રેલ્વેમાં અપ-ડાઉન કરનારા પાસધારકોના જે રીતે પ્રશ્નો છે અને ન્યુસન્સ પણ છે, એ જ રીતે નવરાત્રિમાં પાસ-ઘેલા લોકોનું પણ એવું જ છે ! જુઓ નમૂના…
***
પરચૂરણની જેમ માગનારા
રીક્ષામાંથી ઉતરીને પાનને ગલ્લે જઈને ‘બોસ. ૫૦૦ના છૂટ્ટા ખરા?’ એવું જ કેઝ્યુઅલ રીતે પૂછનારા હોય છે, બિલકુલ એવા જ નમૂના તમને ગરબાના પ્લોટની બહાર ગેટ પર ઉભેલા મળશે. ‘બોસ, એકસ્ટ્રા પાસ ખરા ?’
***
ઓળખાણ યાદ કરાવનારા
સ્કૂલમાં કે કોલેજમાં છોકરાને સામું સ્માઈલ પણ ના આપતી હોય એવી ‘બહેનપણીઓ’ આ સિઝનમાં ફૂટી નીકળે છે ! (એમાં બાબો પલળી પણ જાય છે, ઘણીવાર) એ સિવાય...
‘યાદ છે, આપણે સ્ટેશન પર મળેલા?’ અથવા ‘ભૂલી ગયા ? મેં તમને લિફ્ટ આપેલી ?’થી માંડીને ‘પ્રભુ, ફેસબુકમાં હું તમારી દરેક પોસ્ટને લાઈક મારું છું’ જેવી ઓળખાણો યાદ કરાવીને પાસ માગનારા પડ્યા છે.
***
ઇમોશનલ ડ્રામા કરનાર
‘મારી સિસ્ટર છેક કેનેડાથી આવી છે, મેં એને પ્રોમિસ કર્યું છે, યાર ! હવે બધું તારા ઉપર છે…’ ત્યાંથી માંડીને ‘યાર, બે પાસનું આપને ? મારો બોસ ખુશ થશે તો મારી નોકરી બચી જશે. નહિંતર..’
એ તો ઠીક, અમુક નમૂનાઓ તો પોતાના વડીલોનો જીવ જોખમમાં મુકવા તૈયાર હોય છે : ‘અંકલને કેન્સર છે… એમની બસ, છેલ્લી ઇચ્છા છે કે નોરતાં જોવાં છે..’
(પછી ભલેને ગરબામાં એની પાડોશણને લઈને જાય? )
***
એક્સચેન્જ ઓફરવાળા
‘અમારી પાસે ગોતા બાજુના ચાર પાસ આયેલા છે. પણ ફાવે એવું નથી. તમારી કને સેટેલાઈટ બાજુના કોઈ પાસ ખરા ?’ એવા તો ખરા જ. પણ ‘અમારી કોલેજની બાર છોકરીઓ જેમાં જવાની છે એ ૫૦૦ વાળા સાત પાસ છે, પણ તું તારા કર્ણાવતીના ચાર આપતો હોય તો વિચારું…’ એવી પણ એક્સચેન્જ ઓફરો ચાલતી હોય છે.
***
‘સાહેબે કીધું છે’વાળાં
મિનિસ્ટરો, નેતાઓ, સરકારી અધિકારીઓ, પોલીસ અફસરો અને ‘મોટાં માથાં’ના અસલી તેમજ નકલી સાળાઓ, ભાણિયાઓ તેમજ પી.એ… એમની રિક્વેસ્ટ નહીં, હૂકમ જ આવે ! તમે જો ના પાડો તો ‘ના-પાસ’ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment