દેશમાં અમુક કિસ્સાઓ એવા બને છે કે એમાં લાગે છે કે નેતાનાં કપડાં ઉતરી ગયાં ! (ઉઘાડા પડી ગયા.) જોકે મોટે ભાગે તો એવું જ બનતું આવ્યું છે કે નેતાઓ પ્રજાનાં કપડાં ઉતારી નાંખે છે. (ભિખારી બનાવી નાખે છે.)
પરંતુ જરા કલ્પના કરીએ કે નેતાઓ જો દરજી બને તો ?...
***
નિર્મલા સીતારામન :
તમે એમનાં વખાણ બહુ સાંભળ્યાં હોય એટલે તમને આશા હોય કે તમારો ઝભ્ભો બહુ સરસ સીવશે. પણ જ્યારે સિવાઈને આવે ત્યારે ખબર પડે કે એમાં એક ખિસ્સું ઓલરેડી કપાઈ ગયેલું છે ! અને બીજું ખિસ્સું તો ગાયબ છે ! જમણી બાંય વધારે પડતી લાંબી છે અને ડાબી સાવ ટુંકી છે !
તમે પૂછશો તો કહેશે કે ‘કપાઈ ગયેલું ખિસ્સું ટેક્સ છે, ગાયબ થયેલું ખિસ્સું અમારી પાસે પેન્શન રૂપે છે ! ડાબી બાય ભલે ટુંકી હોય પણ જમણી બાંયને પ્રોત્સાહન આપવું જરૂરી હતું !’
***
રાહુલ ગાંધી
તમે એમને મોંઘા ભાવનું કાપડ ખરીદીને સૂટ સીવવા આપ્યો હોય તો પણ એ કાથીના કાપડનું જ પહેરણ બનાવીને આપશે ! ઉપરથી કહેશે :
‘દેખો ભૈયા, યે જો કાથી હૈ વો નારિયેલ સે બનતી હૈ, નારિયેલ પુરે દેશ મેં ઉગતા હૈ, હમ કાથી કા ફેશન દુનિયાભર મેં એક્સપોર્ટ કરેંગે ઔર હર ગાંવ મેં નારિયલ કી ફેકટરી લગાયેંગે ! એક ફેકટરી મેં દસ હજાર લોગોં કો રોજગાર મિલેગા… મગર યે સૂટ-બૂટ કી સરકાર તુમ્હેં કરજા નહીં દેગી !’
***
કેજરીવાલ :
તમારું માપ લઈને તિહાર જેલમાં જતા રહેશે ! પછી તમારા કાપડને એવું વેતરી નાંખશે કે ચાદરની સાઈઝમાંથી માત્ર ટોપી જ બનશે ! એ ટોપી ઉપર લખ્યું હશે ‘મૈં આમ આદમી હું !’
એ ટોપી તમને પહેરાવ્યે જ છૂટકો કરશે.
તમે તમારી ચાદરનો હિસાબ માગશો તો કહેશે ‘અગલે પાંચ સાલ મેં સબ કો મૈં ઉડનેવાલી ચાદર પે બિઠા કે દિલ્હી કી સૈર કરાઉંગા ! વો ભી ફ્રી મેં !’
***
યોગીજી :
એમને તમે કોઈપણ રંગનું કપડું આપો, જ્યારે સીવાઈને પાછું આવશે તો એ ભગવા રંગનુ જ હશે ! ઉપરથી આદેશ આપશે : ‘હર કોઈ પહનનેવાલે કો ઉસ કે ઉપર અપના નામ સ્પષ્ટ શબ્દો મેં લિખના હોગા !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment