જુદી જાતના 'ફોમો' !

‘ફોમો’ એટલે શું ? ફિયર ઓફ મિસિંગ આઉટ ! આજકાલ યંગ જનરેશનમાં આ બિમારી બહુ વ્યાપક છે. ‘ફલાણા પાર્ટી પ્લોટના ગરબા જોયા જ નથી ? તો શું જોયું?’ ‘ચીઝ-ચીલી-ગાર્લિક મોમોઝ ખાધા જ નથી ? તો શું ખાધું ?’ ‘અરે, ‘કોલ્ડપ્લે’નું નામ પણ નથી સાંભળ્યું ? તો શું સાંભળ્યું ?’

પરંતુ આવી ‘અમે રહી ગયા’વાળી ફિલીંગનો ડર બીજે પણ છે ! જુઓ…

*** 

ફિયર ઓફ મિસિંગ ખુરશી !
આ બિમારી નેતાઓમાં હોય છે. અને તે ખાસ કરીને ત્યારે ત્રાટકે છે જ્યારે ચૂંટણી આવી પડે ! આના કારણે અમુક નેતાઓ બપોરે એક પાર્ટીની રેલીમાં ભાષણ કરે છે અને સાંજે બીજી પાર્ટીની રેલીમાં ઝિંદાબાદ કરવા મંચ ઉપર ચડી જાય છે !

*** 

ફિયર ઓફ મિસિંગ લાઈમ-લાઈટ !
આ બિમારી ફિલ્મી લોકોમાં ખાસ હોય છે. સોશિયલ મિડીયાનાં ઘેટાં (ફોલોઅર્સ) એમની ચર્ચા કરતાં રહે એટલા ખાતર થઈને ક્યારેક તે પોતાના પતિ વિના 'ફેમિલી ફોટા' પડાવે છે, તો ક્યારેક ફાટેલાં કપડાં પહેરીને એરપોર્ટ આગળ પોઝ આપે છે ! એમાંય જો કોઈ ફિલ્મી હિરોઈનને ‘ખુરશી’ના ફોમોનો ચેપ લાગે તો તો… હાથ કંગના કો આરસી ક્યા !

*** 

ફિયર ઓફ મિસિંગ ફોલોઅર્સ !
આ લોકો પોતે જ ઘેટાં બનીને ફોલોઅર્સની પાછળ દોડતા થઈ જાય છે. આમાંને આમાં કોઈ સેલ્ફી લેવા જતાં ખીણમાં ગબડી પડે છે, કોઈ દરિયામાં તણાઈ જાય છે તો કોઈ રેલ્વેના પાટાને પોતાની ઠાઠડી બનાવી બેસે છે.

*** 

ફિયર ઓફ મિસિંગ જવાની !
પુરુષોને આ રોગ લગભગ ૪૦ વરસની ઉંમરે લાગે છે. પરંતુ સ્ત્રીઓને તો ૨૦ વરસની ઉંમરથી જ લાગુ પડી જાય છે ! યુવતીઓ પાતળી દેખાવા માટે ભૂખે મરે છે અને સ્ત્રીઓ જુવાન દેખાવા માટે કિચનમાં પણ મેકપ કરીને રીલ્સ બનાવે છે.

જોકે પુરુષ રોગીઓમાં સૌથી કાર્ટૂન જેવા ૬૦ વરસ પછીની ઉંમરના હોય છે ! એમનામાંથી ૯૦ ટકા ડોસાઓ ખરેખર એ ભ્રમમાં હોય છે કે ‘લાઇફ બિગિન્સ એટ સિક્સ્ટી !’ તો કાકા, અત્યાર સુધી શું તમારી ‘સ્ટાર્ટીંગ ટ્રબલ’ ચાલતી હતી ?

*** 

ફિયર ઓફ મિસિંગ દારૂ !
યાર દરેક ગુજરાતી પુરુષ આખી જિંદગી એમ જ માને છે કે ‘તમે લઈ ગયા ને અમે રહી ગયા !’ આ ગુજરાતીઓ માટે ‘ખાધું પીધું ને રાજ કર્યું’થી વારતા પુરી થતી જ નથી કેમકે મરે ત્યાં સુધી એમ જ માને છે કે ‘મેં હજી સરખું પીધું જ ક્યાં છે ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments