હરિયાણાની ચૂંટણીમાં ભાજપ શી રીતે જીતી ગયું એ તો તમને દેશના રાજકીય પંડીતોએ સમજાવી દીધું હશે. પરંતુ જે દિવસે ટીવીમાં પરિણામો જાહેર થઈ રહ્યાં હતાં ત્યારે એમનાં યુ-ટર્ન જોવા જેવા હતા !
જે હોય તે. હવે એ પંડીતોનાં ‘વિશ્ર્લેષણોનાં’ વિશ્ર્લેષણો કરવા જેવાં છે…
***
ચૂંટણી પહેલાં…
ભાજપમાં ભંગાણ… કોંગ્રેસનો હાથ ઉપર… ભાજપને ભારે પડશે…
પરિણામો પછી…
ભાજપની હેટ્રિક… કોંગ્રેસને આઘાત… ભગવો લહેરાયો ત્રીજી વખત…
કારણ શું ?
ભાજપની એક ‘સ્ટ્રેટેજી’ હતી, જે અમને હમણાં જ સમજાઈ !
***
ચૂંટણી પહેલાં…
ભાજપ જમીની વાસ્તવિક્તાથી દૂર… ગ્રાઉન્ડ લેવલે સ્થિત બદલાઈ રહી છે…
પરિણામો પછી…
ભાજપનું ગ્રાઉન્ડ-વર્ક મજબૂત હતું… કોંગ્રેસ નીચલા લેવલે ગાફેલ રહી…
કારણ શું ?
સાતમા માળે (અથવા આસમાને) રહેવાને કારણે ગ્રાઉન્ડ ફ્લોરમાં શું ચાલે છે એની અમને કેવી રીતે ખબર પડે ?
***
ચૂંટણી પહેલાં…
મોદીનો જાદુ ઓસરી ગયો છે.. રાહુલનો કરિશ્મા છવાઈ રહ્યો છે… પ્રજાનો ભ્રમ ભાંગી ગયો છે.
પરિણામો પછી…
મોદીનો જાદુ હજી અકબંધ… રાહુલની સભામાં ટોળાં ઉમટ્યાં પણ મતમાં ન ફેરવાયાં… પ્રજા શાણી નીકળી…
કારણ શું ?
જાદુ, કરિશ્મા, ભ્રમ… બધું અમે જ ફેલાવેલું ! અને અમારી જાળમાં અમે જ ફસાઈ ગયા ! બોલો.
***
ચૂંટણી પહેલાં…
જાટ મતો કોંગ્રેસની ઝોળીમાં… દલિતો ભાજપથી દૂર… કુમારી શૈલજા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક…
પરિણામો પછી…
બિન-જાટ મતોએ ભાજપને જીતાડ્યું… દલિતોને ડોર-ટુ-ડોર મનાવ્યાં… કુમારી શૈલજાની અવગણના કોંગ્રેસને ભારે પડી…
કારણ શું ?
કારણકે દિલ્હીની એસી ઓફિસોમાં બેઠાં બેઠાં અમને જે ઓનલાઈન ‘ફીડ’ મળે એ જ રટણ કરવાની પંરપરા છે.
(જોકે કોંગ્રેસ કે ભાજપે નહીં પણ ૨૦૨૪માં કરેલી ભૂલો રાજકીય પંડીતોએ રીપીટ કરી છે ! કંઈ નવું નથી…)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment