વચમાં સોશિયલ મિડીયામાં મેસેજ ફરતો હતો કે દોઢ લાખ રૂપિયાનો આઈ-ફોન ખરીદવા કરતાં ૭૦-૭૫ હજારની બે ભેંસ ખરીદવી સારી ! કેમકે એના દૂધમાંથી તમને રોજની ૮૦૦-૯૦૦ રૂપિયાની ચોખ્ખી આવક થશે.
આમાં જરા વધારે ઊંડા ઉતરવા જેવું ખરું, કેમકે…
***
- ભેંસને તમે ખિસ્સામાં લઈને ફરી શકતા નથી.
- હાથમાં ભેંસ લઈને તમે પાર્ટીમાં દાખલ થાઓ તો એ જોઈને લોકો ‘વાઉ’ કહેતા નથી.
- ભેંસ વડે તમે યુકે, યુએસ કે કેનેડામાં રહેતા લોકો સાથે વાત કરી શકતા નથી.
- ભેંસ એક જ કલરમાં આવે છે.
- ભેંસ ફોટા પાડી શકતી નથી. ભેંસમાં અલગ અલગ ફિલ્ટર પણ નથી હોતાં.
- ભેંસનો રીંગટોન એક જ હોય છે : ભેંએંએં…
- ભેંસ ઉપર બેસીને તમે મુસાફરી કરી શકો છો પણ ભેંસમાં ગુગલ મેપ હોતા નથી.
- ભેંસમાં એક પણ ગાયનનો સ્ટોરેજ હોતો નથી.
- અને ભેંસમાં એઆઈ એટલે આર્ટિફીશીયલ ઇન્ટેલિજન્સ તો છોડો, મામૂલી ઇન્ટેલિજન્સ પણ હોતી નથી.
- ફાઈનલી, ભેંસના શિંગડામાં કે પૂંછડીમાં મામૂલી ફેરફાર કરવાથી એ નવું મોડલ બની જતું નથી ! તો શું ફાયદો ?
***
(આ બધા શહેરી ટીન-એજર્સના આર્ગ્યુમેન્ટસ હતાં. હવે ગામડીયા કાકાની દલીલો સાંભળો.)
***
- આઈ-ફોન રોજનું કેટલું દૂધ આપે ?
- ભેંસ તો ઘાસ ખાઈને દૂથ આપે, આ આઈ-ફોન રોજ બેટરી ખાઈને શું આપે ?
- દૂધ તો અમે વેચીએ એટલે રૂપિયા મલે, આઈ-ફોન એવું તે શું આલે, કે એ વેચવાથી રૂપિયા મલે ?
- ભેંસ વિવાય તો પાડી કે પાડો આવે. તમારા આઈ-ફોન વિવાય ખરા ?
- ભેંસમાં ભલે ફિલ્ટર ના હોય, અને ભલે ભેંસના દૂધનો એક જ કલર આવે… પણ દૂધમાંથી દહી, છાશ, પનીર, ઘી, બટર બધું બને ! આઈ-ફોનમાંથી શું બને ?
- અને હા, ભેંસમાં અક્કલ નથી એ જ સારું છે. કેમકે જો અક્કલ હોત તો તમારી જેમ આવા વાહિયાત સવાલોમાં દિમાગ ખરાબ કરતી હોત કે… ‘આઈ-ફોન ખરીદાય કે ભેંસ ?’
***
જોકે એક વાત તો છે..
રાતના સૂતી વખતે તમે ભેંસને છાતી પાસે લાવીને એમાં કલાકો સુધી મોં ખોસી રાખો, તો ખરા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment