ધર્મા કા આદર કરો !

આર્થિક અને ફિલ્મી ખબર એવી છે કે ‘સિરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડીયા’ના માલિક આદર પૂનાવાલા કરણ જોહરની ‘ધર્મા પ્રોડક્શન’માં ૧૦૦૦ કરોડનું રોકાણ કરીને તેના ૫૦ ટકા શેર ખરીદી રહ્યા છે ! બોલો, હવે બીજું શું જોઈએ ?

*** 

કોમેડિયન જાવેદ જાફરીએ કહ્યું છે કે હવે પછીની ફિલ્મનું નામ હશે ‘કભી ખુશી કભી સિરમ’ !

*** 

આલિયા ભટ્ટને થતું હશે કે આના કરતાં આદર પૂનાવાલાએ ભેગાભેગી મારી ફિલ્મ ‘જીગરા’ની ૨૦-૨૫ કરોડની ટિકીટો ખરીદી હોત તો મારી બે-ઇજ્જતી થતી બચી જાત ને !

*** 

આદર પૂનાવાલાએ ભૂતકાળમાં લંડનની એક રિસર્ચ સંસ્થાને લગભગ ૯૦ કરોડનું દાન આપ્યું હતું.
પરંતુ આ ‘દાન’ તો બહુ મોટું કહેવાય !

*** 

આદર પૂનાવાલાને બે સુંદર સંતાનો છે. એમને લાગે છે કે ‘ચેરિટી નહીં, નિપોટિઝમ બિગીન્સ એટ હોમ !’ બસ, કરણ જોહર એમને લઈને ફિલ્મો બનાવે એટલી જ વાર છે...

*** 

કોરોના વાયરસથી દેશના લોકોને બચાવવા માટે પૂનાવાલાએ કોવિશીલ્ડ વેક્સીન બનાવી હતી. હવે ભંગાર હિન્દી ફિલ્મોના વાયરસથી દેશને બચાવવા માટે તે ‘મુવીશીલ્ડ વેક્સીન’ બનાવશે ! બચાઓ... બચાઓ...

*** 

ધર્મા પ્રોડ્કશન્સની આવનારી ફિલ્મોનાં નામ હવે કંઈક આવાં હશે...

કલ કરણ હો ના હો...
કભી નાદારી ન કહેના...
વેક અપ વેક્સીન...
માય નેમ ઈઝ પૂનાવાલા...
વિ આર નિપોટિઝમ ફેમિલી...
સ્ટુડન્ટ ઓફ ધ ‘કેમિસ્ટ્રી’...
યે ડીલ હૈં મુશ્કીલ...
ધર્મા ઔર સિરમ કી પ્રેમકહાની...

*** 

કોર્પોરેટ વર્લ્ડમાં બે જાતની વાતો ચાલતી હશે... કરણ જોહર માટે ભલે આ ‘બૂસ્ટર ડોઝ’ હોય પણ આદર પૂનાવાલાને આ બોલીવૂડની ‘અસાધ્ય બિમારી’ વળગી છે ! બચ કે રહેના...

***

- મન્નુ શેખચલ્લી

Comments