આપણે મોટા કોમર્શિયલ ગરબામાં દાખલ થઈએ એ અગાઉથી જ આખું ઓરકેસ્ટ્રા ઘોંઘાટ મચાવવા જામી પડ્યું હોય છે. પરંતુ જો તમે તમારી સોસાયટી કે એપાર્ટમેન્ટમાં ઓરકેસ્ટ્રા બોલાવ્યું હોય તો ‘જોવા જેવું’ હોય છે…
***
સૌથી પહેલાં તો એ માર્ક કરજો કે અહીં ચાર વાજિંત્રો અને બે ગાયકો મળીને માત્ર છ માઈકની જરૂર છે છતાં એમની પાસે તોતિંગ ચોવીસ ટ્રેકનું મિકસર હોય છે !
***
એમનો પ્રોગ્રામ ભલે ત્રણ કલાક ચાલવાનો હોય, પણ સ્પીકરો વગેરે સેટ કરીને ‘હેલો ચેક…’ ‘હેલો ચેક… વન ટુથ્રી ફોર…’ કરવામાં એક કલાક લગાડશે !
***
બધું સેટ થઈ ગયા પછી એકાદ કી-બોર્ડવાળાને અને પેલા ડ્રમ વગાડનારને અચાનક શૂર ચડે છે ! અને ધનાધન કંઈ ‘ઝોરદાર’ ટાઈપનાં ગાયનો વગાડીને ‘ટેસ્ટિંગ’ કરી નાંખે છે !
***
અચ્છા, પેલો બેઝ-ગિટારવાળો જોયો છે ? ગરબા ચાલુ થાય પછી તો એની ગિટારમાં શું વાગે છે તે કદી સંભળાતું જ નથી ! એટલે ‘ટેસ્ટિંગ’ના નામે એ ડ્રમવાળા જોડે પાંચ સાત મિનિટની ‘સંગત’ કરી નાંખે છે !
***
ગરબા શરૂ થાય પછી તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે ઘુઘરા, ખંજરી, મંજીરાં જેવાં મામૂલી વાજિંત્રો વગાડનારો હકીકતમાં તો ટેમ્પોનો ડ્રાયવર અથવા જોડે આવેલો મજુર હોય છે !
***
ગરબા ગાનારો મેઈન કલાકાર પોતાની જાતને યોયો હનીસિંહ અથવા ‘કોલ્ડપ્લે’નો ગાયક સમજતો હોય તેમ સ્ટેજ ઉપર અહીંથી તહીં કારણ વિના ઉછળતો હશે !
***
એનાથી સાવ ઉલ્ટું, જે મહિલા ગાયક હશે તે ‘ઢેંચૂડો રે ઢેંચૂડો’ ગાતી હશે તોય આરતી ગાતી હોય એ રીતે સ્થિર ઉભી હશે ! મોઢા ઉપર સ્માઈલ પણ નહીં આવે !
***
ભલભલાં સુંદર ગરબા, લોકગીતો, રાસ કે સનેડા ચાલતા હશે તોય પેલો કી-બોર્ડવાળો ટાંપીને બેઠો હશે, અને લાગ જોઈને વચ્ચે ફિલ્મી ગાયનની ટ્યૂનો ઘૂસાડી જ દેશે !
***
બાકી, સૌથી વધુ ‘મહેનત’ કરે છે ડ્રમ-સેટવાળો ! તમે જોજો, એ જાણે ધીંગાણે ચડ્યો હોય એમ તલવારની માફક પોતાની ડ્રમ-સ્ટિકો વીંઝી વીંઝીને પરસેવે રેબઝેબ થઈ ગયો હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment