નવરાત્રિના નમૂના : કકળાટિયા વડીલો !

નવરાત્રિના નમૂનાઓમાં સૌથી ‘જૂના’ અને ‘જાણીતા’ હોય તો એ છે કકળાટ કરતા વડીલો !

*** 

૧૯૫૦માં ‘કકળાટ કાકા’ કહેતા હતા કે ‘નવરાત્રિ ? એમાં પુરુષોનું શું કામ ? એ તો બધું બૈરાં જાણે ! જોકે એમાં જુવાન વહુઆરુઓ લટકા કરીને તાળીઓ પાડે છે એ શોભતું નથી.’

*** 

૧૯૬૦માં એ કકળાટ કાકા કહેવા લાગ્યા ‘જ્યારથી પુરુષો ગરબામાં નાચતા થઈ ગયા ત્યારથી ગરબાનો દાટ વળી ગયો છે ! એમાંય સ્ત્રીઓ સાથે કુંડળામાં ફરીને તાળીઓ પાડતા પુરુષો સાવ ભૂંડા લાગે છે !’

*** 

૧૯૭૦માં કકળાટ કાકા : ‘જ્યારથી આ માઈક આવ્યાં છે ત્યારથી ગરબાનું સત્યાનાશ વળી ગયું છે ! ફક્ત બે જણા ભૂંગળામાં મોં ખોસીને ગરબા ગાય તે ચાલતું હશે ? અમારા જમાનામાં તો સ્ત્રીઓ જ નહિ, બધા પુરુષોને પણ આખા ગરબા મોઢે હતા !’

*** 

૧૯૮૦માં કકળાટ કાકાને નવો ટોપિક મળી ગયો. ‘આ ડીસ્કો ડાંડીયા એટલે વળી શું ? મુંબઈમાં છોકરા છોકરીઓ ચળકાટવાળાં ટીશર્ટ જીન્સ પહેરીને ડાંડીયા રમે છે ? અરેરે… આ સંસ્કૃતિનુ શું થશે ? ચણિયા ચોળી ક્યાં ગયા ? અરેરે…’

*** 

૧૯૯૦માં કકળાટ કાકાએ પાટલી બદલી નાંખી ‘આ બધાં ચણિયા ચોળી અને ફાળિયાં ધોતિયાંની ફેશને દાટ વાળ્યો છે ! એક એક ચણિયા ચોળી પાછળ બબ્બે હજારનો ખર્ચો ? એના કરતાં અમે લોકો પેન્ટ શર્ટ પહેરીને ગરબા કરતા હતા તે શું ખોટા હતા ?’

*** 

૨૦૦૦માં કકળાટ કાકાને નવું મળ્યું. ‘આ ગરબા હવે કોમર્શિયલ થઈ ગયા ! ભક્તિ જેવું કશું બચ્યું જ નથી. અરેરે.. ભારતીય સંસ્કૃતિનું શું થશે ?’

*** 

૨૦૧૦માં વળી પાછા પાટલી બદલી : ‘ઓહોહો, જુઓ તો ખરા, આપણો ગરબો ગ્લોબલ થઈ ગયો ! હવે તો વ્હાઈટ હાઉસમાં ગરબા રમાય છે ! ધોળિયાઓને મા ભવાનીનો રંગ લાગી ગયો !’

*** 

૨૦૨૦ પછી કકળાટ કાકા નવરા બેઠા બળાપો તો કરે જ છે. પણ તોય કહેતા હોય છે :

‘કોઈ પાર્ટી પ્લોટના પાસ હોય તો કહેજો ને ? આ ઘરડે ઘડપણ ભોળી કન્યાઓને ગરબે રમતી જોઈએ તો જરા આંખ ઠરે… બીજું શું ? કેમકે જીવ્યા કરતાં જોયું ભલું ! હેં ને !’

***

- મન્નુ શેખચલ્લી

Comments