અમુક સમાચાર એવા હોય છે કે એમાં જ્યાં સુધી ઉપરથી વઘાર ના કરો ત્યાં સુધી એનો ‘અસલી’ સ્વાદ જ નથી આવતો ! દાખલા તરીકે –
***
સમાચાર :
સાઈબર ક્રાઈમ વડે ભારતીયો સાથે રોજની ૬૦ કરોડની ઠગાઈ થાય છે.
વઘાર :
અચ્છા… તો નેતાઓ જે પ્રજાનું કરી નાંખે છે એની દૈનિક સરેરાશ કરવાની બાકી છે, નહીં ?
***
સમાચાર :
કેનેડાના ખાલિસ્તાની નેતા પન્નુએ ધમકી આપી છે કે નવેમ્બર ૧ થી ૧૮ સુધીમાં એર-ઇન્ડિયામાં પ્રવાસ કરનારને ‘જીવનું જોખમ’ છે.
વઘાર :
ભારતમાં આવી ધમકી આપનારને પાંચ વરસની સજા છે, પણ કેનેડામાં કેટલી ‘આઝાદી’ છે ! વાહ !
***
સમાચાર :
અંડરવર્લ્ડ અને બોલીવૂડ બંને સાથે ગાઢ સંબંધ ધરાવનાર બાબા સિદ્દીકીની તિરંગા સાથે અંતિમક્રિયા કરવામાં આવી.
વઘાર :
જોયું ? રાષ્ટ્રિય સન્માન મેળવવા માટે કેટલી મહેનત કરવી પડે છે ! ભારતીય વૈજ્ઞાનિકો જરા શીખો !
***
સમાચાર :
સલમાન ખાને ૬૦ સિક્યોરીટી ગાર્ડની સુરક્ષા વચ્ચે ‘બિગ બોસ’નું શૂટિંગ શરૂ કર્યું.
વઘાર :
વાહ ભાઈ વાહ ! ધમકી આપનાર જેલમાં એકલો બેઠો છે અને ખુલ્લો ફરનાર ૬૦ જણાની સુરક્ષા વચ્ચે ‘બિગ બોસ’ કહેવાય છે ! કાહે કા ‘બિગ બોસ’ ?
***
સમાચાર :
રોહિત શર્મા કહે છે કે માત્ર ત્રણ કલાકની ખરાબ રમત માટે ટીમનું મૂલ્યાંકન થવું ના જોઈએ.
વઘાર :
સાચી વાત છે. ૪૬ રન કરવામાં ત્રણ કલાકને બદલે માત્ર ૧ કલાક લગાડ્યો હોત તો કોઈને ફરિયાદનો ચાન્સ જ ના મળ્યો હોત ને !
***
સમાચાર :
હવામાન ખાતું, સેટેલાઈટની ઈમેજો તથા અંબાલાલ જેવા એક્સ્પર્ટો કહે છે કે દિવાળીના તહેવારોમાં વરસાદ પડવાની શક્યતા ખરી.
વઘાર :
એ બધું છોડો… એ કહો કે ફટાકડા હવાયેલા નીકળે તો પૈસા પાછા મળશે ? કે પછી માત્ર ‘હેપ્પી દિવાલી’ ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment