નવી શ્રેણી : ઝાંઝવું નામે ગામ
નામ એનું ‘ઢનિયો બ્હાડ્ડુર’. સરખા ઉચ્ચાર કરીને બોલો તો ‘ધનિયો બહાદુર’. પણ આખા દસ ગામના વિસ્તારમાં એ ‘ઢનિયો બ્હાડ્ડુર’ના નામે જ પંકાયેલો.
એની હાઈટ માંડ પોણા ચાર ફૂટની, એમાંય છ ઇંચનું તો એનું મોઢું જ આવી જાય. કપાળ મોટું, આંખો પણ લખોટા જેવી મોટી મોટી, નાકનાં કોયણાં એવાં ફૂલેલાં કે જાણે હમણાં ગુસ્સામાં આવીને કોઈને કાચો જ ખાઈ જશે. હોઠ જાડા અને નીચે દાઢીમાં મેદુવડું ચોંટાડ્યું હોય એવું ગોળાકારમાં કાણું !
બસ, જે કંઈ બહાદૂરી હતી એ એના ચહેરામાં જ હતી. કેમકે એ પછી તો બાકીનું સવા ત્રણ ફૂટનું શરીર એના હાથ, પગ, છાતી, પેટ બધું પેક કરીને ધરતી ઉપર મોકલવા માટે ભગવાનને રાઈટ સાઈઝની બેગ ના મળી હોય અને ઉતાવળમાં ઠૂંસી ઠૂંસીને ગોઠવી દીધું હોય એવું !
તમને થશે કે યાર, આને તો ઠીંગૂજી કહેવાય ! આણે વળી શી બહાદૂરી કરી કે બધા એને ‘ઢનિયો બ્હાડ્ડુર’ કહેતા હતા ? તો વાત એમ હતી કે પોતાની બહાદૂરીની તમામ લોકકથાઓ ધનિયાભાઈએ જાતે જ ઘડી કાઢેલી !
‘એક વાર હું થિયું, કે મેં તો મારા ઘરમાં ઊંઘીયાં કરું… રાતના હહરીનો બફારો બો’ લાગતો છે, એમ કરીને મેં તો ઘરનાં બારી-બાન્નાં (બારી-બારણાં) ખુલ્લાં જ મુકી રાખલાં. મેં તો હારો ધજમજેનો ઘસઘસાટ ઊંઘિયા કરું, તાં એવું લાઈગું કે, બેનની જાતને, કોઈએ મારા બન્ને પગ પકડી રાખલા છે…
હહરીનો, મેં જાગીને જોંમ, (જોઉં) તો નારિયેળીના થડીયાં જેવો જાડો હરખો અજગર ! મને થિયું કે હહરીનો આજે મને આખેઆખા ગરી (ગળી) જવાનો… પણ મેં બો’ ચાલાક જો ! એ દિકરો, ધીમે… ધીમે… મારા પગમાં વીંટળાયા કરે… ને મેં હું કઈરું કે મારા પાટલૂનના ખિસ્સામાં માચિસ ઉ’તી કેનીં, તે હરવે રેઈને (હળવે રહીને) કા’ડી… ને પછી દીવાહળી હલગાવીને બરાબ્બર એના પેટમાં ચાંપી મુકી !
અજગરને તો હહરીને એવો ફોલ્લો જેવો ઉઈઠો કે મારા ટાંટિયા છોડીને દોરીનું પિલ્લું ખૂલે તેમ આખ્ખો ખૂલી ગિયો ! ને પછી બાન્નામાંથી નાઠો !
મેં વરી તેને એમ નો એમ જાવા દેમ કે ? મેં તેની પાછળ દોઈડો, તેની પૂંછડી ધલ્લીધી ! (ધરી લીધી)ને પછી ગિલ્લોલમાં પથ્થર ભેરવીને કેમ ગોળ ગોળ ફેરવે ? તેમ દિકરાને ગોળ ગોળ ચક્કરડી ખવડાવીને એવ્વો તો ઉછાળીને લાઈખો તે છેક જેઈને ખિલકાઈ ગિયો મારા ઘરની હાંમ્મેનાં ચરોમલાના ઝાડ પર !
મેં તો ઘેરમાં જેઈને ધારિયું લેઈ આંઈવો ! હહરીનો નીચે પડે તો કાપી લાખું ! પણ એની બેનનો અજગર મારું…. મારાથી એવો બીઘેલો કે નીચે આઈવો જ નીં ને ?
મેં તો નીચેથી બૂમ પાઈડા કરું… તારી જાતનો અજગર મારું ! મને ખાઈ જવા આવલો કે ? અ’વે ઉતર નીં નીચે…? તને જ કાપીને રાંધીને ખાઈ જામ !’
તમે પૂછો કે ‘પછી હું થિયું ? પેલો અજગર ક્યારે નીચે ઉતઈરો ?’
ત્યારે ધનિયો બહાદુર બગાસું ખાઈને આળસ મરડતાં કહે, ‘મને હું ખબર ? મને તો હહરીની એવી ઊંઘ આઈવા કરે તે મેં તો પાછો ખાટલામાં જેઈને હૂઈ ગેલો !’
અમારા વાંસદા પાસેના જંગલ વિસ્તારમાં આવેલા ચિકટીયા ગામના લોકો તો જાણે કે આ ‘ઢનિયો બ્હાડ્ડુર’ એક નંબરનો લાખુ (ફેંકુ) છે. છતાં એના જ મોઢે એની બહાદુરીના કિસ્સા સાંભળવાની સૌને મોજ પડે.
આમેય નાનાં અંતરિયાળ ગામોમાં મનોરંજનના ખાસ સાધનો હોય નહીં. એમાંય, આ તો છેક ’૭૦ના દાયકાની વાત, કે જ્યારે ચીખલી જેવા ટાઉનમાં પણ ટીવી નહોતાં આવ્યાં. અરે, ટીવી છોડો, ફિલમનું થિયેટર પણ તે વખતે એક હંગામી ‘ખાડા થિયેટર’ હતું, જે શિયાળા અને ઉનાળા દરમ્યાન એકાદ ખાડા જેવા વિસ્તારમાં, ‘ઓપન-એર’ સિસ્ટમથી ચાલતું હોય. (ચોમાસામાં ખાડો પાણીથી ભરાઈ જાય એટલે થિયેટર બંધ !)
એ વખતે અમારા ચિકટીયા જેવા ગામમાં તો કોઈ છાપાં ય મંગાવતુ નહોતું. તો પછી આ ‘ઢનિયા બ્હાડ્ડુર’ના કિસ્સાઓ જો એન્ટરટેઇનમેન્ટ ટેક્સ ભર્યા વિના સાંભળવા મળે તો એમાં ખોટું શું ?
હા, એક નાનકડો ટેક્સ જરૂર ચૂકવવો પડે. ધનિયા બહાદુરને થોડો દારૂ પીવડાવો, સાથે ચીખલીનાં પ્રખ્યાત મામણાં (મટન ખીમા રોલ અથવા સિક કબાબ) ખવડાવો એટલે એ ચગે !
‘એક વાર તો જંગલનું રીછ મને ખાવા આવલું જો !’
‘હું વાત કરે ?’ તમારે માત્ર હોંકારો જ ભણવાનો. ‘ઢનિયા બ્હાડ્ડુર’ની ટેપ ચાલુ થઈ જાય !
‘અરે વાત જવા દે નીં ! મેં તો પેલા જગુ ભાણાના દરાખની વાડીમાં રાતના ચોકી કઈરા કરું (દરાખ એટલે દ્રાક્ષ) એમાં રાતનાં ટાઈમે કોલાં બો આવે કેનીં ? (કોલાં એટલે શિયાળ) મેં તો છાપરી ઉપર હૂઈ જામ, પણ કાંન મારા જાગતા જ ! કોલું આવે, ને દરાખને ખાવા હારુ જરીક જો કૂદે કે મને હંભરાય ! પણ હહરીનું તે દા’ડે રીંછ કેમ કરીને આઈવું…’
‘કેમ કરીને આઈવું ?’
‘એમાં હું થિયું કે અડધી રાતે મને લાગી પેશાબ ! મેં હારો મૂતરવા હારુ છાપરીની નીચે ઉતઈરો… જીરીક આઘે જોઈને અજુ મૂતરવા હારુ નીચે બેહું… તાં તો મેં જોયું… કારા કારા વાદ્દર જેવું (કાળા વાદળ જેવું) આઘે કંઈ હલિયા કરે ! મેં વિચારું, કે એની બેનને, આ વાદર આટલું નીચે કેમ કરીને આવી પઈડું ? પણ ધિયાનથી જોમ, તો હહરીનું એ તો મારા ઘમી આઈવા કરે ! મેં જાણી ગિયો કે બેનની જાત મારું… આ તો રીંછડું !’
‘પછી તો પેશાબ છૂટી ગિયો ઓહે કેનીં ?’ એકાદ શ્રોતા સળી કરે તો પણ કંઈ ધનિયાભાઈ હવામાંથી હેઠા ઉતરે ખરા ?
‘એમ વરી મેં કંઈ મૂતરી પડે તેવો પોચકી નીં મલે ! પણ મેં જાણું, કે રીંછ મરેલા માણહને ખાટું ની મલે (ખાતું નથી) તો મેં હું કઈરું ? મેં શ્વાસ બંધ કરીને ખેતરમા હૂઈ ગિયો…’
‘પછી ?’
‘પછી રીંછ તો મારી પાંહે આઈવું… હહરીનું એટલું ગંધાય… ! એ મારું મોં હુંઘવા લાઈગું… મેં તો શ્વાસ ખેંચીને પકડી રાખેલો પણ એની બેનની જાત મારું… એનુ ગંધાતું નાક મારા નાક ઉપર ઘંહવા (ઘસવા) લાઈગું કેનીં, એમાં મને હહરીની છીંક આવી ગેઈ !’
‘બાપરે ! પછી ?’
‘પછી વરી હું ? મેં તો ઉંછરીને (ઉછળીને) એના પેટ પર જ વળગી પઈડો ! મેં તો નાલ્લું અમથું ભોજલું જેવું… ને એ મોટું પીપડા જેવડું… પણ મેં એના પેટ પર વળગેલો તે મને પકડે કેમ કરીને ? પછી મેં તેની છાતીમાં એવા બચકાં ભરવા માંઈડાં… કે હહરીનું મને ધક્કો મારીને જો નાઠું… જો નાઠું…’
આખો કિસ્સો ટાઢા પહોરનાં ગપ્પાં જેવો જ હોય છતાં સાંભળવાની તો મજા જ આવે ને ? ઉપરથી એકાદ મશ્કરો સળી કરે :
‘પછી તું મૂતરવાનો બાકી રેઈ ગેલો તેનું હું થિયું ?’
બીજો કહે ‘તે રીંછના પેટ પર જ મૂતરેલો ઓહે ! તેમાં જ રીંછ નાહી છૂઈટું !’
આ રીતે ગામલોકો ધનિયા બહાદુરની મીઠી મજાક પણ કરી લેતા હતા. એમાં એકવાર આ મશ્કરાઓને જરા સિરિયસ મજાક કરવાનું મન થયું. એનો પ્લાન પણ ઘડાયો…
પ્લાન એવો હતો કે, ગામથી દૂર એક ખેતરમાં રાતના સમયે દમ્મણનો દારૂ અને ચીખલીનાં મામણાંનો પ્રોગ્રામ નક્કી થયો. મહેફિલમાં ચાર પાંચ જણા હતા. પીતાં અને ખાતાં એ સૌએ ધનિયા બહાદુરને ચણાના ઝાડ ઉપર ચડાવવાનું ચાલુ કર્યું. ધનિયાભાઈ પણ એક પછી એક મનઘડંત કિસ્સા સંભળાવી રહ્યા હતા.
એવામાં એક ભીખો નામનો જુવાનિયો અધવચ્ચેથી ઊભો થઈને કહેવા લાગ્યો : ‘હારા, મારે જરીક વહેલા જવા પડવાનું છે જો ! કેમકે મારા ડોહાને (બાપને) તાવ આવતો છે. એ જો મોડી રાતે પેશાબ કરવા ઊભો થહે, ને મને નીં જોહે તો પછી મને બો’ ગાળ દેહે.’
હવે આ બાજુ ધનિયાભાઈના પેટમાં પડી ફાળ ! કેમકે એ આ ભીખાના ભરોસે હતો કે રાતે સૂમસામ રસ્તે ચાલવામાં એનો સથવારો મળશે. પણ ભીખો તો ઊભો થઈને ચાલતો થયો !
આ બાજુ ભીખાના ગયા પછી બાકી વધેલા જુવાનિયાઓએ જાણીજોઈને ડાકણો અને ભૂતની વાતો કાઢી… ‘ફલાણી જગ્યાએ ભૂત થતું છે…’ ‘ઢીકણી જગ્યાએ પેલા રવજીને ડાકણ વળગી પડેલી જો -’ ‘એક લીમડા પરના ભૂતને તો માથું જ નીં મલે…’
ધનિયાભાઈ એ બધામાં પોતાની બહાદૂરીના ભજિયાં તો મુકતા જાય, પણ મનમાં એક જ વાત ચાલે કે, ‘હહરીનું… આજે અંધારી રાતના એકલા જવા પડવાનું !’
ખેર, મહેફિલ પતી પછી સૌ છૂટા પડ્યા. થોડે સુધી બે જણાનો સાથ હતો. પછી તો ધનિયાભાઈ એકલા ! એ મનમાં ફફડાટ સાથે ચાલ્યા જાય છે…
આ તરફ અંતરિયાળ જંગલના રસ્તે એક લીમડાનું ઝાડ એવું ઉગેલું કે એની એક ડાળી બરોબર રસ્તાની ઉપર લંબાઈની ઝળુંબતી હોય. પેલો ભીખલો જે મહેફિલમાંથી વહેલો ઊઠી ગયેલો તે અહીં આવીને ભૂતનો વેશ ભજવવા માટે તૈયાર હતો !
ભીખાએ નિશાળના પાટિયાં ઉપર લખવાના ચોકનો ભૂક્કો કરીને મોં ઉપર ચોપડેલો. આંખની આજુબાજુ મેંશ વડે કાળા કુંડાળા કરેલાં અને છેક ઘૂંટણ સુધી પહોંચે એવો ધોળો ઝભ્ભો ઠઠાડેલો. દૂરથી ધનિયાભાઈ ધીમા ડગલે આમતેમ સાવધ નજરો ફેરવતા આ તરફ આવતા દેખાયા કે તરત ભીખો તૈયાર થઈ ગયો.
જેવો ધનિયો બહાદૂર બરાબર ડાળી નીચે આવ્યો કે તરત જ ભીખો એક કારમી ચિચિયારી પાડીને ઉપરથી કૂદ્યો ! હવે નસીબ કહો કે કમનસીબ… ભીખો પડ્યો બરોબર ધનિયાની ઉપર જ !
ધનિયો બહાદુર આ અણધાર્યા અને પ્રચંડ હુમલાથી એવો ડરી ગયો હતો કે એના ગળામાંથી ચીસ ના નીકળી ! (હા, પેન્ટમાંથી પ્રવાહી જરૂરથી છૂટી ગયું હતું !) બીજી બાજુ ભીખાએ પણ ધાર્યું નહોતું કે પોતે આમ જઈને સીધો ધનિયાને માથે જ પડશે ! એટલે પડતાંની સાથે એ પણ ‘રિ-બાઉન્ડ થઈને’ રસ્તા ઉપર પછડાયો ! આમાં ભીખાના મોંમાંથી પણ ચીસ નીકળી ગઈ ! ‘ઓ બાપા રે…!’
ભીખાની ચીસ પીડાથી છલકાતી હતી પરંતુ એની પ્રતિક્રિયા રૂપે આપણા ‘ઢનિયા બ્હાડ્ડુર’નું પાટલૂન પાછળના ભાગે છલકાઈ ગયું !
ભીખાને થયું કે ક્યાંક મારી ચીસથી ધનિયો મને ઓળખી ના જાય ! એટલે એ ઠેકડા મારીને ત્યાંથી ભાગી છૂટ્યો. જંગલની ઝાડીઓમાં એનો ધોળો ઝભ્ભો દેખાતો બંધ થઈ ગ્યો…
પણ આ બાજુ ‘ઢનિયા બ્હાડ્ડુર’ની દશા ખરાબ હતી ! ત્યારબાદ એ શી રીતે પોતાના ઘરે પહોંચ્યો એ તો ખબર નથી, પણ કહે છે કે એ પછી એને સળંગ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી ‘કાળિયો તાવ’ આવેલો !
જોકે મહિના બે મહિના પછી ‘ઢનિયા બ્હાડ્ડુર’ની ડંફાશો મારવાની ટેવ ફરી ચાલુ તો થઈ ગયેલી, પણ જ્યારે કોઈ ‘ભૂત’ની વાત કાઢે તો એની બોલતી બંધ થઈ જતી હતી !
ઉપરથી એ કહેતો ‘આપડી બાજુનાં, હહરીનાં ભૂત બો નીં હારાં, જો !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Yaar Mannu bhai, you are simply genius! મઝા આવી આપના તમામ લેખો વાન્ચીને! Thank you for outstanding humour.
ReplyDelete