દિવાળી પહેલાં આપણે ઘરનાં માળિયાંની સફાઈ કરવાનો રીવાજ છે. એ જ રીતે આપણા મોબાઈલનાં માળિયા પણ સાફ કરવાનું રાખવું જોઈએ ! પ… ણ….
આજના યંગસ્ટર્સનાં મોબાઈલનાં માળિયામાં શું શું હોય છે ? એક સરખામણી…
***
જે લોકો ફીફ્ટી પ્લસ છે એમની પાસે મેમરીઝની હાર્ડ કોપી હોય છે. મતલબ કે ફોટાનાં ‘આલ્બમો’ !
એમાં ફોટા કેવા હોય છે ? યાદ કરો –
‘જુઓ, આ ફોટો અમારા મેરેજ પછી અમે અંબાજી ગયેલાં ને, ત્યારે પડાવેલો… એ વખતે નવું મંદિર હજી બંધાતું હતું. પાછળ પેલા આરસના પથ્થરોની થપ્પી દેખાય છે ? એ ચાચર ચોકમાં લગાડવાના હતા… અને અમારી જોડે જે ઊભા છે ને એ તમારા અમેરિકાવાળા અંકલ થાય.. એમની એ વખતે અમેરિકામાં પાંચ-પાંચ મોટેલ હતી. બોલો.’
(ટુંકમાં, એક જ મામુલી ફોટામાં કેટલી બધી ‘મેમરી’ સ્ટોર થતી હતી !)
***
(હવે આજની જનરેશનના ફોટા જુઓ…)
‘આ… ફોટો… અં… મારા ‘લંચ’નો છે ! એ… સોરી હોં ? સ્હેજ ભૂલી ગયો, આ મેં કઈ રેસ્ટોરન્ટમાં લીધેલો ? યાદ આવે એટલે કહું !’
***
‘અને આ સેલ્ફી… હું એ વખતે અઢાર વરસનો હતો. ના સોરી, વીસ વરસનો… એક મિનિટ, આ આટલી બધી…. એટલે કે લગભગ પંદરસો જેટલી સેલ્ફીઓ છે ને, એટલે જરા કન્ફ્યુઝ થઈ જવાય છે !’
***
‘બાકી આ ગ્રુપી જુઓ ! (ગ્રુપી એટલે ગ્રુપ ફોટો) એમાં મારા બધા જ ક્લોઝ ફ્રેન્ડ્ઝ છે… રિયા, રીતુ, અયાન અને જિલ સિવાય… ના ના જિલ તો આ રહ્યો ! આઈ થિંક, કિયાની બર્થડે વખતે અમે એક રેસ્ટોરન્ટમાં પાર્ટી કરેલીને, ત્યારે.. ના યાર, કિયા નહીં, મિતુલની બર્થડે હતી… કેમ, મિતુલની બર્થડે વખતે પણ સેઇમ રેસ્ટોરન્ટમાં ગયેલા ને ! લેટ મિ ચેક..’
***
‘આ ફોટામાં હું કારની અંદર બેઠી છું ! રાઈટ ? પણ કોની કાર હતી ? જિતેનની પહેલી કારનું ઇન્ટરીયર જરા અલગ હતું નહીં ? તો પછી આ માયરાની હશે… ના સોરી, મિકીની ? યાર, કારની અંદરવાળી સેલ્ફીઓ એટલી બધી છે ને -’
***
‘યસ્સ ! આ બેસ્ટ છે ! આ ચણિયાચોળીનો સેટ જોયો ? ચાલીસ હજારનો હતો ! પછી મેં લીધો નહોતો… પણ ફોટો હજી ફોનમાં પડી રહ્યો છે…’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment