ધનતેરસનાં નવાં ધન !


આમ પણ આજકાલ પૂજામાં રૂપિયાનો સિક્કો મુકવો હોય તો મળતો નથી. પાંચ અને દસ રૂપિયાની નોટો પણ ‘એન્ટિક’માં જતી રહી છે ! એ હિસાબે આપણાં ‘નવાં  ધન’ કેવાં છે તે જાણી લેવું જરૂરી છે…

*** 

બેલેન્સ ધન / રિ-ચાર્જ ધન
થોડા વરસ પહેલાં એને ‘ટોક-ટાઈમ’ કહેતા હતા. જે મોબાઈલની ‘લાઈફ-ટાઈમ’ સ્કીમ હેઠળ આવતો હતો. હવે એને ‘બેલેન્સ’ કહે છે ! (મેન્ટલ કે ફિઝિકલ એ તમે જાણો.)

આમાં ઘણીવાર ગર્લફ્રેન્ડ સાથે ‘લવ’નું બેલેન્સ જાળવવું હોય તો એ છોકરીનું ‘બેલેન્સ’ સરખું કરી આપવાથી લવમાં ‘રિ-ચાર્જ’ થાય છે !

*** 

લુડો ધન / કેન્ડી ક્રશ ધન
ગરદન જકડાઈ જાય ત્યાં સુધી રમી રમીને લોકો (ખાસ તો બહેનો) હજારો અને લાખો પોઈન્ટ્સનું ધન જમા કરે છે ! જોકે એ ધન વડે નાનકડો હાથરૂમાલ પણ એક્સ્ચેન્જમાં મળતો નથી ! (એના માટે તો પ્યાલા-બરણી જ જોઈએ.)

*** 

શેર-સ્ટોક ધન
આ ધન ઇલાસ્ટિક જેવું સ્થિતિસ્થાપક હોય છે. બજાર ઊંચું જાયતો કાગળિયાંની કિંમત વધી જાય છે અને ઇરાન કે યુક્રેનને છીંક આવે તો લાખો કરોડોનું મૂડી-ધોવાણ થી જાય... એટલું બધું ‘મૂડી’ હોય છે આ ધન !

*** 

વોટ ધન
વોટ બેન્ક હોય તો વોટ ધન શા માટે નહીં ? અરે, આ વોટ ધનને સાચવવા માટે તો નેતાઓ શું શું નથી કરતા ? કોટની ઉપર જનોઈ પહેરે છે અને ઉનાળામાં પણ ઊનની ટોપી પહેરે છે !

*** 

ફોલોઅર્સ ધન / વ્યુઝ ધન
સોશિયલ મિડીયામાં કોના કેટલા ફોલોઅર્સ છે ? એના હિસાબે અમુક સેલિબ્રિટીઝની ‘બ્રાન્ડ વેલ્યુ’ નક્કી થાય છે ! એ જ રીતે યુ-ટ્યુબમાં કેટલા વ્યુઝ મળે છે એના હિસાબે પૈસા મળતા હોવાનું કહેવાય છે. જોકે ફોલોઅર્સ અને વ્યુઝ આ બંને ‘ધન’ વડે ખરીદવામાં પણ આવે છે.

*** 

જન-ધન
એટલે જનતાનું ધન ! જેને બાપનો માલ સમજીને ભ્રષ્ટાચારીઓ પોતપોતાની તિજોરીઓ ભરતા રહે છે... હેપ્પી ધનતેરસ.

***

- મન્નુ શેખચલ્લી

Comments