આજે કાળીચૌદશ છે. આજની રાતે પલીત, ડાકણ વગેરેનો મહિમા થાય છે. તો આવો, થોડી એમની જ જોક્સ સાંભળીએ…
***
એક ભૂત બીજા ભૂતને પૂછે છે ‘અલ્યા, તારા માથામાં આવડું મોટું ઢીમચું શી રીતે થયું ?’
‘વાત જવા દે ને યાર, હું એક બારણાની ચાવીના કાણામાંથી ઘૂસવા જતો હતો. એ જ વખતે કોઈએ સામેથી ચાવી ઘૂસાડી !’
***
એક ભૂત મધરાતના ગાઢ અંધારામાં આંબલીની એક ડાળીથી ઉડતું ઉડતું બીજી કોઈ આંબલી તરફ જઈ રહ્યું હતું.
ત્યાં એને બીજું ભૂત અથડાયું !
આ ભૂત કહે છે ‘દેખાતું નથી ?’
બીજું ભૂત કહે છે ‘તું પોતે જ નથી દેખાતું, તો બીજાને ક્યાંથી દેખાય ?’
***
અમદાવાદમાં રહેતી એક ડાકણની મા છેક ગોવાથી પોતાની દિકરીને મળવા માટે અહીં આવતી હતી, દિકરીને સાવ સૂકાઈ ગયેલી જોઈને તેણે પૂછ્યું :
‘દિકરી, કેમ આટલી માંદલી દેખાય છે ? લોકોનાં લોહી નથી પીતી કે શું ?’
અમદાવાદની ડાકણ કહે છે. ‘ક્યાંથી પીએ ? અમદાવાદનાં બૈરાં જ એમનાં પતિઓનું બધું લોહી પી જાય છે !’
***
કાળી ચૌદશની રાતે લગભગ બે અઢી વાગે એક ભૂત રખડતું ફરતું પોતાના ઘરે (આંબલીની ડાળીએ) પાછું આવ્યું.
ભૂતની બૈરીએ એનો ઉઘડો લેતાં પૂછ્યું : ‘આટલી મોડી રાત સુધી ક્યાં રખડતા હતા ?’
ભૂત કહે છે : ‘શહેરના બધા ચાર રસ્તે ફરી ફરીને ચાર ડઝન જેટલાં લીંબુ ઉપાડી લાવ્યો છું ! લે, એનાં અથાણાં બનાવજે !’
***
એક ભૂતનું નાનું બચ્ચું અંધારામાં રમતું રમતું અમદાવાદના ચંડોળા તળાવે પહોંચી ગયું.
પણ થોડી જ વારમાં તે ડરતું, ગભરાતું, ધ્રુજતું, ફફડતું પોતાની મા પાસે આવીને વળગી પડ્યું.
ભૂતડી પૂછે છે ‘શું થયું ? કેમ આટલું બધું ડરી ગયેલું લાગે છે ?’
ભૂતનું બચ્ચું કહે છે ‘ત્યાં ચંડોળા તળાવમાં સેંકડો ભૂતિયા મતદારો રીતસર ઝુંપડાં બાંધીને રહે છે !’
***
ભૂતડીનાં પાંચ બચ્ચાં એમની મા પાસે આવીને કકળાટ કરવા લાગ્યાં : ‘અહીં આંબલી ઉપર રમવાની જગ્યા જ નથી. બધા ભૂતડાં ધક્કામુક્કી કરે છે.’
ભૂતની મા કહે છે ‘ચિંતા ના કરો, સરકાર નવી ગરીબ આવાસ યોજનામાં તકલાદી એપાર્ટમેન્ટો બનાવી જ રહી છે. એ ખાલી જ પડ્યાં હશે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment