નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
‘ઓ મારી લાઈખો રે… મારું માથું ફોડી લાઈખું ! મરી ગિયા રે હહરીના, તારી આંખે દેખાય કે નીં ? મારા જેવા ડોહલાના જીવની કોઈને પડેલી નીં મલે રે… ઓ મારી લાઈખો રે…’
આવી રોક્કળ એક ઘરડા ભિખારીની ચાલી રહી હતી. બિચારાના માથાના કાબર-ચીતરા વાળમાંથી લોહીના રેલા ચાલી રહ્યા હતા. આ જોઈને રસ્તે જનારા લોકોનું ટોળું ભેગું થઈ રહ્યું હતું.
‘પેલા મોટર સાઇકલવારાને પકડો ! એણે જ આ ડોહલાને ટક્કર મારી !’
ટોળામાંથી કોઈએ બૂમ પાડી. તરત જ ચાર પાંચ જણા પેલા બાઈકવાળાને ઘેરી વળ્યા, ‘જોઈને ચલાવતાં હું થતું છે ? દેખાય કે નીં’ ‘બિચ્ચારા ભિખારીને કચેડી (કચડી) ઘાઈલો !’ ‘આંખ છે કે બટન ?’
બિલીમોરા ટાઉનમાં રેલ્વે સ્ટેશન અને બસ ડેપો નજીક નજીક આવેલાં છે. એમાં વળી ડેપો તરફથી નીકળતા રસ્તે બરોબર કાટખૂણે એક વળાંક આવે, જ્યાં ‘ભરચક’ બજાર છે. કોઈ ટ્રેન આવી હોય કે સામટી બે ચાર બસોના પેસેન્જરો ઉતર્યા હોય તો રીક્ષાઓ, છકડાઓ અને ખાનગી વાહનોની ધમાચકડી થઈ જાય.
એવા જ એક સમયે એ રોડ ઉપર આવેલી દુકાનના માલિક ધનસુખભાઈએ આ અકસ્માત થતો જોયો કે તરત એ દુકાનનાં પગથિયાં ઉતરીને દોડ્યા. બિચારા ભિખારીના માથામાંથી ડદડી રહેલું લોહી તેનાં મેલાં કપડાં પલાળી રહ્યું હતું.
‘મારું માથું ફૂટી ગિયું લાગે રે… અ’વે મેં મરી જવાનો…’ ભિખારી રડતાં રડતાં બૂમો પાડી રહ્યો હતો.
પેલો બાઈકવાળો ગભરાઈ ગયો હતો. એ માંડ માંડ બોલ્યો. ‘લાવો, મેં તેને બાઇક પર બેહાડીને હોસ્પિટલ લેઈ જાઉં.’
એટલામાં ધનસુખભાઈ આગળ ધસી આવ્યા. ‘જોજે ભાઈ, રખે એવી ભૂલ કરતો ! એક્સિડનનો કેસ છે. હોસ્પિટલવારા કે’હે કે પેલ્લાં પોલીસ કંપલેન લાવો, તે વગર પાટાપિંડી હો ની કરહે. આમાં તુ ભરાઈ પડહે, જો !’
આ એ જમાનાની વાત છે જ્યારે કોઈપણ એક્સિડેન્ટનો કેસ હોય તો ખાનગી કે સરકારી બન્ને ટાઇપની હોસ્પિટલો પોલીસ કેસ નોંધાય નહીં ત્યાં લગી દરદીને હાથ પણ લગાડતા નહોતા. (હવે કાયદો બદલાઈ ગયો છે.)
આ સાંભળીને બાઈકવાળાનો પરસેવો છૂટી ગયો. એવામાં ભિખારીએ પોક મુકી. ‘માથું ફોડી લાઈખું રે… ઓપરેસનના હજાર બે હજાર મેં કાંથી લાવા રે…’
હજાર બે હજારનો આંકડો સાંભળીને પેલો બાઇકવાળો ભાગી છૂટવાના મૂડમાં હતો. પણ લોકોએ એને પકડી રાખ્યો. ભિખારીએ રડારોડ ચાલુ રાખીને રાહદારીઓને ‘વાટઘાટકર્તા’ બનાવી દીધા.
‘કાકા, તમે કંઈ હમજાવોનીં ? મેં તો જંઈતંઈ (જેમતેમ) ભીખ માંગીને મારું પેટ ભરતો છે, બે હજાર રૂપિયા કાંથી લાવવાનો ? ઓ મરી ગિયો રે… કોઈ મારું માથું પકડો રે…’
આખરે સાતસો રૂપિયાનો આંકડો નક્કી થયો. બિચારા બાઇકવાળાએ ખિસ્સામાં જેટલા હતા તે ઉપરાંત પોતાની ઘડિયાળ આપી ત્યારે ભિખારી રડતો બંધ થયો. લોકોએ એને બેઠો કર્યો. ભિખારીએ કમરે બાંધેલું કપડું છોડીને માથે બાંધ્યું અને માંડમાંડ સંતુલન જાળવતો, વાંકાચૂકા ડગલાં માંડતો ત્યાંથી હોસ્પિટલ બાજુ ગયો…
ધનસુખભાઈને થયું કે આજે એમણે ખરેખર કઈ માનવતાનું કામ કર્યું ! બે દિવસ પછી એજ ભિખારી, માથે પાટાપિંડી સાથે દુકાને દેખાયો. ધનસુખભાઈએ એને બેસાડ્યો… પાર્લે બિસ્કીટનું પેકેટ ખવડાવ્યું. થોડો લોટ, થોડા ચોખા એમ કરીને ચાર પડીકાં બાંધી આપ્યા. ઉપરથી વીસ રૂપિયા પણ આપ્યા. ભિખારી આશીર્વાદ આપતો જતો રહ્યો.
જોકે પંદરેક દિવસ થયા ત્યાં એજ ભિખારી સાથે ફરી એવી જ ઘટના બની ! આ વખતે એને કોઈ ટેમ્પાએ અડફેટે લીધી હતો. પેલો ભિખારી સ્હેજમાં બચી ગયો પણ એનો ખભો મચકોડાઈને લબડી પડ્યો હતો.
ફરી ટોળું ભેગું થયું… ફરી ધનસુખભાઈ વચ્ચે પડ્યા.. ફરી ટેમ્પાવાળાને કાયદો સમજાવ્યો અને ફરી માંડવાળીમાં ભિખારીએ ત્રણસો રૂપિયા લીધા. આ તો સારું હતું કે બિચારાને લોહી નહોતું નીકળ્યું.
બીજા દિવસે એ ભિખારીને ધનસુખભાઈની દુકાને પાટાપિંડી કરેલો હાથ ઝોળીમાં લઈને આવતો દેખાયો. ધનસુખભાઈએ આ વખતે એને બ્રિટાનિયા બિસ્કીટનું પેકેટ ખવડાવ્યું, તેને ઘઉંનો લોટ બાંધી આપવા જતા હતા ત્યાં ભિખારી બોલ્યો :
‘ચણાનો લોટ આપજો નીં ? જરીક ભજીયાં ખાવાનું મન થતું છે…’
ધનસુખભાઈ ચણાના લોટની કોથળી ભરતા હતા ત્યાં ભિખારી બોલ્યો : ‘જરીક નવટાંક તેલ હો આપતે તો…’
એક ખાલી બાટલીમાં ધનસુખભાઈ તેલ ભરતા હતા ત્યાં એ બોલ્યો : ‘જો શીરો ખાય તો હાડકું વે’લું હંધાતું છે, એમ કે’તા છે, લોકો…’
ધનસુખભાઈએ શીરો કરવાની સામગ્રી યાને કે ઘઉંનો લોટ, ઘી, ગોળ વગેરેનું આખું ‘ફેમિલી પેક’ તૈયાર કરીને આપ્યું. ભિખારીએ જતાં જતાં જેટલા આવડતા હતા એટલા આશીર્વાદ આપ્યા :
‘તમારે તાં હાત પેઢી લગી ની ખટે એવા કુબેરનાં ભંડાર હજો… ઘરની હાંમે જિયારે જુવે તિયારે હાથી ઘોડા ને પાલખીની ધજા ફરકજો… તમારાં પોયરાં તમારી મરે તાં લગી સેવા કરે… ને જેટલી મારી સેવા કઈરી છે તેવી બીજા હજજારો ગરીબની સેવા કરજો રે…’
ધનસુખભાઈને થયું, જરૂર મારાં ગયા જનમનાં કોઈ પુણ્ય હશે કે મને આવી સેવા કરવાનો અવસર મળ્યો ! પરંતુ એ ભ્રમ બહુ જલ્દી તૂટી ગયો…
થયું એવું કે હજી માંડ દસ દિવસ નહોતા થયા ત્યાં પેલો ભિખારી એક કારની અડફેટે આવીને ગબડી પડ્યો ! આ વખતે તો એના ડોળા અધ્ધર ચડી ગયા હતા ! લાગતું હતું કે આ તો ગયો !
ટોળું અરેરાટી કરતું ચારેબાજુ ગોળ વળીને ઊભું હતું. કારનો માલિક બહાર નીકળીને ફફડી રહ્યો હતો. ‘સાલો, ક્યાંક મરી તો નીં ગિયો ને ?’ ત્યાં જ ધનસુખભાઈ ટોળું ચીરતાં અંદર આવ્યા અને ભિખારીને કચકચાવીને એક લાત ઠોકી દીધી !
‘સ્સાલા ઢોંગી ! ઊભો થતો છે કે માથાનાં ભદક મુકું ।’ (લાકડું મારું) આ સાંભળતા જ ભિખારીની આંખો ખુલી ગઈ ! ધનસુખભાઈના હાથમાં ‘ભદક’ તો નહોતો પણ ભિખારીની ચોટલી એમના હાથમાં આવી ગઈ હતી. એમણે કારના માલિકને કહ્યું :
‘મેં કે’દાડાનો જોયા કરતો છે ! આ હહરીનો દહ પંદર દા’ડામાં એકાદ વાર જાણીજોઈને ચાલુ ગાડીની હાંમે લખાવી મુકતો છે. (કૂદી પડે છે.) હહરીનાને કંઈ વાગેલું લાગેલું નીં મલે ! એય ઊભો થા ! નીં તો તારી બેનને… અમણાં કેંમ તે…’
નવી ગાળો પડે એ પહેલાં જ ‘ભિખારી ઉછળીને બેઠો થઈ ગયો અને બીજ જ ક્ષણે ભીડને ધક્કા મારીને નાસી છૂટ્યો !
ટોળું વીખેરાવા લાગ્યું. કારના માલિકે ધનસુખભાઈનો આભાર માનવા માંડ્યો. ‘તમે મારા બહો-પાંન્સો રૂપિયા બચાઇવા, આજે તો !’
ધનસુખભાઈ અકળાયા. ‘વાત જવા દોં ની? આ ધૂતારો મારી દુકાનેથી છહો રૂપિયાનો માલ મફતમાં કઢાવી ગેલો છે !’
જોકે વાત અહીં જ પુરી થઈ ગઈ હોત તો એ યાદગાર કિસ્સો શી રીતે બને ?
ઘટના એમ બની કે એક દિવસ એસટી ડેપો ઉપર ધનસુખભાઈ એમના એક મહેમાનને લેવા માટે પોતાની કાર લઈને ગયેલા. પાછા વળતાં એ જ પેલા વળાંક આગળ પેલાં ભિખારીએ બરાબર લાગ જોઈને પડતું મુક્યું !
છંછેડાયેલા ધનસુખભાઈએ બ્રેક મારવાને બદલે કાર ઠોકી જ દીધી ! પણ સ્હેજ હળવી ટક્કર લાગવાને બદલે બરાબરની ટક્કર વાગી ગઈ ! ભિખારીનો ટાંટિયો ખરેખર તૂટી ગયો !
હવે ? ભિખારી તો ‘ઓ મને મારી લાઈખો રે…’ કરીને પોક મુકીને રડવા લાગ્યો. ધનસુખભાઈએ એને ખખડાવ્યો. ‘સાલા નાટક બંધ કર ! ચાલ, બેહી જા ગાડીમાં, તને મેં જ હોસ્પિટલે લેઈ જતો છે !’
હોસ્પિટલમાં તો તે વખતના નિયમ મુજબ ડોક્ટરે હાથ અધ્ધર કરી દીધા કે ‘આ તો પોલીસ કેસ થેઈ ગિયો…’ જોકે ધનસુખભાઈની ગામમાં એટલી ઇજ્જત તો ખરી તેથી પોલીસ આવે એ પહેલાં સારવાર થવા માંડી.
પછી પોલીસ આવી… એમણે કાઢ્યો ફરિયાદનો ચોપડો ! ધનસુખભાઈ માંડવાળીની વાત કાઢે એ પહેલાં જ ભિખારીએ કાગારોળ મચાવી ‘મેં તો હીધો હીધો ચાઇલા કરતો ઉતો, આમણે જ પછાડીથી (પાછળથી) ઠોકી ઘાલી !’
ભિખારી એના બયાનથી એકનો બે થવા રાજી નહોતો. છેવટે પોલીસોએ ધનસુખભાઈને સમજાવ્યા : ‘જુવો, ઢનસુખભાઈ આમાં બો લાંબુ કરવામાં માલ નીં મલે. ટમે કોર્ટમાં જાહે ટો બી ચોપડામાં જે લખેલું ઓહે ટે જ બોલવાનું ! એના કરટાં ઢનસુખભાઈ, ટમે-હમજી જાવોનીં…’
છેવટે પોલીસોના પાંચસો અને ભિખારીના હજાર, એમ દોઢ હજારના ધક્કામાં ધનસુખભાઈને ઉતરવું પડ્યું. ઉપરથી, પોલીસ ગઈ પછી ભિખારી નફ્ફટ થઈને બોલ્યો :
‘તમુંએ બિલીમોરામાં મારો ધંધો બગાઈડો કેનીં ? તો મેં બી બડલો લીધો !’
ધનસુખભાઈ સમસમી ગયા. પણ થાય શું ? આખરે જ્યારે ભિખારીને હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે ધનસુખભાઈ કાર લઈને તેને લેવા આવ્યા, તે બે હાથ જોડીને બોલ્યા :
‘મારી ભૂલ થેઈ ગેઈ… અ’વે પસ્તાવો કરવા હારુ મેં તને દમ્મણ લેઈ જાઉં ? તને દારૂ પીવડાવું ? મરઘું હો ખવડાવુ ! બોલ, આવતો છે કે ?’
ભિખારીને મઝા પડી ગઈ. એ બગલઘોડી સાથે જ કારમાં બેસી ગયો.
ધનસુખભાઈએ કારને દોડાવી મુકી… વાપી ગયું છતાં સીધી જ જવા દીધી એટલે ભિખારી પૂછે છે ‘આમ કાં ચાઈલા ?’
ધનસુખભાઈ કહે છે ‘અગાડી એક ઠેકાણે કામ છે.’
છેક ચારોટી-કાસા વટાવ્યા પછી રસ્તો સાવ સૂમ થઈ ગયો ત્યારે ધનસુખભાઈએ કાર ઊભી રાખતાં પૂછ્યું : ‘એલા, પેશાબ કરવાનો કે ?’
બન્ને પેશાબ કરવા ઉતર્યા. ખુલ્લુ મેદાન જેવું હતું. ભિખારી પેશાબ માટે બગલઘોડી વડે લંગડાતો દૂર ગયો કે તરત ધનસુખભાઈએ કાર સ્ટાર્ટ કરીને મારી મુકી !
ભિખારીએ બૂમ પાડી : ‘એય… એય ! કાં ચાઇલા ?’
ધનસુખભાઈએ યુ ટર્ન મારતાં કહ્યું ‘મેં તો ચાઈલો બિલીમોરા ! પણ તું જો તાં પાછો દેખાયો છે તો યાદ રાખજે, બંને ટાંટિયા તોડી લાખા !’
એ પછી એ ભિખારી બિલીમોરામાં દેખાયો નથી. બીજે ક્યાંક દેખાયો હોય તો ત્યાંના 'ધનસુખભાઇ' જાણે !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment