘યાદ કરાવે’… એટલું જ નહીં, તમારી ગર્લફ્રેન્ડો જોડે સેલ્ફીઓ લીધા પછી એમના ફોન નંબરો પણ ધરાર માગી જ લે, એવા દોસ્તોનો ત્રાસ !

*** 

ત્રાસ નંબર (૪)
ગરબા રમતા હોઈએ ત્યારે બરાબર આપણી આગળ આવીને તીતીઘોડાની જેમ ઠેકડા માર્યા કરતા રોંચાઓનો ત્રાસ !

*** 

ત્રાસ નંબર (૫)
એવી છોકરીઓ, જે મીઠી મીઠી વાતો કરીને, પાસ મંગાવે, બાઈકની પાછલી સીટ પર બેસીને જોડે પણ આવે… પણ પછી ગરબામાં એન્ટ્રી મળતાં જ બીજા છોકરાઓ સાથે ગાયબ થઈ જનારી ‘બેવફા’નો ત્રાસ !

*** 

ત્રાસ નંબર (૬)
રમઝટ જામેલા સર્કલમાંથી જેવી ચાર છોકરીઓ બહાર નીકળી જાય કે તરત તાલ છોડીને વેરવિખેર થઈ જતા બીજા બાર છોકરાઓનો ત્રાસ !

*** 

ત્રાસ નંબર (૭)
અંકલ આવ્યા હોય ધોતિયું-કેડિયું પહેરીને, પણ સતત ખિચું, ખમણ અને ખાંડવી જ ખાધા કરતા હોય ! છે ને ત્રાસ !

*** 

ત્રાસ નંબર (૮)
ધરાર ૯૦૦ રૂપિયાનો પાસ લેવડાવીને સાથે આવ્યા પછી ખૂણામાં બેઠાં બેઠાં ‘અરેરે… સંસ્કૃતિનું શું થશે…’ એવાં રોદણાં રડતાં વડીલનો ત્રાસ !

*** 

ત્રાસ નંબર (૯)
અને છેલ્લે, બરોબર રમઝટ જામી હોય ત્યારે સ્પીકરો બંધ કરાવવા આવતી પોલીસનો ત્રાસ !

***

- મન્નુ શેખચલ્લી

Comments