અમુક ઘટનાની કલ્પના જ ધ્રુજાવી નાંખે તેવી હોય છે. પરંતુ અમુક ઘટનાઓ તો એવી હોય છે કે એની કલ્પના હસાવી નાંખે તેવી હોય છે ! જુઓ…
***
‘સાહેબ, સાહેબ ! મારે છૂટાછેડા લઈ લેવા છે ! તાત્કાલિક !’
‘તાત્કાલિક ? એવું તે શું થયું ?’
‘અરે વકીલ સાહેબ, છેલ્લા સાત વરસથી બહુ મોટો ગોટાળો ચાલી રહ્યો છે ! હું તો કહું છું કે મારી વાઈફને સસ્પેન્ડ કરાવી નાંખો !’
‘સસ્પેન્ડ ? ક્યાંથી ?’
‘મારા ઘરમાંથી ! પત્ની તરીકેની તમામ ફરજોમાંથી ! સાહેબ તમને ખબર નથી, છેલ્લા સાત વરસથી મારા ઘરમાં બહુ મોટો ફ્રોડ ચાલી રહ્યો છે !’
‘ફ્રોડ ? કેવો ફ્રોડ ?’
‘તમે કલ્પના પણ ના કરી શકો એવો ફ્રોડ ! તમે મારી વાઈફને ફ્રીજ કરાવી નાંખો !’
‘વાઇફને ફ્રીજ ? શું વાત કરો છો ?’
‘અરે, જેમ બેન્ક એકાઉન્ટ ફ્રીજ થાય છે એ રીતે ! એની સ્થાવર જંગમ… તમામ મિલકતો ઉપર સ્ટે મુકાવડાવો !’
‘સ્ટે ? યાર, આવું બધું ફેમિલી કોર્ટમાં ના થાય.’
‘પણ મારી ફેમિલીમાં આવું બધું થઈ ગયું છે. એનું શું ?’
‘પણ થયું છે શું તમારા ફેમિલીમાં, એ તો કહો ?’
‘હવે શી રીતે કહું ? હું સાત સાત વરસ લગી મુરખ બનીને રહ્યો ! મને ખબર જ ના પડી કે મારી વાઈફ તો ‘નકલી’ છે !’
‘નકલી ? વાઇફ પણ નકલી ?’
‘હા બોલો ! આખેઆખી વાઇફ નકલી ! ’
‘આમાં અડધી અસલી અને અડધી નકલી એવું ના હોય, ભાઈ !’
‘એટલે જ કહું છું કે આખેઆખી વાઈફને ડિમોલિશ કરાવો !’
‘જુઓ, એવું બધું ના થઈ શકે, પણ તમને કહો તો ખરા કે આ થયું શી રીતે ?’
‘વાત જવા દો ને સાહેબ ? મારે તો દામિની નામની છોકરીને પરણવાનું હતું પણ એ લોકોએ લગ્નમંડપમાં દામિનીને બદલે કોઈ કામિનીને બેસાડી દીધેલી !’
‘તો આટલાં વરસ તમને ખબર કેમ ના પડી ?’
‘હજી પણ ના પડી હોત. પણ સાત વરસ પછી મારો ખાસ ફ્રેન્ડ અમેરિકાથી પાછો આવ્યો ત્યારે ખબર પડી !’
‘શી રીતે ?’
‘કેમ કે છોકરી પસંદ કરવા માટે એ જ ‘નકલી’ મૂરતિયો બનીને ગયો હતો !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment