દર વખતે દિવાળીમાં લગભગ સરખી જ ટાઈપના ફટાકડા બજારમાં વેચાતા હોય છે. પરંતુ પોલિટીક્સના બજારમાં સતત વેરાઈટી બદલાતી રહે છે. જુઓ આ વખતે નવું શું છે…
***
બિશ્નોઈ બોમ્બ
મુંબઈમાં બાબા સિદ્દકીની હત્યા પછી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને લગતા જેટલા ‘બ્રેકીંગ’ સમાચારો છે એ ‘બ્રેકીંગ’ નહીં ‘એક્સ્પ્લોઝીવ’ યાને કે ‘સ્ફોટક’ બની રહ્યા છે.
***
ધમકી બોમ્બ
વિમાનોમાં બોમ્બ હોવાની ધમકીઓ માત્ર ‘હવામાં’ નથી ! ચેકિંગ, વિલંબ અને ફ્લાઈટો કેન્સલ થવાને કારણે એની ‘કિંમત’ પણ મોંઘી પડી રહી છે. ઉપરથી પેલો ખાલિસ્તાની પન્નુ ધમકીઓ આપી આપીને જ ‘ભાવ’ ખાઈ રહ્યો છે !
***
શિંદે બ્રાન્ડ ફૂલઝડી
મહારાષ્ટ્રમાં ચૂંટણી સમયે મહિલાઓના ખાતામાં પંદરસો રૂપિયા જમા કરાવીને શિંદે સરકારે ફૂલઝડીઓનું ‘સેલ’ કાઢ્યું છે !
***
અજીત બ્રાન્ડ ભોંયચકરી
અમિત શાહની નારાજગી છતાં મહારાષ્ટ્રમાં અજીત પવારે નવાબ મલિકની દિકરી સના મલિક, બાબા સિદ્દકીના દિકરા જિશાન સિદ્દકી ઉપરાંત ભાજપના બે-ત્રણ બળવાખોરોને ટિકીટ આપીને ભાજપના પગ તળે ભોંયચકરીઓ છોડી મુકી છે !
***
દિલ્હીમાં ધૂમાડિયાં સાપોલિયાં
લોકો હજી ફટાકડા ફોડે એ પહેલા જ દિલ્હાં પ્રદૂષણનાં ધૂમાડિયાં સાપોલિયાં ભરડો લઈ ચૂક્યાં છે. બીજી બાજુ સત્તાવાળાઓ ‘કોઠી’માં મોં સંતાડીને બેઠા છે !
***
કેજરીવાલનું હવાયેલું ‘દારૂ’ખાનું
માંડ માંડ જામીન ઉપર છૂટ્યા છે છતાં લિકર કૌભાંડમાં ફસાયેલા કેજરીવાલનું દારૂખાનું આ વખતે સિઝન પહેલાં જ હવાઈ ગયું છે !
***
ઇઝરાયેલની આતશબાજી
આ તો જાણે ઇન્ટરનેશલ દિવાળી ચાલી રહી હોય એમ લોકો ટીવી અને મોબાઈલમાં ઇઝરાયેલની એર-સ્ટ્રાઈકો અને હવામાં જ ફૂટી જતી ઈરાનની મિસાઈલો જોઈને મજા લઈ રહ્યા છે ! બસ, માત્ર પર્યાવરણવાદીઓ જ ચૂપ છે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment