શરીર દુઃખે, માથુ ભમે, ઊંઘ આવે, કામમાં મન ન લાગે… આવી અનેક તકલીફો નવરાત્રિ પતે પછી જ માથું ઉંચકે છે ! પણ એનો ઉપાય શું ? વાંચો…
***
તકલીફ : (એક ભાઈની)
નવરાત્રિ પતી ગઈ છતા હજી કાનમાં ભણકારા વાગે છે કે ‘એ હાલોઓઓ… એ હાલોઓઓ…’
ઉપાય :
પત્નીને કહો કે દર અડધા કલાકે તમને ઘઘલાવ્યા કરે ‘એ કહું છું, સાંભળોઓઓ !’ ‘એ કહું છું, સાંભળોઓઓ !’
આના કારણે કાનમાં નવા ભણકારા ચાલુ થવાથી જુના ભણકારા દૂર થઈ જશે.
***
તકલીફ : (એક બહેનની)
પગમાં ગોટલા બાઝેલા તે હજી ઉતરતા નથી, કમર દુઃખે છે, પીઠમાં કળતર ચાલુ જ છે…
ઉપાય :
મોબાઈલમાં મોટા અવાજે નોન-સ્ટોપ ગરબા ચાલુ રાખીને રસોઈ કરતાં કરતાં, કચરાં પોતું કરતાં કરતાં… વગેરે કામકાજ સાથે ગરબા રમવાનું ચાલુ રાખો !
આના કારણે જતા દહાડે વજન પણ ઘટશે.
***
તકલીફ : (એક યુવાનની)
જે છોકરી માટે હું જીવના જોખમે અને ખિસ્સાં ખાલી થવાના રિસ્કે પણ રોજ ગરબાના પાસ લાવી લાવીને આપતો હતો એ છોકરી હવે મારી સામું પણ જોતી નથી.
ઉપાય :
(૧) ‘સનમ બેવફા…’ ટાઈપનાં ગાયનો ગાઓ.
(૨) એ ટાઈપનાં ગાયનો તમે રડતાં રડતાં ગાતા હો એવા વિડીયો બનાવીને બધાને ટેક કરો, અથવા
(૩) એવાં ગાયનો એ છોકરીના ઘર સામે ઊભા રહીને સવાર-સાંજ બે વાર ગાવાનું રાખો…
આમ કરવાથી તે તમારી સામું બે ચાર વાર જુએ એવા ચાન્સિસ ખરા !
***
તકલીફ : (એક કર્મચારીની)
ઓફિસમાં બેઠાં બેઠાં હજી ઊંઘ આવે છે. એમાં બોસ મને ખખડાવી નાંખે છે.
ઉપાય :
હવે એનો કોઈ ઉપાય નથી. પણ આવતા વરસે તમે તમારા બોસને જ પાસ આપી આપીને ગરબા રમાડતા કરી નાંખશો, તો એ પણ તમારી જેમ ઓફિસમાં મસ્ત ઊંઘતા થઈ જશે !
આમાં તો કદાચ પ્રમોશન પણ મળી જાય ! ટ્રાય કરી જોજો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment