ન્યાયની દેવીને આંખો આવી !


‘હરખના સમાચાર છે, રણઝણસિંહ !’
અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ સમાન રણઝણસિંહના ઘરમાં દાખલ થતાં જ અમે વધામણી આપી :

‘સાંભળ્યું કે નહીં ? ભારતની ન્યાયની દેવીની હવે આંખો ખુલી ગઈ છે !’

રણઝણસિંહ થોડી વાર સુધી તો કંઈ બોલ્યા નહીં, પછી ઘેરા અવાજે હાશકારો નાંખતા કીધું :

‘હાશ ? હવે ઈ દેવીને હૌથી પેલ્લાં આ દેશની કોર્ટુંમાં જે લાઈનોની સંખ્યામાં કેસુંના ઢગલા થ્યા છે ઇ દેખાડો !!’

‘શા માટે ? હવે તો દેવીની આંખો આવી છે. એ જાતે નહીં જુએ ?’

‘હા. ઈ હાચું હોં મન્નુડા ! કેમકે હવે તો દેશની હંધીય કોર્ટું ન્યાયનાં મંદિર થઈ ગઈ કે’વાય ને !’

‘આહાહા… ન્યાયના મંદિર !’ અમે તો આ કલ્પના ઉપર ઓળઘોળ થઈ ગયા. ત્યાં રણઝણસિંહ બોલ્યા :

‘જો મંદિર હશે તો પ્રસાદે પણ ધરાવવો પડશે ને ?’

‘પ્રસાદ ?’ અમે ગુંચવાયા.

‘અને ઈ દેવીની પૂજાનો આખો વહીવટ સંભાળનારા પૂજારીયો ય ખરા ને !’

‘ન્યાયની દેવીના પૂજારીઓ ?’ અમે વધારે ગૂંચવાયા.

‘સિસ્ટમ તો ઈ જ છે ને ? હંધોય વહીવટ પૂજારીઓ થકી જ થાય ને ? દેવીનાં દર્શન ક્યારે થાશે… દર્શન માટેની લાઈનું ક્યાંથી લાગશે.. પૂજાની સામગ્રી માટેની દુકાનો ક્યાં મંડાણી હશે… દેવીની આરતી દહાડામાં કેટલા ટાઈમ થાશે… પ્રસાદમાં શું હશે… ઇ પ્રસાદ સો ટકા શુધ્ધ છે કે નંઈ ઇનાં સર્ટિફીકેટું કોણ દેશે…’

‘એક મિનિટ, એક મિનિટ.’ અમે એમને રોક્યા. ‘તમે યાર, આમ કોયડાની ભાષામાં ના બોલો. દેવીને ધરાવવાનો પ્રસાદ એટલે શું ? એના પૂજારી એટલે વળી કોણ ?’

‘લે, કોયડા વિનાની ભાષામાં બોલું !’ રણઝણસિંહે પલાંઠી મારી ‘દર્શન માટે વીઆઈપીની લાઈન અલગ હોય છે, ઈ તો ખબર છે ને ?’

હવે અમે ખરેખર મુંઝાયા. ‘પ્રભુ, આ ઉઘાડી આંખવાળી ન્યાયની દેવી હોવા છતાં આવું જ ચાલશે ?’

‘મન્નુડા !’ રણઝણસિંહે અમારા માથે ટપલી મારી ‘ઇ ન્યાયની દેવી કોર્ટુમાં અગાઉ પણ કંઈ કેટલાય ન્યાય સામેવાળાને જોઈને જ થાતા રહ્યા છે ને… હિન્દુ હોય તો અલગ ન્યાય, લઘુમતી હોય તો અલગ ન્યાય, સરકાર હોય તો અલગ ન્યાય અને વિપક્ષ હોય તો વળી અલગ ન્યાય… અરે, કેરળમાં અલગ અને ગુજરાતમાં અલગ !’

‘વાત તો સાચી. તો પછી બદલાયું શું?’

‘ખાસ કાંઈ નંઈ ! ત્રાજવું ભલે ને સોનાનુ ઘડાવો, છાપેલાં કાટલાં જ જુનાં હોય તો શું કરી લેવાની પ્રજા ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments