અજબ ગજબનાં પાટિયાં !

અમુક ઠેકાણે એવાં બોર્ડ લાગેલાં હોય છે જેના વિશે આપણે ખાસ વિચાર કરતા જ નથી. (કોઠે પડી ગયાં છે.) પરંતુ સ્હેજ વિચાર કરો તો…

*** 

એક્સપ્રેસ હાઈવે ઉપર વચ્ચે વચ્ચે બોર્ડ દેખાતા હોય છે : ‘દ્રુતગતિ માર્ગ’… પરંતુ એ જ રોડ ઉપર વચ્ચે વચ્ચે બોર્ડ હોય છે : ‘સ્પીડ લિમિટ ૯૦ કિ.મી.’

તો, ભઈ શેનો દ્રુતગતિ માર્ગ ?

*** 

એ જ રીતે અમુક ઠેકાણે રોડ પાસે પાટિયું જોવા મળશે : ‘એક્સિડન્ટ ઝોન’

એટલે શું ? અહીં એક્સિડન્ટ કરવાની છૂટ છે ? ના ! કહેવાનો મતલબ એમ છે કે અહીં વારંવાર એક્સિડન્ટો થાય છે !

તો ભૈશાબ, એનો કંઈ ઉપાય કરો ને ? સ્પીડ-બ્રેકરો મુકો, લાઈટો મુકો, વળાંક અચાનક આવે એ રીતે રસ્તો નવો બનાવો… આ તો એવી વાત થઈ કે ‘સાવધાન ! અહીં ભૂત થાય છે !’

*** 

અમુક ભીડભાડવાળી જગ્યાએ દૂર ઊંચે નાનાનાના અક્ષરે પાટિયું મારે છે : ‘ખિસ્સા કાતરુથી સાવધાન !’

ત્યાં શું લખ્યું છે એ વાંચવામાં તમે આંખો ખેંચી રહ્યા હોય એ વખતે જ તમારું પાકિટ ચોરાઈ જાય છે !

*** 

જોવાની વાત એ છે કે જ્યાં ‘ખિસ્સાકાતરુંથી સાવધાન’નાં બોર્ડ હોય છે ત્યાં સીસીટીવી હોતા જ નથી !

અને લિફ્ટ જેવી સાંકડી જગ્યામાં લખેલું હોય છે : ‘આપ સીસીટીવી કી નિગરાની મેં હો !’

લિફ્ટમાં ઊભેલો એકલો માણસ બિચારો ચોક્કસ જગ્યાએ ખંજવાળતાં પણ અચકાય !

*** 

રેલ્વેના ડબ્બાના ટોઈલેટમાં અરીસાની જગ્યાએ લખ્યું હોય છે : ‘યહાં કા શીશા ચોરી હો ગયા હૈ !’

લાગે છે કે અરીસો ફીટ કરતાં પહેલાં એની નીચે આવું છાપીને જ રાખતા હશે !

*** 

અમુક શો-રૂમના કાચના દરવાજા ઉપર ક્યારેક પ્લેટ લટકતી હોય છે : ‘ક્લોઝ્ડ’… એ તો સમજ્યા,. પણ ઘણીવાર પ્લેટ પર લખ્યું હોય છે ‘ઓપન’ !

અરે બાબા, અંદર લાઈટો ચાલુ છે, સ્ટાફ બેઠો છે, તો ‘ઓપન’ લખવાની કંઈ જરૂર ખરી ?

*** 

હાઈવે પર બોર્ડ હોય છે ‘દુર્ઘટના સે દેર ભલી’

પણ જ્યારે દુર્ઘટના થઈ જાય, આપણે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડીએ ત્યારે ડોક્ટરો કહે છે : ‘આપને દેર કર દી, વરના હમ ઇસે બચા લેતે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments